એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research and Training – NCERT) : ભારતની શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 1961માં ભારત સરકારે સ્થાપેલી તથા સોસાયટિઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1960 હેઠળ સ્વાયત્ત ઘટક તરીકે માન્યતા ધરાવતી સંસ્થા. ઉપર દર્શાવેલ હેતુ માટે આ સંસ્થામાં વિવિધ વિભાગો ખોલવામાં આવ્યા છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશન (એન.આઇ.ઇ.), વિજ્ઞાનશિક્ષણ, સમાજવિદ્યા-શિક્ષણ, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, શિક્ષક-પ્રશિક્ષણ, મનોવૈજ્ઞાનિક માપન વગેરે એના મુખ્ય વિભાગો છે. એ ઉપરાંત અજમેર, મૈસૂર, ભોપાળ અને ભુવનેશ્વરમાં એના અંગરૂપ ક્ષેત્રીય શિક્ષણ-મહાવિદ્યાલયો આવેલાં છે. એજ્યુકેશનલ ટેક્નૉલોજીની રાષ્ટ્રીય સંસ્થા પણ એની એક અગત્યની પાંખ છે. શિક્ષણક્ષેત્રે નવીનીકરણને અમલમાં મૂકનારી સમિતિ ‘એરિક’ (Educational Research of Innovation Committee) પણ સંસ્થાના સંશોધનના ઉદ્દેશને અમલમાં મૂકનાર અગત્યનું માધ્યમ છે.

આવાં અનેક અંગ-ઉપાંગના માધ્યમ દ્વારા આ સંસ્થા શાળા-શિક્ષણની સુધારણાની દિશામાં નીચેની કામગીરી કરે છે :

(1) શાળાઓ માટેના અભ્યાસક્રમો, શૈક્ષણિક સાધનો, અધ્યાપન-પદ્ધતિઓ, મૂલ્યાંકન અને પરીક્ષણનું કાર્ય તથા અધ્યયન-સામગ્રીને લગતું સંશોધન, પ્રયોગો અને નવાં પુસ્તકોનું નિર્માણ તથા વ્યક્તિઓ અને સંસ્થાઓને માર્ગદર્શન તેમજ સહાય;

(2) શિક્ષકો, શિક્ષણક્ષેત્રના વહીવટ કરનારાઓ, સંશોધકો, પાઠ્યપુસ્તકના લેખકો વગેરેને તાલીમ આપવાની વ્યવસ્થા;

(3) શાળાશિક્ષણની સુધારણા માટેના વિચારોનો પ્રસાર;

(4) શાળાશિક્ષણને લગતી નીતિ ઘડવામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને માર્ગદર્શન.

વિવિધ કામગીરી કરવા માટે આ સંસ્થા ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા કાર્યક્રમો યોજે છે. તેના તરફથી જર્નલ ઑવ્ ઇન્ડિનયન એજ્યુકેશન, ઇન્ડિયન એજ્યુકેશનલ રિવ્યૂ, પ્રાઇમરી ટીચર અને ન્યૂઝ લેટર જેવાં સામયિકો બહાર પડે છે. વળી નમૂનારૂપ પાઠ્યપુસ્તકો, કાર્યપોથીઓ અને શિક્ષકો માટેની માર્ગદર્શિકાઓ પણ તે પ્રસિદ્ધ કરે છે. પ્રતિભાશાળી બાળકોને શોધી કાઢવા દર વર્ષે તે પ્રતિભાખોજ કસોટીઓ યોજે છે અને ઊંચી લબ્ધિવાળાં બાળકોને શિષ્યવૃત્તિ પણ આપે છે. શાળાઓના શિક્ષકોને સંશોધનો હાથ ધરવા અને શિક્ષણનાં સાધનો તથા શૈક્ષણિક મૂલ્યવાળાં રમકડાં બનાવવા માટે આ સંસ્થાએ પુરસ્કાર આપવાની યોજના દાખલ કરેલી છે. આ ઉપરાંત, શાળાઅભ્યાસ છોડી દેનારાં બાળકો માટે અવૈધિક શિક્ષણ અને ખુલ્લી શાળાના દેશવ્યાપી પ્રયોગો તેણે હાથ ધરેલા છે. રાષ્ટ્રીય એકતાને ર્દઢ કરવા તેના ઉપક્રમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તાલીમ શિબિરો યોજવામાં આવે છે. યુનેસ્કો તથા યુનિસેફના સહયોગથી આ સંસ્થાએ ભારતના શાળાશિક્ષણની સુધારણા માટે અનેક પ્રયોગો, કાર્યક્રમો અને સંશોધનો ઉપાડેલાં છે.

ભારતમાં શિક્ષણને લગતા ઉચ્ચ કક્ષાના નીતિવિષયક નિર્ણયો લેવા માટે આ સંસ્થાના નેજા હેઠળ એક સામાન્ય સભા તથા તે નિર્ણયોનો અમલ કરવા માટે એક કાર્યવાહક સમિતિની જોગવાઈ કરવામાં આવી છે.

રિખવભાઈ શાહ

દાઉદભાઈ ઘાંચી