ઍડિસ-અબાબા : ઇથિયોપિયાનું પાટનગર. તે શોઆ પ્રાંતમાં આવેલું સૌથી મોટું શહેર તથા ઉદ્યોગ, વ્યાપાર અને શિક્ષણનું મુખ્ય મથક છે. ભૌ. સ્થાન 9o 02′ ઉ. અ. 38o 42′ પૂ. રે. પર આવેલ છે. ઍડિસ-અબાબા શબ્દનો અર્થ છે ‘નવું પુષ્પ’. દેશના મધ્યવર્તી પઠાર પર, સમુદ્રની સપાટીથી 2,438 મીટર ઊંચું અને આજુબાજુ ડુંગરો અને પર્વતોથી ઘેરાયેલું, સમશીતોષ્ણ આબોહવા ધરાવતું શહેર છે. કુલ વસ્તી 25,34,000 (1999). વિસ્તાર 218 ચોકિમી. ઉનાળામાં મેથી સપ્ટેમ્બર દરમિયાન 1,220 મિમી. જેટલો પડે છે. વસ્તીમાં બહુમતી અમ્હારિક (Amharic) ભાષા બોલતા ઇથિયોપિયાના ઑર્થોડૉક્સ ચર્ચના અનુયાયીઓની છે. બીજા ક્રમે મુસલમાનો આવે છે. પહેલાં એંટોટો (Entoto) રાજધાની હતી, પરંતુ ત્યાંની અતિશય ઠંડી આબોહવાને લીધે પાટનગર અહીં ખસેડવામાં આવ્યું (1889). સરેરાશ તાપમાન આશરે 7o સે.થી 24o સે. જેટલું રહે છે. રાજા મેનેલિક-2(1889-1913)ની રાણી ટાઇટૂના આગ્રહથી નવી રાજધાનીને ઍડિસ-અબાબા નામ આપવામાં આવ્યું. શહેરની આજુબાજુના વિશાળ વિસ્તારમાં નીલગિરિનાં વન છે, જેમાંથી મોટા પાયા પર ઇમારતી લાકડું પ્રાપ્ત થાય છે.

યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક કમિશન(આફ્રિકા)નું મધ્યસ્થ કાર્યાલય, ઍડિસ-અબાબા

શહેરમાં અદ્યતન સ્થાપત્યની ઇમારતોની સાથે ઘાસની બનેલી ઝૂંપડીઓ તથા નળિયાં ધરાવતાં મકાનો પણ જોવા મળે છે. શહેરમાં સ્વાસ્થ્ય તથા શિક્ષણની અદ્યતન સગવડો ઉપરાંત, રેડિયો સ્ટેશન, યુનિવર્સિટી, જૂનો તથા નવો રાજપ્રાસાદ, કથીડ્રલ, ટ્રિનિટી ચર્ચ, પ્રાણીસંગ્રહાલય, આફ્રિકા હૉલ વગેરે પર્યટકો માટેનાં આકર્ષણસ્થળો છે. વિદેશી રાજદૂતો માટે શહેરની બહાર ખુલ્લો વિસ્તાર, ઉદ્યાનો તથા મેદાનો છે, જ્યાં તેમની કચેરીઓ તથા નિવાસો આવેલાં છે. અકાકી નામના સરોવરમાંથી શહેરને વીજળી પૂરી પાડવામાં આવે છે. હવાઈ તથા રેલમાર્ગોથી આ શહેર દેશનાં અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથક શહેરની નજીક આવેલું છે.

શહેરમાં સામાન્ય તથા ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત યુનિવર્સિટીસંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇથિયોપિયન સ્ટડિઝ, નૅશનલ સ્કૂલ ઑવ્ મ્યૂઝિક તથા નૅશનલ લાઇબ્રેરી ઍન્ડ આર્કાઇવ્ઝ આવેલાં છે.

ઍડિસ-અબાબા એ દેશનું મોટામાં મોટું વ્યાપારી કેન્દ્ર છે. ત્યાંથી તમાકુ, કૉફી તથા અનાજની પેદાશોનો આંતરિક તથા વિદેશી વ્યાપાર થાય છે. કાપડ, ચામડાની બનાવટો, મદ્યપેયો, સિમેન્ટ તથા સિગારેટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાં પણ આ શહેરમાં છે. ઑર્ગનાઇઝેશન ઑવ્ આફ્રિકન યુનિટી (OAU) તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના આફ્રિકા માટેના આર્થિક કમિશન(UNECA)નાં મુખ્ય કાર્યાલયો ત્યાં આવેલાં હોવાથી તથા તેને લીધે ત્યાં અવારનવાર આંતરરાષ્ટ્રીય સંમેલનો, પરિષદો વગેરેનું આયોજન થતું હોવાથી શહેરને આંતરરાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે