એજીરેટમ (અજગંધા, ધોળી સાદોડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની શાકીય કે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. તેની બે જાતિઓ ભારતની પ્રાકૃતિક (naturalized) પરિસ્થિતિમાં એકરૂપ થઈ શકી છે.

Ageratum conyzoides L. (ગુ. અજગંધા, ધોળી સાદોડી; બં. દોચુંટી, ઉચુંટી; ક. ઉરાલ્ગીડ્ડા; મલા. આપ્પા, મુર્યામ્પાચા; અં. ગોટ-વીડ, વ્હાઇટ વીડ.) બહુરૂપી (polymorphic), સુરભિત (aromatic), લગભગ 1.0 મી. ઊંચી, એકવર્ષાયુ જાતિ છે. સમગ્ર ભારતમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી અને મધ્ય આંદામાનમાં અપતૃણ તરીકે તે થાય છે. પ્રકાંડ ઉચ્ચાગ્રભૂશાયી (decumbent) અને રોમિલ હોય છે અને નીચેના ભાગેથી મૂળ ઉત્પન્ન કરે છે. તેનાં નીચેનાં પર્ણો સંમુખ અને ઉપરનાં પર્ણો એકાંતરિક, પહોળાં, અંડાકાર કે ચતુષ્કોણી-અંડાકાર(rhomboid-ovate)થી માંડી ત્રિકોણાકાર, 2 સેમી.થી 10 સેમી. લાંબાં અને 1.5 સેમી.થી 5.0 સેમી. પહોળાં હોય છે. તેને શિયાળામાં સફેદ, આછાં ભૂરાં કે જાંબલી, 50થી 80 પુષ્પકો ધરાવતા સ્તબક (capitulum) બેસે છે. આ પુષ્પો લાંબો સમય ટકી રહેતાં હોવાથી તેની પ્રજાતિનું નામ ‘એજીરેટમ’ (ચિરયુવાન) આપવામાં આવ્યું છે. જૂનાં પુષ્પોની છાંટણી (pruning) કરતાં રહેવાથી પુષ્પો લાંબા સમય સુધી આવે છે અને છોડ પણ નીચા રહે છે. તેનાં ફળ ચર્મફળ (achene) પ્રકારનાં અને અરોમિલ હોય છે અથવા રોમવલય (cypsela) પ્રકારનાં ફળ બેસે છે; જેમની ટોચ અણીદાર કેશ (awn) અને રોમગુચ્છ (pappus) ધરાવે છે.

એજીરેટમ

તેનો બાહ્ય રીતે શીતજ્વર(ague)માં ઉપયોગ થાય છે અને આંતરિક રીતે ઉત્તેજક પુષ્ટિકારક (tonic) છે. તેનો રસ ગુદભ્રંશ(prolapsusant)ની ચિકિત્સામાં ખૂબ ઉપયોગી છે. તેને તેલ સાથે ઉકાળી સંધિવા ઉપર લગાડાય છે. છોડનો કાઢો અતિસાર, મરડો અને આધ્માન (flatulence) સહિતની આંત્રીય શૂલ (colic), જેવી પાચનમાર્ગની બીમારીઓમાં આપવામાં આવે છે. અર્ધ-શુષ્ક વનસ્પતિનું બાષ્પનિસ્યંદન કરતાં બાષ્પશીલ તેલ (ઉત્પાદન 0.16 %; વિ. ગુ. 0.9647) પ્રાપ્ત થાય છે, જે 7-મિથૉક્સિ 2, 2-ડાઇમિથાઇલક્રોમિન, એજીરેટોક્રોમિન અને β-કેર્યોફાઇલિન ધરાવે છે. વનસ્પતિના વિવિધ ભાગોમાં કાઉમેરિન, ફ્રાએડેલિન, β-સિટોસ્ટૅરોલ, સ્ટીગ્મેસ્ટૅરોલ, પોટૅશિયમ ક્લોરાઇડ અને તૃતીયક (tertiary) અને ચતુર્થક આલ્કેલૉઇડની હાજરી નોંધાઈ છે. છોડની ભસ્મ (9.72 %) પોટૅશિયમનો સારો સ્રોત છે. તેમાંથી આશરે 28 % દ્રાવ્ય ક્ષારો પ્રાપ્ત થાય છે. તે વિનાશી (pernicious) અપતૃણ છે. તેનું નિયંત્રણ 2, 4 D (2, 4-ડાઇક્લૉરોફિનોક્ષી ઍસેટિક ઍસિડ) અને ટ્રિબ્યૂટોન દ્વારા કરી શકાય છે.

પર્ણોનો મીઠા સાથે ક્ષતરોહી (vulnerary) તરીકે ઉપયોગી છે. તે ધનુરને અટકાવે છે. તેમનો કુષ્ઠ (leprosy) અને અન્ય ત્વચાના રોગોમાં શેકમાં ઉપયોગ થાય છે. પર્ણો અને મૂળનો મલમ આંખનાં દર્દોમાં લગાડાય છે. પર્ણોના બાષ્પનિસ્યંદનથી બાષ્પશીલ તેલ (ઉત્પાદન 0.2 %, વિ. ગુ. 1.036) પ્રાપ્ત થાય છે, જે એજીરેટોક્રોમિન, ડીમિયૉક્સિ એજીરેટોક્રોમિન [C12H14O2, એજીરેટોક્રોમિનનો મૉનોમિથૉક્સિ સમરૂપક (analog)], કેર્યોફાઇલિન અને અતિઅલ્પ પ્રમાણમાં r-કેડિનિન હોય છે. તમાકુને સુગંધિત કરવા તેનું તેલ વપરાય છે.

તેનાં પુષ્પો સુંદર હોય છે. તેથી ઉદ્યાનની કિનારીએ હરોળમાં ઉગાડાય છે અને મધમાખીઓ માટે પરાગરજનો સ્રોત પૂરો પાડે છે. બાષ્પનિસ્યંદનથી મેળવવામાં આવતું તેલ પર્ણમાંથી પ્રાપ્ત થતા તેલ જેવું હોય છે. મૂળનો રસ અતિસારરોધી (antidysentric) અને અશ્મરીરોધી (antilithic) હોય છે.

બીજમાં 0.930 વિ. ગુ. ધરાવતું 25.6 % જેટલું તેલ હોય છે. તેમાં ફૅટી ઍસિડોની સાંદ્રતા આ પ્રમાણે જોવા મળે છે : પામિટિક 16.53 %, હેક્ઝાડેસેનૉઇક 0.99 %, સ્ટિયરિક 7.06 %, ઓલિક 8.74 %, લિનોલિક 54.74 % અને લિનોલેનિક 11.94 %.

A. houstonianum Mill., A. conyzoidesની કોષપ્રરૂપ (cytotype) જાતિ હોવાની સંભાવના છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉદ્યાનોમાં શોભન-જાતિ તરીકે ઉગાડવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ