એડીરોન્ડેક : ઉત્તર અમેરિકાના ઈશાન ખૂણે આવેલા ન્યૂયૉર્ક રાજ્યમાંની પર્વતમાળા. લૉરેશિયન ઉચ્ચપ્રદેશનો આ ભાગ પ્રાચીન સમયમાં આંતરિક સ્તરભંગક્રિયાને કારણે બનેલો છે. સમુદ્રની સપાટીથી લગભગ 1,524 મીટરની ઊંચાઈ ધરાવતો આ પ્રદેશ પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલવિસ્તારની રમણીયતાવાળો છે. તેથી તે સહેલાણીઓનું આકર્ષણકેન્દ્ર છે. તેનાં બરફાચ્છાદિત શિખરો તેમજ મોહવાક અને સેન્ટ લોરેન્સ નદીથી રચાયેલી ખીણો અને મેદાનો સુંદર પ્રાકૃતિક ર્દશ્યો સર્જે છે.

‘એડીરોન્ડેક’નો અર્થ ‘ટ્રી ઈટર’ થાય છે, કારણ કે અહીંની આદિમ જાતિ આ પર્વત પરનાં વિવિધ વૃક્ષોનાં પાન ખાઈને જીવન ગુજારતી હતી. જંગલ તેમજ ખનિજસંપત્તિ (ગ્રૅફાઇટ) માટે આ પર્વતમાળા ઉપયોગી છે.

મહેશ મ. ત્રિવેદી