એડન : યૅમૅન ગણરાજ્યની રાજધાની તથા પ્રાચીન વ્યાપારકેન્દ્ર. ભૌ. સ્થાન : 12o 45′ ઉ. અ. અને 45o 12′ પૂ. રે.. ઈ. પૂ. ત્રીજા શતકમાં વસેલું. અરબી ભાષામાં એ ‘આદન’ નામથી ઓળખાય છે. એડનના અખાતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર તથા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર તે બંદર આવેલું છે. વ્યાપારના મહત્વના બંદર તરીકે તેનો ઉલ્લેખ બાઇબલમાં પણ સાંપડે છે. પૂર્વ ભૂમધ્યસાગરથી ભારતના માર્ગ પર તથા બંદર બાબ-અલ-માંડબની સામુદ્રધુનીથી તે 176 કિમી.ના અંતરે છે. અરબસ્તાનનું તે સૌથી વધુ વસ્તી ધરાવતું તથા સૌથી મહત્વનું બંદર છે. 1869માં સુએઝ નહેર શરૂ થયા પછી તેનું મહત્વ વધતું ગયું હતું. તેનો વિસ્તાર 194 ચોકિમી. છે. તેની વસ્તી 2 કરોડ ને 92 લાખ (2019) છે. ત્યાં સરેરાશ 39 મિમી. વરસાદ પડે છે.
1538માં તુર્કી શાસકોએ તેના પર કબજો કર્યો અને સોળમી સદીમાં તે ઑટોમન સામ્રાજ્યનો ભાગ બન્યું. 1728માં તે યૅમૅનના વર્ચસ્ તળે આવ્યું. 1802માં ત્યાં બ્રિટિશ હકૂમતે પગપેસારો કર્યો. 1839થી 1967 દરમિયાન તે બ્રિટિશ આધિપત્ય હેઠળ હતું, જેના વહીવટી સંચાલનની જવાબદારી તે વખતની ભારત સરકારને સોંપવામાં આવી હતી. 1932માં તેને મુંબઈ ઇલાકાથી અલગ કરવામાં આવ્યું હતું. 1937માં તેને બ્રિટિશ હિંદુસ્તાનથી અલગ પાડી સામ્રાજ્યના સંસ્થાનનો દરજ્જો આપવામાં આવ્યો. 1962માં તે અંશત: સ્વાયત્ત બન્યું. 1963માં દક્ષિણ અરબસ્તાનના સમવાયતંત્રમાં જોડી દેવામાં આવ્યું. 1967માં તે સ્વતંત્ર ગણરાજ્યનો ભાગ બન્યું. 1968માં તેને પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો. 1970 સુધી તે મુક્ત બંદર હતું.
વ્યાપારનું મહત્વનું કેન્દ્ર તથા તે માર્ગ પરથી પસાર થતાં વહાણો માટે કોલસા અને તેલ પ્રાપ્ત કરવા માટેનું બંદર હોવાથી મહદ્ અંશે આ બે જ બાબતો પર તેનું અર્થતંત્ર નભે છે. ત્યાં કેટલાક નાના ઉદ્યોગો તથા વહાણવટાનો ઉદ્યોગ છે. અત્યંત ઉષ્ણ તથા સૂકી આબોહવાનો પ્રદેશ હોવાથી ત્યાં આર્થિક વિકાસ માટેની શક્યતાઓ ઓછી છે. ખનિજ તેલ એ ત્યાંની સૌથી મહત્વની પેદાશ છે. તે સિવાય ત્યાં મીઠું, ઈંટો, લાદી અને નળિયાં, કોલસા તથા ચામડાનું ઉત્પાદન થાય છે. મોટા પાયા પર ખનિજ તેલનો સંગ્રહ કરવા માટેના વિશાળ ભંડાર ત્યાં ઊભા કરવામાં આવ્યા છે. શહેરની ઉત્તરમાં ખામ મક્સર નામનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે