એડિક્ટ ઑવ્ નાન્ટિસ (1598) : ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા બક્ષતો કાયદો. ધર્મસુધારણાના આંદોલનને પરિણામે પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક સંપ્રદાયમાં વિભાજિત થયેલા યુરોપમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાયું. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં આ ધાર્મિક અસહિષ્ણુતાને પરિણામે આંતરવિગ્રહ પેદા થયો. ઑગસ્ટ 1572માં સેંટ બાર્થોલોમ્યુ દિન નિમિત્તે હજારોની સંખ્યામાં હ્યૂજ્યુનૉટ તરીકે ઓળખાતા ફ્રેંચ પ્રૉટેસ્ટન્ટને મારી નાખવામાં આવ્યા. આવા સંજોગોમાં પોતાની સત્તાને મજબૂત બનાવવા માટે ફ્રેંચ રાજવી હેન્રી ચોથાએ (1553-1610) એડિક્ટ ઑવ્ નાન્ટિસ દ્વારા ફ્રેંચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતાની સાથે સાથે નાગરિક તેમજ રાજકીય અધિકારો આપવાની જાહેરાત કરી હતી. આમ યુરોપમાં પ્રથમવાર ધાર્મિક સહિષ્ણુતા અંગે રાજ્યે અપનાવેલી નીતિનો નિર્દેશ આ એડિક્ટ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ 1685માં ફ્રેંચ રાજવી લૂઈ ચૌદમાએ (1638-1715) આ એડિક્ટ રદ કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે સ્વાશ્રયી અને ઉદ્યમી એવા હ્યૂજ્યુનૉટોએ મોટી સંખ્યામાં ફ્રાંસ છોડીને પ્રશિયા, હોલૅન્ડ, ઇંગ્લૅન્ડ તેમજ ઇંગ્લૅન્ડનાં અમેરિકન સંસ્થાનોમાં વસવાટ કર્યો અને આ દેશોના આર્થિક ઉત્પાદનમાં મહત્વનો ફાળો આપ્યો.
ર. લ. રાવલ