એડી ઍન્દ્રે (જ. 22 નવેમ્બર 1877, બુડાપેસ્ટ, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, બુડાપેસ્ટ) : હંગેરીનો વીસમી સદીનો મહાન ઊર્મિકવિ. ગરીબ પણ ખાનદાન કુટુંબમાં જન્મ. શાળાનું શિક્ષણ પૂરું થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો. 1900થી અવસાન પર્યંત પત્રકાર તરીકે કામ કર્યું. 1899માં પ્રગટ કરેલો પ્રથમ કાવ્યસંગ્રહ બહુ નોંધપાત્ર ન નીવડ્યો પણ 1903માં પ્રગટ થયેલા બીજા કાવ્યસંગ્રહ ‘મેગ- એગિઝર’માં તેમની અસામાન્ય પ્રતિભા પ્રગટ થઈ અને ‘ન્યૂ પોએમ્સ’ (1906)ના પ્રકાશન સાથે તો હંગેરીના કાવ્યજગતમાં ઝળકી ઊઠ્યા. હંગેરીની કવિતાની સ્થિતિ એ સમયે અગતિક હતી એટલે એડીએ પોતાનાં કાવ્યોને ‘ન્યૂ વર્સિસ ઑવ્ ન્યૂ એરા’ તરીકે ઓળખાવ્યાં છે. આ કાવ્યો સ્વરૂપ, ભાષા તથા વિષયની ર્દષ્ટિએ ક્રાંતિકારક હતાં. તેમણે પ્રયોજેલી અરૂઢ પણ અદભુત કાવ્યબાનીમાં તેમણે અપ્રચલિત અને અસામાન્ય વિશેષણો પ્રયોજેલાં તેથી લોકરુચિને આઘાત લાગ્યો હતો. તેમનાં કાવ્યોનો જે ક્રાંતિકારક સૂર હતો તેથી લોકોના પ્રતિભાવમાં આઘાત સાથે ગુસ્સો પણ ભળ્યો. પત્રકાર તરીકે સતત પૅરિસ રહેવાનું થયું. એટલે દૂર રહ્યે રહ્યે તેમણે હંગેરીને સંકુચિત અને ભૌતિકવાદી દેશ તરીકે જોયો હતો. કાવ્યોમાં તેમણે પોતાના દેશ વિશે આવેશપૂર્ણ અને અપમાનજનક ભાષાનો મારો ચલાવ્યો. આ ‘નવી કવિતા’ના કલાત્મક મૂલ્ય વિશે કોઈ સંદેહ ન હતો, પણ તેને કારણે એડી જોરદાર અને વ્યાપક આક્રમણનું નિશાન બન્યા. આક્રમણ પછી તો રાજકીય સંઘર્ષ બની રહ્યું. એડીને ડાબેરી ઉદ્દામવાદીઓએ પેગંબર કહીને નવાજ્યા અને તેમને પૂરેપૂરો ટેકો આપ્યો. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદીઓએ કવિની પૂરેપૂરી વગોવણી કરી.
ઉત્તરાવસ્થાનાં કાવ્યોમાં તેમણે આ પ્રકારનાં નિરર્થક નિંદાવચનોની કાવ્યબાની છોડી દઈને સામાજિક રાજકીય ટીકા માટે અર્થગંભીર ભાષાનો આશ્રય લીધો. તેમનાં પ્રણયકાવ્યો મૌલિકતા તથા શારીરિક પ્રેમ પરત્વે રહસ્યવાદી વલણને કારણે વખણાયાં છે. તેમનાં ધર્મવિષયક કાવ્યોમાં ઘણાંને ઈશ્વરનાં નિંદા અને અનાદર દેખાયેલાં. પણ ખરેખર એમાં કવિની ઈશ્વરને પામવાની મથામણ વ્યક્ત થઈ છે. બાર વર્ષના ગાળામાં દશ કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓ અને સંખ્યાબંધ લેખો પ્રગટ થયાં હતાં.
લગાતાર સખત પરિશ્રમ સામે ટકી રહેવા માટે અતિશય મદ્યપાનનું વ્યસન તેમના મૃત્યુનું કારણ બન્યું હતું.
મહેશ ચોકસી