એડ્રિયાન, એડગર (જ. 30 નવેમ્બર 1889, લંડન; અ. 4 ઑગસ્ટ 1977, લંડન) : વીજ-દેહધર્મવિજ્ઞાની(electro-physiologist).
સર ચાર્લ્સ શેરિંગ્ટનની સાથે, ફિઝિયૉલૉજી મેડિસિન શાખામાં નોબેલ પારિતોષિકનો (1932) વિજેતા. એડ્રિયાનનો વિષય હતો ચેતાકોષ (nerve cell). તેઓ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં મેડિસિન(1915)ના સ્નાતક થયા. પહેલા વિશ્વયુદ્ધમાં તેમણે 2 વર્ષ માટે સેવાઓ આપી. કેમ્બ્રિજમાં સંશોધન અને શિક્ષણક્ષેત્રે તેમણે ફાળો આપ્યો. ‘ટ્રિનિટી’માં અનુસ્નાતકની ઉપાધિ મેળવી અને તે પછી તેમણે યુનિવર્સિટી ચાન્સેલર (1968-75) તરીકે સેવા આપી. તેમણે સંવેદના-અવયવો(sense organs)માંથી ઉદભવતા ચેતા-આવેગો-(impulses)નો અભ્યાસ કર્યો. લઘુ વૈદ્યુતવિભવ(smaller potential)ના ફેરફારોને આવેગવર્ધક યંત્ર (amplifier) દ્વારા નોંધ્યા. તેમણે સંવેદના(sensory)-ચેતાતંતુઓ અને ચાલક(motor)-ચેતાતંતુઓના આવેગોને આલેખીને સંવેદનામાં થતા પાયાના ભૌતિક ફેરફારોનો અભ્યાસ કર્યો અને તે દ્વારા સ્નાયુસંકોચનની પ્રક્રિયા સમજાવી. તેમણે મગજમાં થતાં વીજકીય પરિવર્તનો ચકાસ્યાં. અપસ્માર(epilepsy)ના રોગમાં થતા વીજ-આવેગોના ફેરફારો સમજાવ્યા તથા તે વિષમ ફેરફારોને ‘બર્ગર તાલ’ (Berger rhythm) તરીકે આલેખ્યા. આમ તેમણે અપસ્મારનું કેન્દ્રસ્થાન શોધી કાઢવામાં મહત્વની સહાય કરી. રૉયલ સોસાયટીના (1950-55) અને બ્રિટિશ ઍસોસિયેશન ફૉર એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સના (1954) પ્રમુખ હતા. 1942માં તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ અને 1955માં બેરોનસી એનાયત થયાં હતાં.
હરિત દેરાસરી