ઍટ્રોપિન (atropine) : Solanaceae વર્ગની Atropa belladona L. તથા ધંતુરા (Datura metel L.) જેવી વનસ્પતિમાં મળતો ઝેરી, રંગવિહીન, સ્ફટિકમય આલ્કેલૉઇડ.

ગ. બિં. 114o-116o સે. સૂત્ર C17H23NO3. સાથે જ મળતા (-) – હાયોસાયમીનના રેસેમાઇઝેનથી પણ બનાવી શકાય. પ્રથમ વાર વિલસ્ટાટરે સંશ્લેષણ કર્યું (1901). રોબર્ટ રોબિન્સને 1971માં જીવ-સંશ્લેષણ (biosynthesis) માર્ગને મળતી રીતે તેનું સંશ્લેષણ કર્યું.

આંખની તપાસ માટે કીકી પહોળી કરવા, સ્રાવ (દા.ત., લાળ) અટકાવવા તથા આંકડી કે ચૂંક (spasm) રોધક તરીકે ઉપયોગી છે. કાર્બ-ફૉસ્ફરસ કીટનાશકો તથા વિષાણુ વાયુઓની ઝેરી અસરના મારણ માટે પણ તે વપરાય છે. તે પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે.

જ. પો. ત્રિવેદી