ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર ઊંચાં પણ હોય છે. બહુધા પ્રવાલથી બનેલી તેની ખડકમાળા મુખ્યત્વે ચૂનાના પથ્થરની કે ચૂનામય લીલની હોય છે. જોકે કેટલાક ખડકોમાં ફૉસ્ફેટ પણ મળી આવે છે. મોટાભાગનાં પ્રવાલદ્વીપવલયો પૅસિફિક મહાસાગર અને હિંદી મહાસાગરમાં છે, તો થોડાંક આટલાંટિક મહાસાગરમાં છે. પૅસિફિક મહાસાગરમાંનાં પ્રવાલદ્વીપવલયોમાં કેરોલાઇન, માર્શલ, આમોટૂ તથા ગિલ્બર્ટ છે. ગિલ્બર્ટ દ્વીપસમૂહમાંનો ક્રિસમસ કંકણાકાર ઉપદ્વીપ સૌથી મોટો ભૂભાગ ધરાવે છે. હિંદી મહાસાગરમાં લક્ષદ્વીપ, માલદીવ તથા જામનગર પાસેનો પીરોટણ પ્રવાલદ્વીપ છે. બહામાના વિસ્તારમાં કેટલાક અનોખા (atypical) ઉપદ્વીપો છે.

બધાં જ પ્રવાલદ્વીપવલયો વર્તુળાકાર ન હોય તોપણ ઘણા લાંબા અંતર સુધી તેમની મોટાભાગની રચના બદ્ધ સ્વરૂપની હોય છે. તેની ખડકાળ દીવાલમાં કેટલેક સ્થળે નીક હોય છે; તેમાં વહાણ જઈ શકે તેવા જલમાર્ગ બને છે.

જે પ્રવાલદ્વીપો પર પૂરતો વરસાદ પડે છે, ત્યાં તાજા પાણીની કોઈ ખાસ અછત વર્તાતી નથી, પરંતુ ઘણાખરા ઉપદ્વીપો પર ઓછો વરસાદ પડતો હોવાથી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે. તે માટે ટાંકાં, ખાડા કે મોટાં વાસણોનો ઉપયોગ થાય છે. આ ઉપદ્વીપો પર નારિયેળનાં ઝાડ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક ટારો, બ્રેડફ્રૂટ તથા માછલી છે. દરિયાકિનારા પર પેદા થતી વનસ્પતિ અને વૃક્ષને બાદ કરતાં ત્યાં અન્ય કોઈ પેદાશ થતી નથી. દરિયાઈ તોફાનો તથા ભૂકંપથી સર્જાતાં મોટાં મોજાંથી ત્યાંની પ્રજાને સતત નુકસાન સહન કરવું પડે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે