એઝાઇડ સંયોજનો (azides) : હાઇડ્રેઝોઇક ઍસિડ(HN3)ના ક્ષારો જેવા કે સોડિયમ એઝાઇડ NaN3, લેડ એઝાઇડ Pb(N3)2. ગરમ સોડામાઇડ ઉપર નાઇટ્રસ ઑક્સાઇડ પસાર કરવાથી સોડિયમ એઝાઇડ મળે છે.
2NaNH2 + N2O → NaN3 + NH3 + NaOH
તેને ગરમ કરતાં તેનું સરળતાથી વિઘટન થાય છે.
2NaN3 = 2Na + 3N2
આલ્કલી એઝાઇડ દ્રાવ્ય હોય છે, જ્યારે ભારે ધાતુઓના એઝાઇડ અદ્રાવ્ય અને સ્ફોટક હોય છે.
એઝાઇડ આયન રૈખિક અને સમમિત બંધારણ ધરાવે છે. તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય :
સહસંયોજક (covalent) એઝાઇડ અસમમિત હોય છે. તેઓ અગત્યના મધ્યસ્થીઓ છે. એરાઇલ એઝાઇડ (ArN3), એઝાઇડો- ફૉર્મૅટ (ROCON3) અને સલ્ફોનિલ એઝાઇડ (RSO2N3) જેવાં સંયોજનોને ગરમ કરતાં અથવા પારજાંબલી પ્રકાશ વડે ઉદભાસિત કરતાં તેઓ નાઇટ્રોજન ગુમાવી નાઇટ્રિન પેદા કરે છે, જે એટલા સક્રિય હોય છે કે તેઓ કોઈ પણ કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરી એમાઇન વ્યુત્પન્નો બનાવે છે.
સાદા એસાઇલ (acyl) એઝાઇડો(R = આલ્કાઇલ અથવા એરાઇલ)ને ગરમ કરતાં તે કર્ટિયસ પુનર્વિન્યાસ પામી આઇસોસાયનેટ બનાવે છે, જેનું જળવિઘટન થતાં એમાઇન મળે છે.
લેડ, મર્ક્યુરી અને બેરિયમ જેવી ભારે ધાતુઓના એઝાઇડનું, આઘાત થતાં વિસ્ફોટન થાય છે. તેથી પિસ્તોલ, બંદૂક વગેરેની ગોળીઓની અધિસ્ફોટ ટોટી(detonation cap)માં તે વપરાય છે.
પ્રહલાદ બે. પટેલ