એઝિકેલ (Ezekiel) : પ્રાચીન ઇઝરાયલની જૂડાહ જનજાતિના પેગંબર (prophet) અને પાદરી (priest). ધાર્મિક ગ્રંથના લેખક અને સંકલનકર્તા. ઈ. પૂ. છઠ્ઠી સદી તેમનો જીવનકાળ તથા પ્રવૃત્તિઓનો સમય ગણાય છે. તે જેરૂસલેમમાં રહેતા હતા. તે સદીના પ્રથમ ત્રણ દસકામાં જેરૂસલેમ તથા બૅબિલૉનમાં તેમના ધર્મોપદેશક સંગઠન(ministry)નું કાર્ય ચાલતું હતું. યહૂદી ધર્મ(judaism)ના વિકાસમાં તેમણે અગત્યનો ફાળો આપેલો છે. તેમણે કર્મકાંડની હિમાયત કરી હોવા છતાં નૈતિક મૂલ્યોના ભોગે કર્મકાંડનો આશ્રય લેવો જોઈએ નહિ તેવી તેમની વિચારસરણી હતી. સામાજિક કે રાષ્ટ્રીય જવાબદારીના સિદ્ધાંત સામે તેમણે વ્યક્તિગત જવાબદારીનો સિદ્ધાંત વિકસાવ્યો હતો. ‘જૂના કરાર’નાં પાંચ પુસ્તકોમાં અંકિત ધર્મોપદેશની કેટલીક બાબતો અંગે તેમણે તેમના ગ્રંથ ‘Book of Ezekiel’માં જે ભિન્ન વિચારો રજૂ કર્યા છે તે, તે જમાનાના ધર્મગુરુઓને માન્ય ન હોવાથી અધિકૃત બાઇબલની ગ્રંથસૂચિમાં તેમના તે ગ્રંથનો સમાવેશ કરવા સામે ધર્મગુરુઓએ સખત વિરોધ કર્યો હતો. છતાં તેમની વિચક્ષણ અને અસાધારણ કલ્પનાશક્તિ તથા ર્દષ્ટાંત આપવાની કુદરતી શૈલી પ્રશંસાપાત્ર ગણાયેલી.
એઝિકેલ ભવિષ્ય અંગેની આગાહી કરવામાં પાવરધા ગણાતા. ઇઝરાયલે કરેલા અનેક ધાર્મિક ગુના અને પાપોની તેમણે સખત શબ્દોમાં નિંદા કરી હતી, એટલું જ નહિ પરંતુ તેને લીધે જેરૂસલેમ નષ્ટપ્રાય થશે, તેવી તેમણે આગાહી કરી હતી. ઈ. પૂ. 586માં નેબુચદનેઝર બીજાના સૈનિકોના હાથે આ નગર તથા તેનું દેવળ નષ્ટ થયાં હતાં.
એઝિકેલ અને તેમના સંપ્રદાયના અનુયાયીઓ માટે પછીનાં વર્ષો ખૂબ કપરાં સાબિત થયાં હતાં. જૂના ઇઝરાયલનું રાજ્ય, જુડાહનું નાનું રાજ્ય એ નેબુચદનેઝર બીજાના નવા બૅબિલૉન સામ્રાજ્યમાં બળજબરીથી ભેળવી દેવામાં આવ્યું તથા ઇઝરાયલના રાજા જેહોચિન (Jehoiachin), એઝિકેલ તથા તેમના અનેક અનુયાયીઓને ઈ. પૂ. છઠ્ઠી સદીની શરૂઆતમાં જેરૂસલેમમાંથી બૅબિલૉનમાં દેશપાર કરવામાં આવ્યા હતા. તે પછી તેઓ નિપ્પુરની નજીક આવેલી યેબર નદીના કિનારે આવેલા તેલ-અવીવ નગરમાં રહ્યા હતા. એઝિકેલનો ઉપરનિર્દિષ્ટ ગ્રંથ તે જ અરસામાં લખાયો હતો (ઈ. પૂ. 586–38).
પેગંબર-પાદરી તરીકેનાં સ્થાન અને મોભો તેમણે પ્રાપ્ત કર્યાં હતાં. દેશપાર થયેલા યહૂદીઓમાં તે અદ્વિતીય પુરુષ ગણાયેલા છે.
યતીન્દ્ર દીક્ષિત