ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર)

January, 2004

ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર) (જ. 28 ડિસેમ્બર 1882, કૅન્ડલ, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1944, કેમ્બ્રિજ) : આધુનિક સમયના મહાન અંગ્રેજ ખગોળવેત્તા. ખ્રિસ્તી ધર્મના એક પેટા ‘ક્વેકર’ સંપ્રદાયી માબાપને ત્યાં તેમણે જન્મ લીધો હતો. પિતા સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક હતા; કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1904માં ગણિતના વિષયના ‘ફેલો’ તરીકે નિમાયા હતા. તેમને ‘સ્મિથ પ્રાઇઝ’ પણ એનાયત થયેલું. 1906થી 1913 સુધી ગ્રિનિચની રૉયલ ઑબ્ઝર્વેટરીમાં મુખ્ય સહાયક તરીકે કામગીરી બજાવેલી. તેમનાં બે મુખ્ય પ્રાયોગિક કાર્યો હતાં : (1) માલ્ટાના રેખાંશ નક્કી કરવાનું; અને (2) ગ્રહણ વિશેની માહિતી માટે બ્રાઝિલની ખોજયાત્રા (expedition), તારકીય ગતિ (stellar motion) અને તારાઓના વિસ્થાપન (stardrift) અંગેના તેમના સૈદ્ધાંતિક કાર્યથી ટૂંક સમયમાં જ એક કાર્યકુશળ ખગોળશાસ્ત્રી તરીકે તેમની ગણના થવા લાગી.

આર્થર સ્ટેનલી એડિંગ્ટન (સર)

1913માં તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની વેધશાળાના નિયામક તેમજ ખગોળવિદ્યાના ‘પ્લુમિયન પ્રોફેસર’ તરીકેની નિમણૂક આપવામાં આવી; જે તેમના મૃત્યુ પર્યંત ચાલુ રહી હતી. નિયામક બન્યા પછી તરત જ તેમણે તારકીય સમતુલનમાં વિકિરણ દાબ(radiation pressure)ની શોધ કરી – એ તેમનું એ ક્ષેત્રમાં મૌલિક પ્રદાન ગણાય છે. તારાઓની આંતરિક સંરચના અંગેના પ્રારંભિક સંશોધન દરમિયાન તેમણે દર્શાવ્યું કે સૂર્ય પાણી કરતાં ઘટ્ટ હોવા છતાં તે વાયુસ્વરૂપે છે. ત્યારબાદ ‘સીફીડ’ (cepheid) તારાઓની તેજસ્વિતાના વિચરણ માટે ‘સ્પંદનવાદ’ (pulsation-theory of cepheid variables) આપ્યો. સીફસ તારામંડળ(cephus constellation)માંના, ડેલ્ટા સીફીઆઈ (Delta Cephei) નામે ઓળખાતા એક તેજસ્વી તારા પરથી તે વર્ગના તારાને સીફીડ કહે છે. તેમની તેજસ્વિતા અચળ ન રહેતાં, તેનું આવર્તી વિચરણ (periodic variation) થતું રહે છે. વિચરણનો આવર્તકાળ તેની સરેરાશ આંતરિક (intrinsic) તેજસ્વિતા પર આધારિત છે. [આવી સમજૂતી માટે તેમણે સ્પંદનવાદ(pulsation theory)ની રજૂઆત કરી] અનુક્રમે પ્રસાર (expansion) અને સંકોચન (compression) થવાથી સીફીડની સપાટીનાં તાપમાન તેમજ તેની આંતરિક તેજસ્વિતામાં આવર્તી વિચરણ થાય છે. આમ તેજસ્વિતાના વિચરણ માટે તેમણે તારકીય સ્પંદનવાદ આપ્યો છે. 1924માં દ્રવ્યતેજસ્વિતા (mass-luminosity) વચ્ચેનો સંબંધ તેમણે સ્થાપિત કર્યો. તારકીય ઊર્જા અવપરમાણ્વિક (sub-atomic) છે તથા સર્વવ્યાપી હાઇડ્રોજન વિશ્વનો એક મુખ્ય ઘટક છે, તેવી પ્રતીતિ તેમને સ્વયમેવ થઈ હતી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષવાદ પરનો સંશોધનલેખ વાંચીને, સાપેક્ષવાદનું અંગ્રેજીમાં ખૂબ સારી રીતે અર્થઘટન કરનાર એડિંગ્ટન પહેલા વિજ્ઞાની હતા. 1919માં આઇન્સ્ટાઇને એવી આગાહી કરી કે ગુરુત્વાકર્ષણને કારણે પ્રકાશનું તેના માર્ગમાંથી વિચલન (deviation) શક્ય છે. ગ્રહણ દરમિયાન પોતે કરેલાં નિરીક્ષણો ઉપરથી એડિંગ્ટને આ હકીકત સિદ્ધ કરી. વિસ્તરતા વિશ્વના સંદર્ભમાં સાપેક્ષવાદ તથા ક્વૉન્ટમવાદને સાંકળતો એક મૂળભૂત સિદ્ધાંત વિકસાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. તે ઉપરથી કુદરતમાં આવેલા બધા જ વૈશ્વિક તેમજ આણ્વિક અચલાંકો વચ્ચેનો સંબંધ તારવી શકાયો. કમનસીબે આ કાર્ય પૂરું થાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું.

એડિંગ્ટને તેમની વૈજ્ઞાનિક કારકિર્દી દરમિયાન પાંચ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. 1930માં તેમને ‘નાઇટહૂડ’ અને 1939માં ‘ઑર્ડર ઑવ્ મેરિટ’(OM)ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ક્વેકર’ સંપ્રદાયમાં તેમને ખૂબ જ આસ્થા હતી. આંતરસૂઝ(intuition)થી પ્રાપ્ત થયેલો સત્ય માટેનો તેમનો ર્દષ્ટિકોણ વૈજ્ઞાનિક પ્રશ્નોના ઉકેલ માટેના તેમના અભિગમમાં પણ માર્ગદર્શક રહ્યો હતો.

તેમનાં મુખ્ય લખાણો નીચે મુજબ છે :

‘સ્ટેલર મૂવમેન્ટ્સ ઍન્ડ ધ સ્ટ્રક્ચર ઑવ્ ધી યુનિવર્સ’ (1914); ‘સ્પેસ, ટાઇમ ઍન્ડ ગ્રૅવિટેશન’ (1920); ‘મૅથમૅટિકલ થિયરી ઑવ્ રિલેટિવિટી’ (1923); ‘સ્ટાર્સ ઍન્ડ ઍટમ્સ’ (1927); ‘ધી ઍક્સપૅન્ડિંગ યુનિવર્સ’ (1933).

છોટુભાઈ સુથાર

એરચ મા. બલસારા