એક ઉંદર અને જદુનાથ (1966) : પહેલું ગુજરાતી ઍબ્સર્ડ નાટક. લેખકો લાભશંકર ઠાકર અને સુભાષ શાહ. જીવનની વ્યર્થતા સૂચવતી કલા-ફિલસૂફીના યુરોપીય વિચારપ્રવાહના અનુસરણ રૂપે ગુજરાતમાં અવતરેલી નાટ્યપ્રણાલીનું પ્રથમ ગણાતું ઉદભટ (absurd) નાટક. અમદાવાદની એક કૉલેજના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં એ ભજવાયું ત્યારે એમાં સુસ્પષ્ટ આદિ, મધ્ય અને અંતના અભાવવાળું નાટ્યવસ્તુ, અલગારી બે જ પુરુષપાત્રો, કહેવાતા કાર્યવેગનો અભાવ અને ક્યારેક માત્ર તર્કહીન લાગતા સંવાદો હોવા છતાં, નાટકના કથ્યના શિલ્પવિધાનથી પ્રેક્ષક-વિવેચકોએ એને આવકાર્યું હતું. બે અનામી પાત્રો, વિલક્ષણ ર્દશ્યરચના, ‘જદુનાથ’ અને ‘ઉંદર’ની પ્રતીક્ષા, નેપોલી હોટલ, લીના નામની યુવતી, બંધ હોટલ, નાસવા માટેની બારી વગેરે દ્વારા જીવનની અસંગતતા અને પ્રવૃત્તિની નિરર્થકતા વ્યક્ત કરવાનો અહીં પ્રયત્ન છે. આ નાટ્યપ્રયોગે, આધુનિક સ્પર્શ ધરાવતી નાટ્યલેખન અને રજૂઆતની ફૅશન ગુજરાતમાં ઊભી કરી. આ ઍબ્સર્ડ નાટ્યપ્રણાલીએ ગુજરાતી થિયેટરને અને એકાંકી નાટ્યલેખનને નાટ્યધર્મી (stylized) પ્રયોગો તરફ દિશા ચીંધી. વીસમી સદીના નવમા દાયકામાં આ નાટ્યપ્રકાર લુપ્ત થયો છે.
હસમુખ બારાડી