એડફુનું હોરસનું મંદિર : ઇજિપ્ત સંસ્કૃતિના રોમન કાળની અસર નીચે બંધાયેલું મંદિર. ઈ. પૂ. 237-57 વચ્ચે ત્રણ હપતામાં બંધાયેલ આ મંદિર ઇજિપ્ત સંસ્કૃતિના રોમન કાળની અસરના વખતમાં બંધાયેલાં મંદિરોમાંનો એક સુંદર નમૂનો છે. મુખ્ય મંદિર ટોલેમી ત્રીજાના વખતમાં બંધાયેલું. બહારનો સભાખંડ (hypostyle hall) ઈ. પૂ. 140-124 દરમિયાન બંધાયો અને અંતે બહારની દીવાલો અને પ્રવેશની રચના થઈ. અંદરના ભાગમાં મુખ્ય મંદિરની ફરતે તેર નાનાં
મંદિરો આવેલાં છે. આવી ગોઠવણીથી બાહ્ય પ્રદક્ષિણા-પથ અને બહારની દીવાલ આપોઆપ મંદિરની હદ દોરી આપે છે. અંદરનાં બધાં જ મંદિરોમાં તદ્દન અંધારું રહેતું. પ્રવેશદ્વારના બુર્જ (pylons) આશરે 30 મી. ઊંચા અને 62 મી. પહોળા હતા. આ મંદિર ઘણે અંશે પરંપરાગત પદ્ધતિથી જ બંધાયેલું. પરંતુ સભાખંડની અંદર સજાવટ વગેરેમાં તે સમયની પ્રણાલીની છાપ નજરે પડે છે.
રવીન્દ્ર વસાવડા