એન્ફિન્સેન, ક્રિશ્ચિયન બી. (જ. 26 માર્ચ 1916, મોનેસીન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 14 મે 1995, રેડૉક્સટાઉન, યુ.એસ.) : સ્ટેન્ફર્ડ મૂર અને વિલિયમ એચ. સ્ટેઇન સાથે 1972માં સહિયારું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રસિદ્ધ અમેરિકન જીવરસાયણવિદ.
પ્રોટીનના આણ્વીય બંધારણ અને જૈવિક કાર્યો વચ્ચેના સંબંધના અભ્યાસ માટે તેમને આ પારિતોષિક મળેલું. અર્ધો ભાગ એન્ફિન્સેન અને બાકીનો અર્ધો ભાગ બીજા બે વચ્ચે વહેંચાયેલો. 1943માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જીવરસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવેલી. શિક્ષણકાર્ય અને સંશોધન હાર્વર્ડ અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી તથા સ્ટૉકહોમની નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલું.
1950માં અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ હેલ્થમાં જોડાયા. તેમનું સંશોધન ઉત્સેચકો અને અન્ય પ્રોટીનના બંધારણ તથા શરીરવિજ્ઞાનસંબંધી (physiological) ક્રિયાઓ સમજાવે છે. રિબોન્યૂક્લિએઝ ઉત્સેચક ખોરાકમાં રહેલ રિબોન્યૂક્લિઇક ઍસિડનું કેવી રીતે ખંડન કરે છે તે તેમણે દર્શાવ્યું હતું. 1959માં ‘ધી મૉલેક્યુલર બેઝિઝ ઑવ્ ઇવોલ્યૂશન’ નામનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું છે.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ