એડ્રિયાટિક સમુદ્ર

January, 2004

એડ્રિયાટિક સમુદ્ર : ઇટાલિયન અને બાલ્કન ભૂશિરો વચ્ચે આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે લગભગ 800 કિમી. લંબાઈ, 161 કિમી.ની સરેરાશ પહોળાઈ અને આશરે 1,330 મીટરની મહત્તમ ઊંડાઈ ધરાવે છે. વિસ્તાર : 1,31,050 ચોકિમી. તેને કિનારે ઇટાલી, યુગોસ્લાવિયા અને આલ્બેનિયા દેશો આવેલા છે. ભૂમધ્ય સમુદ્રની ભરતીની ઊંચાઈ આશરે માત્ર 0.27 મીટર છે, જ્યારે એડ્રિયાટિક સમુદ્રનો આશરે 0.9 મીટર છે. તેના ઇટાલીના કિનારે કોઈ ટાપુ નથી. આ સમુદ્રનો કિનારો સીધો, નીચો તથા રેતાળ છે. યુગોસ્લાવિયાનો કિનારો ખડકાળ, ઊંચો અને અનેક ટાપુઓવાળો છે. સમુદ્રનો મત્સ્યોદ્યોગ સ્થાનિક રીતે મહત્વનો છે. મધ્ય યુગમાં એડ્રિયાટિક સમુદ્ર યુરોપ અને પૂર્વના દેશો વચ્ચે મહત્વનો દરિયાઈ માર્ગ હતો.

હેમન્તકુમાર શાહ