એપિડોરસ થિયેટર : ગ્રીસનું સૌથી મોટું થિયેટર. પ્રાચીન ગ્રીક શહેર એપિડોરસ પેલોપોનેસસના કિનારાના વાયવ્ય ખૂણે સારોનિક અખાત પર આર્ગોલિસ જિલ્લામાં આવેલું છે. નાના (the younger) પોલિટિકસ રાજાએ અહીં ઈ. પૂ. 350માં બંધાવેલા થિયેટરનો ઉપયોગ હાલ પણ વાર્ષિક નાટ્યોત્સવ વખતે થાય છે. તેની રંગભૂમિ બે માળ ઊંચી હતી. નાટ્યસ્થળ 20 મી. વ્યાસવાળું અને આખી બેઠક-વ્યવસ્થા 110 મી. વ્યાસની ત્રણ હારમાં 14,000 પ્રેક્ષકો સમાય તેવી હતી. તેમાં 34 હરોળો હતી. લોકોની અવરજવર માટે બાજુમાં સુયોજિત ઢાળ સાથેની બેઠકોની રચના કરાયેલી હતી. આ પથ્થરની બેઠકો ઈ. પૂ. 325માં બનાવવામાં આવી હતી. બેઠકોની નીચે વૉલ્ટ સાથેના ભૂગર્ભ માર્ગ હતા. રંગમંચનું ઊંડાણ 3 મી. હતું. બધી બાજુએ ર્દશ્યો માટેની રચનાની ગોઠવણ માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી જાતની ઇમારતોમાં સમાવવામાં આવેલ વિભાગોનું આયોજન ખાસ કરીને પહાડોની તળેટીમાં કરવામાં આવતું, જેથી આવી રચના માટે કુદરતી રીતે ઢોળાવવાળી જગ્યા મળી રહે.

એપિડોરસ થિયેટર
આ થિયેટરમાં શ્રવણાનુકૂળતા (accoustics) પૂર્ણ છે. તેમાં ગોળાકાર ઑરકેસ્ટ્રા અને બેઠક-વ્યવસ્થા સારી રીતે જળવાયાં છે.
રવીન્દ્ર વસાવડા
કૃષ્ણવદન જેટલી