એડીલેઇડ : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યનું ટોરેન્સ નદીને કિનારે વસેલું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34o 55′ દ. અ. અને 138o 35′ પૂ. રે.. બ્રિટિશ રાજા વિલિયમ ચોથાની રાણી એડીલેઇડના નામ પરથી શહેરનું નામ પડ્યું. તેનું તાપમાન જાન્યુઆરીમાં 22.8o સે. અને જુલાઈમાં 11.8o સે. જેટલું રહે છે. ઑસ્ટ્રેલિયાની સર્વપ્રથમ મ્યુનિસિપાલિટીની રચના 1840માં આ શહેરમાં થયેલી. એક જમાનામાં તે ખેતપેદાશોનું ખરીદ-વેચાણ કેન્દ્ર હતું. આજે તે ઔદ્યોગિક શહેર પણ બન્યું છે. તેલ-શુદ્ધીકરણ, જહાજવાડો અને વીજસામગ્રી, મોટરવાહનો, અનાજ, ઊન, ફળો અને દારૂનું ઉત્પાદન તેમજ નિકાસ પણ થાય છે. એડીલેઇડ બંદર શહેરથી 11 કિમી. દૂર આવેલું છે. વસ્તી : 10,92,900 (સને 1999 મુજબ) છે..

હેમન્તકુમાર શાહ