એઝાથાયોપ્રિમ : પ્રતિરક્ષાને દબાવનાર (immunosuppressive) દવા. તે પ્યુરિનનું સમધર્મી (analogue) રસાયણ છે, જે શરીરમાં 6 – મરક્ટોપ્યુરિનમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ રાઇબોન્યૂક્લિ-યૉટાઇડ થાયો-ઇનોસાઇનિક ઍસિડમાં રૂપાંતરિત થઈને તેનું કાર્ય કરે છે. આ ચયાપચયી રસાયણો ડી.એન.એ.ના સંશ્લેષણમાં વપરાતા એડીનાઇન અને ગ્વાનિન બનાવવાની પ્રક્રિયા અટકાવે છે. તેને કારણે તે કોષોની સંખ્યાવૃદ્ધિ અટકાવે છે. આમ તે ‘ટી’ તથા ‘બી’ પ્રકારના લસિકાકોષો (lymphocytes) પર અસર કરીને શરીરની પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાને ઘટાડે છે. તે ઉપરાંત કદાચ તે પ્રતિરક્ષાસંકુલો(immune complexes)ને પણ ઘટાડે છે. તેની પોતાની મર્યાદિત પ્રમાણમાં પ્રતિશોધી (anti-inflammatory) અસર પણ છે. પ્રતિરક્ષાના વિકારોમાં એઝાથાયોપ્રિમનો મહત્વનો ચિકિત્સીય ઉપયોગ છે. તેથી સ્વકોષધ્ની પ્રતિરક્ષાજન્ય વિકારો (autoimmune disorders) જેવા કે આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), આમવાતી વાહિનીશોથ (rheumatoid vasculitis) વેજનરનું ચિરશોથગડ (Wegener’s granuloma) રક્તકોષભક્ષિતા (lupus erythematosus) તથા મૂત્રપિંડ તથા અન્ય અવયવનું પ્રતિરોપણ (transplant) કર્યું હોય ત્યારે તેનો અસ્વીકાર રોકવા માટેની સ્થિતિમાં એઝાથાયોપ્રિમ ઉપયોગી ઔષધ છે. તેની માત્રા દર્દીના શ્વેતકોષોની સંખ્યા અને અસ્થિમજ્જાની કાર્યશીલતા પર આધાર રાખે છે. મૂત્રપિંડ-પ્રતિરોપણવાળા દર્દીમાં તે જીવનપર્યંત આપવી પડે છે. તેનું ચયાપચય યકૃતમાં થાય છે. એલોપ્યુરિનોલ અને એઝાથાયોપ્રિમના રાસાયણિક બંધારણની સમાનતાને કારણે એલોપ્યુરિનોલ નામનું ઔષધ જોડે આપવાનું હોય તો એઝાથાયોપ્રિમની માત્રા ઘટાડાય છે. આડઅસર રૂપે તે લોહીના રક્તકોષો અને ગઠનકોષોની સંખ્યા પણ ઘટાડે છે; ઊબકા, ઊલટી કરે છે. જોકે વારંવાર ચેપ લાગે તેવું થતું નથી. મૂત્રપિંડ-પ્રતિરોપણના દર્દીમાં કૅન્સર થવાનો ભય રહે છે. આવા દર્દીઓમાં ફેફસાંનું, મૂત્રાશયનું, અધિવૃક્કગ્રંથિના બાહ્યક(adrenal cortex)નું તથા લોહીનું ઉગ્ર પ્રકારનું કૅન્સર થયું હોય એવા દાખલા નોંધાયા છે.

પ્રવીણા પી. શાહ