એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

January, 2004

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી. 1877માં બૅરિસ્ટર થયા. લંડનની કિંગ્ઝ કૉલેજમાં અધ્યાપનકાર્ય શરૂ કર્યું (1880). 1888માં અર્થશાસ્ત્રના પ્રોફેસર થયા; 1891-1922 દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડૂમૉન્ડ પ્રોફેસરપદ પર રહ્યા. તેમણે ઈકોનૉમિક જર્નલના તંત્રી (1891-1926) તરીકે મહત્વનું પ્રદાન કર્યું છે. બ્રિટિશ એસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સિઝ દ્વારા સૂચક આંક(index number)ના અભ્યાસાર્થે નિમાયેલ ખાસ સમિતિના મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું.

જેવન્સના મૂલ્યના સિદ્ધાંતની અપૂર્ણતાઓ છતી કરવા માટે એજવર્થે સમતૃપ્તિ વક્રરેખા અથવા તટસ્થરેખા (indifference curve) અને કરારરેખા-વિશ્લેષણપદ્ધતિનો આવિષ્કાર કર્યો, જેને તે પછીના ગાળામાં આર્થિક વિશ્લેષણમાં અધિકૃત સ્થાન પ્રાપ્ત થયું. અર્થશાસ્ત્રમાં આ અંગેનું તેમનું યોગદાન શકવર્તી ગણાય છે. મૂલ્યના સિદ્ધાંત ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિશુદ્ધ સિદ્ધાંત, કરવેરાનો સિદ્ધાંત, સૂચકઆંકનો સિદ્ધાંત તથા આંકડાશાસ્ત્રમાં સંભાવ્યતાનો સિદ્ધાંત આ બધામાં તેમનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. ભૂતકાળના અનુભવને લગતી આંકડાકીય માહિતીનો ભવિષ્ય માટેની સંભાવ્યતા અંદાજવા માટે ઉપયોગ કરવાની તેમણે તરફેણ કરી છે.

તેમણે ઘણા મૌલિક ગ્રંથો લખ્યા છે. જેમાં ‘ન્યૂ ઍન્ડ ઓલ્ડ મેથડ્સ ઑવ્ એથિક્સ’ (1877), ‘મૅથેમૅટિકલ ફિઝિક્સ’ (1881), ‘થિયરી ઑવ્ મોનૉપોલી’ (1897), ‘થિયરી ઑવ્ ડિસ્ટ્રિબ્યૂશન’ (1904) તથા ‘પેપર્સ રીલેટિંગ ટુ પોલિટિકલ ઇકૉનોમી’ (1925) નોંધપાત્ર છે.

ઉપયોગિતાવાદનું પ્રતિપાદન કરનારા વિચારકોમાં એજવર્થ સૌથી છેલ્લા છતાં સૌથી તેજસ્વી વિચારક ગણાય છે. ગણિતીય અર્થશાસ્ત્રમાં તેમની સિદ્ધિઓ તથા રજૂઆત કરવાની તેમની શૈલી વિચક્ષણ અને દુર્જેય ગણાઈ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે