ઍન્યુઇટી : નિવૃત્તિ દરમિયાન નિશ્ચિત આવક પૂરી પાડવા સારુ, બે પક્ષકારો વચ્ચેની સમજૂતી અનુસાર કરવામાં આવતું વાર્ષિક ચુકવણું; જોકે મુકરર સમયાંતરે કરવામાં આવતાં અન્ય ચુકવણાંને પણ ઍન્યુઇટી કહેવામાં આવે છે. વાસ્તવમાં ઍન્યુઇટી એ બે પક્ષકારો વચ્ચેના કરાર સમાન છે; તેનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્તિ દરમિયાન આવક પૂરી પાડવાનો છે.

ઍન્યુઇટીના બે મુખ્ય પ્રકાર છે : (1) નિશ્ચિત ઍન્યુઇટી (annuity certain); એમાં નિયમિત ચુકવણાંની રકમ, ચુકવણાં વચ્ચેનો સમયગાળો અને તારીખ નિશ્ચિત કરીને તે પ્રમાણે ચુકવણું થાય છે. (2) સાંયોગિક ઍન્યુઇટી (annuity contingent), જેમાં પ્રત્યેક નિયમિત ચુકવણું કોઈક ચોક્કસ શરતના પરિપાલન ઉપર અગર કોઈક મુકરર પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે.

ભારતીય જીવન વીમા નિગમ દ્વારા થતી આવી ઍન્યુઇટીની વ્યવસ્થા ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે. પંચાવન કે સાઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થનાર વ્યક્તિ, મુકરર રકમ અગાઉથી ચૂકવી આપીને તેના બદલામાં અમુક મુકરર વર્ષની મુદત યા તેના અવસાન સુધી નિશ્ચિત માસિક રકમ મેળવવાની વ્યવસ્થા કરી શકે છે; જીવન વીમા પૉલિસીની પાકતી રકમના બદલામાં ઍન્યુઇટી મળી શકે એવી વ્યવસ્થા સામાન્ય રીતે એમાં હોય છે.

બ્રિટિશ સરકારની ‘કૉન્સોલ્સ’ સિક્યુરિટીને ખાસ પ્રકારની ઍન્યુઇટી કહી શકાય. તેની પાક્યાની મુદત હોય જ નહિ એટલે તેના વ્યાજની રકમનું ચુકવણું મુકરર સમયાંતરે થયાં કરે. આવી વિશિષ્ટ પ્રકારની કાયમી ઍન્યુઇટી (perpetual annuity) પણ હોઈ શકે.

ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થાય ત્યારે તે પોતે અથવા જો કોઈ ભાગીદાર અવસાન પામે તો તેના વારસદારો તે પેઢીના બાકીના ભાગીદારો સાથે કરાર કરી નિવૃત્ત થતા કે અવસાન પામેલા ભાગીદારના મૂડી ખાતાની જમા-બાકી પેઢીને સોંપી દઈ બદલામાં વર્ષાસન મેળવવાનો કરાર કરી શકે.

ઘસારાપાત્ર મિલકતો પર ઘસારાની ગણતરી માટેની એક વિશિષ્ટ ઍન્યુઇટી પદ્ધતિ પણ છે; એમાં મિલકતમાં રોકાયેલી રકમ ઉપર નિયત દરે વ્યાજને ધ્યાનમાં લઈ તે મિલકત ઉપર તેની ઉપયોગી અંદાજી જિંદગીનાં વર્ષો દરમિયાન માંડી વાળવાના ઘસારાની રકમ નક્કી કરવામાં આવે છે. (જુઓ : ઘસારો).

ધીરુભાઈ વેલવન