એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ

January, 2004

એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ : આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ ખાતે આવેલી ભારત સરકાર સંચાલિત વહીવટ અને વ્યવસ્થાપન ક્ષેત્રે નેતૃત્વની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. એનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે. ઉદ્યોગો, વેપાર-વણજ, સરકારી વહીવટી ક્ષેત્ર, પ્રતિષ્ઠાનોનું સંચાલન, સમાજસેવા તેમજ રાજકારણ એમ વિવિધ ક્ષેત્રોમાં વહીવટી આગેવાનોને ઘડવાના અનેકવિધ નવા કલ્પનાશીલ કાર્યક્રમો વિકસાવવામાં આ સંસ્થા આગળ રહી છે.

એની સ્થાપના 1957માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે થઈ હતી. તેને એક નિવાસી સંસ્થા તરીકે વિકસાવવામાં આવી છે અને તેના મોટાભાગના કાર્યક્રમો એના પ્રાંગણમાં જ યોજાતા હોય છે. અલબત્ત તે કેટલીકવાર ભારતનાં અગ્રણી શહેરોમાં જઈને પણ ટૂંકા ગાળાના તાલીમી કાર્યક્રમો યોજતી હોય છે.

આ સંસ્થાનો વ્યવસ્થાપનવિકાસનો વિભાગ વ્યવસ્થાપનશાસ્ત્ર અને વ્યવહારના ક્ષેત્રે તાલીમ અને સલાહનું કાર્ય કરે છે. પીઢ અને નીવડેલા વહીવટકર્તાઓથી માંડીને તાજા ભરતી થયેલા યુવાન વેપારીઓ, વહીવટકર્તાઓ અને સંચાલકોને પ્રશિક્ષણ આપવાના અનેક નાના-મોટા કાર્યક્રમો આ સંસ્થા યોજે છે. વહીવટના ચોક્કસ મુદ્દા અને સમસ્યાઓને સ્પર્શતા ટૂંકા ગાળાના એના ‘ક્રૅશ ટ્રૅનિંગ પ્રોગ્રામ’ ઘણા અસરકારક મનાય છે. વળી, રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યોને તાલીમ આપવાના એના કાર્યક્રમો સુવિદિત છે.

સંસ્થાનો સલાહ અને સંશોધનવિભાગ વ્યવસ્થાપનની આંટીઘૂંટીઓને લગતી સલાહસૂચન (consultation) સેવા પૂરી પાડે છે અને તેને લગતાં મૌલિક તેમજ ક્રિયાત્મક સંશોધનો હાથ ધરે છે. ભારત સરકાર અને ફૉર્ડ ફાઉન્ડેશનની સહાયથી આ વિભાગની સેવાઓ વ્યાપક બનાવવામાં આવી છે. એનો કમ્પ્યૂટર સેવા વિભાગ અદ્યતન કમ્પ્યૂટર સુવિધાઓથી સજ્જ છે અને વહીવટી પ્રશ્નોના અધ્યયન અને સંશોધનમાં અગત્યનો ભાગ ભજવે છે.

આ સંસ્થાનો ગ્રંથાલય, પ્રકાશન અને માહિતી વિભાગ ઘણો સમૃદ્ધ છે. વ્યવસ્થાપનક્ષેત્રે માહિતીતંત્ર(information technology)નું સંયોજન કરવાના અનેકવિધ પ્રકલ્પો (projects) આ વિભાગે હાથ ધરેલા છે.

ભારત ઉપરાંત એશિયા અને આફ્રિકાના અનેક દેશોમાં વ્યવસ્થાપનક્ષેત્રે કલ્પનાશીલ નેતાઓની માંગ પૂરી પાડવાની દિશામાં આ સંસ્થાનો ફાળો નોંધપાત્ર છે. વિશેષ કરીને એ ક્ષેત્રે નવપ્રસ્થાન અને પહેલ કરનાર એના કાર્યક્રમો વખણાયા છે.

દાઉદભાઈ ઘાંચી