એટ્રિપ્લૅક્સ (સૉલ્ટબુશ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડીએસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ અધોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠેક જાતિઓ થાય છે, તે પૈકી ચાર જાતિઓનો પ્રવેશ કરાવાયો છે. કેટલીક જાતિઓ તેના રૂપેરી-ભૂખરા પર્ણસમૂહ માટે શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તેના સહસભ્યોમાં ચીલની ભાજી, માચા, ભોલડો, મુખુલ, મોરસ, લૂણો, પોઈ અને બીટનો સમાવેશ થાય છે.
તે દરિયાકિનારાની બહુવર્ષાયુ વનસ્પતિ છે. તે લવણરાગી (halophilic) અને રસાળ (succulent) હોય છે અને ગાંઠાવાળું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પો નાનાં અને લીલા રંગનાં હોય છે. એકકોટરીય બીજાશયમાં ભ્રૂણ વક્ર હોય છે.
Atriplex hortensis Linn. (હિં. – પહાડી પાલખ; મ. ચંદનબટવા; અં. માઉન્ટેન સ્પિનિજ) ટટ્ટાર, રસાળ (succulent), પરિવર્તનશીલ (variable) એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેનું પ્રકાંડ રેખિત (striate), અરોમિલ અને ઘણી વાર લાલ કે જાંબલી છાંટવાળું હોય છે અને સમશીતોષ્ણ પશ્ચિમ હિમાલયમાં, આસામ અને મેઘાલયમાં 3,650 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે સહેલાઈથી ઊગે છે. તેનું વાવેતર પાલખની જેમ થાય છે અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે. તે શુષ્કતારોધી (drought-resistant) છે અને આલ્કેલાઇન કે ક્ષારયુક્ત મૃદામાં થઈ શકે છે. છોડની ટોચ ઉપર મોટાં પાતળાં પર્ણો વૃદ્ધિ-ઋતુ દરમિયાન સતત ઉત્પન્ન થતાં રહે છે. તે પાલખની જેમ એકલી કે ખાટી પાલખ (Rumex acetosa) સાથે તેની સૌમ્ય સુગંધને કારણે મિશ્ર કરી રાંધવામાં આવે છે. તેનાં કુમળાં પર્ણો પાલખ જેટલી ગુણવત્તાવાળાં ગણાય છે અને સલાડ, સૂપ અને પૂરીઓ બનાવવામાં ઉપયોગી છે. તેનો લાંબા સમય સુધી ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો અસ્થાયી દિવાન્ધતા (hemeralopia) જેવી તકલીફો થાય છે. પર્ણોમાં પ્રોટીન પુષ્કળ હોવાથી પ્રોટીન-ન્યૂન ખોરાકના પૂરક તરીકે તે ઉપયોગી છે. તાજાં પર્ણોમાં આવશ્યક એમીનો ઍસિડો (ઓર્નિથિન અને સેરાઇન) સહિત ઘણા મુક્ત એમીનો ઍસિડો હોય છે. પ્રાયોગિક સંવર્ધન દરમિયાન પર્ણોમાં 140 ગ્રા/મી.2 જેટલું પ્રોટીન ઉત્પન્ન થાય છે, જે પ્રતિ હેક્ટરે 1.4 ટન હે. ઉત્પાદન આપી શકે છે. પર્ણ-પ્રોટીનમાં લાયસિન (10 % – 15 %) અને મિથિયોનિન (2.0 %થી 2.2 %) હોય છે. આ ઉપરાંત પેપ્ટાઇડ કે ઍમાઇડ અને ઍમેરેન્ટિન, આઇસોઍમેરેન્ટિન, સેલોસિયેનીન જેવાં બીટાસાયનિન પ્રકારનાં લાલ-જાંબલી રંજકદ્રવ્યોનું પર્ણોમાંથી નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે.
બીજમાં પણ પ્રોટીન પુષ્કળ હોય છે. તે લગભગ 31.3 % પ્રોટીન અને 6.0 % જેટલું લિપિડ ધરાવે છે. તેના પ્રોટીનમાં લાયસિન 10 %થી 15 % જેટલું હોય છે. અન્ય મહત્વના એમીનો ઍસિડોમાં થ્રિયોનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, ફિનિલ ઍલેનિન, વૅલાઇન અને મિથિયોનિન હોય છે. જોકે મિથિયોનિન પ્રાણીજ પ્રોટીન કરતાં ઓછું હોય છે. બીજ-ચૂર્ણ પ્રજીવક ‘એ’ની ન્યૂનતામાં વપરાય છે. બીજમાં વિષાળુ પદાર્થો હોવાથી ઊલટીઓ થાય છે.
પર્ણો અને બીજ મૂત્રલ, શામક (emollient) અને સ્ફૂર્તિદાયક છે અને ફેફસાંની તકલીફોમાં ઉપયોગી છે. વનસ્પતિમાં ચિનોપોડિન (C6H13ON) અને ઍમેરેન્થિન નામનાં આલ્કેલૉઇડો હોય છે.
તેનાં બીજ ઠંડા વાતાવરણ કે વહેતા પાણીમાં સારો ઉગાવો આપે છે. તેનાં પર્ણો અને શાખાઓમાં ક્ષારો શોષવાની ક્ષમતા હોય છે. તે લવણરોધી (saltresistent) છે અને તેની ખેતી કરવાથી જમીનમાં રહેલો ક્ષાર ઓછો થાય છે. તે ઘણા ઓછા પાણીમાં પણ વધારે ઉત્પાદન આપે છે. તેને કોઈ રોગ કે જીવાતનો ભય નથી. ઘાસચારા તરીકે પૌષ્ટિક છે. તે ઘેટાં-બકરાંને બહુ જ ભાવે છે.
A.halimus Linn. (મેડિટેરેનિયન સૉલ્ટબુશ) રાજસ્થાનમાં જોધપુર અને પાલીમાં સારી રીતે થાય છે. ઉત્તર આફ્રિકામાં અછત દરમિયાન તેનો ખોરાકના સ્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો પ્રોટીન/કાર્બોદિતો + લિપિડનો પોષક ગુણોત્તર 1 : 3 જેટલો હોવાથી ચારાનું મૂલ્ય ઊંચું ગણાય છે. તેનાં પર્ણો વાછરડાં અને દુધાળી (milch) ગાયો માટે ખૂબ અનુકૂળ છે. તેનો ઇઝરાયલમાંથી ભારતમાં પ્રવેશ કરાવાયો છે અને રાજસ્થાનમાં જોધપુર અને પાલીના વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સમગ્ર વનસ્પતિનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 68.2 %, પ્રોટીન 2.6 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 23.4 %, અને ખનિજો 4.8 %; અને પર્ણોનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.0 %, પ્રોટીન 16.8 %, લિપિડ 4.6 %, અશુદ્ધ રેસો 8.6 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 37.1 %, અને ખનિજો 21.9 %, ભસ્મમાં K2O 48.8 %, Na2O 16.5 %, CaO 6.7 %, P2O5 6.1 %. Al2O3 + Fe2O3 2.4 %, MgO 9.1 %, ક્લૉરીન 2.8 %, SO3 5.8 % અને તાંબું 0.0004 % હોય છે. વનસ્પતિ-ભસ્મનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.
A. nummularia Lindl. (ઓલ્ડમેન સૉલ્ટબુશ) બહુવર્ષાયુ ઘન-રોમિલ (tomentose) ક્ષુપ જાતિ છે અને વિસ્તારિત શાખાઓ, વર્તુલાકાર (orbicular) પર્ણો અને લઘુપુષ્પગુચ્છ(panicle)માં ગોઠવાયેલ નર અને માદા શૂકી (spike) ધરાવે છે. તે દરિયાકિનારે કે શુષ્ક પ્રદેશોમાં સૂકી રેતાળ મૃદામાં થાય છે. તે આલ્કેલાઇન મૃદાની સુધારણા કરે છે અને પવન-આશ્રય પૂરો પાડે છે. તે પુષ્કળ શુષ્કતારોધી (drought-resistant) છે અને બેથી ત્રણ વર્ષમાં વિપુલ પ્રમાણમાં ચારો ઉત્પન્ન કરે છે. લીલાં પર્ણો 11.75 મિગ્રા./ગ્રા. (શુષ્ક વજનને આધારે) પ્રોટીન ધરાવે છે. મુખ્ય પ્રોટીનોમાં આલ્બ્યુમિનો, ગ્લોબ્યુલિનો અને ગ્લુટેલિનનો સમાવેશ થાય છે. આ પ્રોટીનો એમીનો ઍસિડોના બંધારણની ર્દષ્ટિએ સમતુલિત હોય છે. લીલાં પર્ણોમાં લાયસિન 6.0 %થી 8.7 % અને મિથિયોનિન 1.8 %થી 2.2 % જેટલું હોય છે. લીલાં પર્ણોમાં PEP (ફૉસ્ફોઇનોલ પાયરૂવિક ઍસિડ) કાબૉર્ક્સિલેઝ, RuBP (રિબ્યુલોઝ બાઇફૉસ્ફેટ) કાબૉર્ક્સિલેઝ, ગ્લાયકોલેટ ઑક્સિડેઝ, બીટાઇન, પાઇપરિડિન અને ત્રણ અજ્ઞાત આલ્કેલૉઇડો હોય છે.
A. repens Roth. જાડો મૂલવૃંત, લાંબી ભૂસર્પી (procumbent) અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરતી શાખાઓ ધરાવતી ઉપક્ષુપીય (undershrub) જાતિ છે. તેનાં પર્ણો નાનાં, અંડાકાર કે અંડાકાર-લંબચોરસ (ovate-oblong) હોય છે અને સૂક્ષ્મ, ચળકતા સફેદ શલ્કો (scales) વડે આવરિત હોય છે. ફળ જાડી નિપત્રિકાઓવાળું અને પાછળના ભાગમાં ગાંઠોવાળું હોય છે. આ જાતિ દક્ષિણ ભારતના રેતાળ દરિયાકિનારે થાય છે. તેનાં પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.
A. crassifolia Mey. ટટ્ટાર કે ભૂપ્રસારી, એકવર્ષાયુ, 30 સેમી.થી 60 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેનું પ્રકાંડ અને શાખાઓ સફેદ હોય છે. પર્ણો લંબચોરસ કે અંડાકાર હોય છે. તે એકલિંગી પુષ્પો ધરાવે છે. તેનું વિતરણ જમ્મુ, કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 2,400 મી.થી 3,600 મી.ની ઊંચાઈ સુધી થયેલું છે. તેનો ઉપયોગ બકરાના ચારા તરીકે થાય છે. A. halmoides ક્ષારજ ભૂમિની સુધારણા માટે ઑસ્ટ્રેલિયામાંથી ભારતમાં પ્રવેશ કરાવાયેલી જાતિ છે. ક્ષારજ ભૂમિ ઉપર તે પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. A. vesicaria Howard ex Benth.(બ્લૅડર સૉલ્ટબુશ)નો પણ આલ્કેલાઇન મૃદાની સુધારણા માટે ભારતમાં પ્રવેશ કરાવાયો છે. તે સેપોનિન ધરાવે છે.
ફ્રાન્સિસ પીટર
પસ્તાકિયા એ. આર.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ