એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949 ઓસ્ટેન, બેલ્જિયમ) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં. પરંતુ 1908માં બેલ્જિયન કવિ એમિલે વરહારેને તેની શક્તિને બિરદાવી. 1929માં જ્યારે તેનું ચિત્ર ‘એન્ટ્રી ઑવ્ ક્રાઇસ્ટ ઇન્ટુ બ્રસેલ્સ ઇન 1889’ પ્રદર્શિત થયું ત્યારે રાજા આલ્બર્ટે તેને ‘બૅરન’નો ખિતાબ આપ્યો. તેનું ‘સ્કેલેટન્સ ફાઇટિંગ ફૉર ધ બૉડી ઑવ્ એ હગ્ડ મૅન’ (1891) ચિત્ર ભયાનક સ્વપ્ન-ઓથાર જેવું છે. તેણે ‘પૉર્ટ્રેટ ઑવ્ ધ આર્ટિસ્ટ સરાઉન્ડેડ બાઇ માસ્ક્સ’ નામનું પોતાનું ચિત્ર મહોરાં વચ્ચે આલેખ્યું છે. તેનાં મહોરાં અને મુખવટા વગેરેનાં ચિત્રો સમાજના દંભી, લુચ્ચા, બદમાશ અને દગાખોર છતાં સભ્ય ગણાતા લોકો પર કટાક્ષરૂપ છે. આધુનિક અભિવ્યક્તિવાદી કલાનો તે મહાન અગ્રયાયી છે.
કૃષ્ણવદન જેટલી