એબાદી, શીરીન (જ. 21 જૂન 1947, ઈરાન) : 2003ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા ઈરાનનાં મુસ્લિમ મહિલા. તેઓ તહેરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલાં અને ફારસી સાહિત્યના રસિયા શીરીને વ્યવસાય તરીકે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રગતિ સાધતાં તેઓ 1975થી 79 દરમિયાન ઈરાનનાં પ્રથમ મહિલા-ન્યાયમૂર્તિના હોદ્દા સુધી પહોંચ્યાં.
1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન તેમને આ હોદ્દા પરથી મહિલા હોવાને નાતે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પડકારને કારણે તેમને એક વિશેષ કાર્યક્ષેત્ર સૂઝ્યું અને તે માનવ અધિકારો અંગેનું હતું. તેમની નજરે સમાજનો સૌથી અવગણાયેલો વર્ગ બાળકોનો છે, તેથી બાળકો માટેનું સંગઠન રચી તેમણે કાર્યનો પ્રારંભ કર્યો. 1994થી આરંભાયેલા આ સંગઠનની પ્રશંસનીય કામગીરી માટે 1996ના ‘હ્યૂમન રાઇટ્સ વૉચ’ દ્વારા તેમની કામગીરીની કદર રૂપે એક તખતી ભેટ આપવામાં આવી. તે પછી ઈરાનમાં મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને વ્યાપક રૂપમાં કાયદાની સલાહ તેઓ પૂરી પાડતાં.
1979માં ઇસ્લામિક ક્રાંતિથી સત્તા હસ્તગત કરનાર ક્રૂર અને મજહબી શાસક આયાતોલ્લા ખોમેનીએ સત્તાનાં સૂત્રો છોડ્યા પછી ખાતમી સરકારે લોકશાહી દિશામાં જવાના પ્રયાસો આદર્યા. તેથી શીરીનનાં કાર્યોને મોકળું મેદાન મળ્યું. જોકે ઈરાન પર રૂઢિચુસ્તોની પકડ ઢીલી પડી નહોતી. 1998-99માં ઈરાનના લેખકો અને બૌદ્ધિકોના પરિવારજનો ‘શ્રેણીબંધ હત્યાઓ’(serial murders)ની ઘટનાના શિકાર બનતાં શીરીન તેમની વહારે ચડ્યાં; તેમના કાયદાનાં સલાહકાર અને વકીલ બન્યાં તેમજ આ કૃત્યોને ગેરકાયદે ઠેરવવા તેમણે પ્રયાસ કર્યા. તેમના આ અભિપ્રાયો ‘જાહેર મત જોખમાવતા’ હોવાથી શીરીનને ધરપકડ અને જેલ વહોરવી પડી, પણ એથી તેમનું કામ અટક્યું નહિ. લોકશાહીતરફી વિદ્યાર્થીઓએ 1999માં તહેરાનમાં દેખાવો યોજી સરકાર સમક્ષ ઉદારનીતિઓની માંગ કરી, જેને માનવ અધિકારો રૂપે શીરીનનું સમર્થન સાંપડ્યું. માનવ અધિકારો અંગેનાં 2001ના રફતો પારિતોષિકનાં તેઓ અધિકારી બન્યાં. માનવ અધિકારો અંગેના ઈરાનિયન ફૉરમની બર્લિન ખાતેની બેઠકમાં હાજરી આપવા બદલ તેમને વધુ એક વાર જેલયાત્રાની તક આપવામાં આવી, જે તેમણે હસતે મોંએ સ્વીકારી. આવા અવરોધો છતાં ઈરાનની વિચરતી જાતિઓ માટે, બૌદ્ધધર્મીઓ તથા ખ્રિસ્તીધર્મીઓના માનવ અધિકારો માટે તેમણે સંઘર્ષ જારી રાખ્યો. 89 ટકા શિયા મુસ્લિમોના દેશમાં આ અતિ નાના વર્ગો માટે તેઓ કામ કરતાં રહ્યાં. મુસ્લિમ મહિલાઓને તલાક આપનારે મોટી રકમ વળતર પેટે ચૂકવવી પડે તેવા કાયદાઓ માટે તેમણે ઝુંબેશ કરી. ઈરાનના કટ્ટરપંથીઓ તેમની આ પ્રવૃત્તિઓથી ભારે ખફા હોવા છતાં કાયદાઓ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કુરાનના જ્ઞાનનો વેધક ઉપયોગ કરીને તેમણે મહિલા નાગરિકત્વ, સમાન નાગરિકત્વ અને તેમના માનવ અધિકારો માટેની લડત ચાલુ રાખી. તેમના મતે ગુનેગારને પથ્થરોથી મારી નાંખવા જેવી બાબતને કુરાનમાં ક્યાંય સ્થાન નથી. એકંદરે ઈરાન જેવા રૂઢિચુસ્ત સમાજમાં તેમણે અસાધારણ હિંમત દાખવી માનવ અધિકારોના ક્ષેત્રે મહત્તમ યોગદાન કર્યું. કુરાનની સાખે માનવ અધિકારોની તરફદારી કરીને તેમણે સમસ્ત મુસ્લિમ રૂઢિચુસ્ત સમાજને ભારે આંચકો આપ્યો. તેમની ર્દષ્ટિએ ઇસ્લામ અને મૂળભૂત માનવ અધિકારોમાં કોઈ ફરક નથી.
10 ઑક્ટોબર, 2003ના રોજ આ પારિતોષિકની ઘોષણાને ટાણે તેમની પ્રતિક્રિયા હતી કે ‘આ ઍવૉર્ડ મારા માટે, માનવ અધિકારો માટે તેમજ ઈરાનની લોકશાહી માટે ઘણો મહત્વનો છે.’ જૂન, 2003માં ‘ગાર્ડિયન’ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ‘ઇસ્લામ સામે મને સહેજ પણ વાંધો નથી, પરંતુ પુરુષ આધિપત્યની તેની સંસ્કૃતિનો હું વિરોધ કરું છું.’ ઇસ્લામનું તેમનું આ નવસંસ્કરણ મુસ્લિમ સમાજ માટે અને કટ્ટરપંથીઓ માટે નવી દિશા ચીંધનારું બની રહેશે.
‘હિસ્ટરી ઍન્ડ ડૉક્યુમેન્ટેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ ઇન ઈરાન’ તેમનો જાણીતો ગ્રંથ છે.
રક્ષા મ. વ્યાસ