ઍફ્રિકાનો, નિકોલસ

January, 2004

ઍફ્રિકાનો, નિકોલસ (જ. 12 નવેમ્બર 1948, કંકાકી, ઇલિનોઇસ, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક કથનાત્મક (narrative) ચિત્રોના સર્જન માટે ઍફ્રિકાનો જાણીતો છે. તે વિશાળ કૅન્વાસની 90 % સપાટી ગ્રે રંગમાં એકસરખી રાખી વયમાં 10 % સપાટી પર નાની અમથી એકલદોકલ આકૃતિઓ ચીતરે છે. આવાં વિશાળ ચિત્રોની તે શ્રેણી સર્જે છે, જેમાં પહેલાથી અંતિમ ચિત્ર સુધીની સફર દરમિયાન દર્શક સહેલાઈથી કોઈ વાર્તા, પ્રસંગ કે ઘટના ઉકેલી શકે છે. ક્યારેક તે કૅન્વાસ પર અંગ્રેજીમાં મોટા અક્ષરે વાક્યો પણ લખે છે. તેની જાણીતી ચિત્રશ્રેણીઓમાં ‘‘ડેડી’ઝ ઓલ્ડ’’, ‘બૅર્ટર્ડ વિમેન’, ‘ડૉ. જેકીલ ઍન્ડ મિ. હાઇડ’, ‘ધ ગર્લ ફ્રૉમ ધ ગોલ્ડન વેસ્ટ’, ‘પેત્રુશ્કા’ અને ‘ઇવેલિના’ સમાવેશ પામે છે. વિશાળ કદના કૅન્વાસ પર તેના દ્વારા ચિત્રિત નાનકડી આકૃતિઓને ચોમેર વળગેલો કૅન્વાસનો ખાલીપો આધુનિક માનવીની એકલતા અને તેના અલગાવને રજૂ કરે છે.

અમિતાભ મડિયા