એકકોષીય પ્રોટીન

January, 2004

એકકોષીય પ્રોટીન (Single Cell Protein – SCP) : એકકોષીય સજીવોના શરીરમાંથી નિષ્કર્ષણથી મેળવવામાં આવતું પ્રોટીન. આ સજીવોના શરીરના આશરે 80 % જેટલા રાસાયણિક ઘટકો પ્રોટીન તત્વોના બનેલા હોય છે. ખાંડની રસી (molasses), દૂધનું નીતરણ (whey), કાગળનાં કારખાનાંના ધોવાણ (sulphite waste liquor), પૅરાફિન, કાર્બન ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન જેવાં દ્રવ્યો પર એકકોષીય સજીવોને પોષીને, ઈંડાં કે દૂધ જેવા આહાર જેટલી પોષણક્ષમતા ધરાવતા પ્રોટીન પદાર્થો મેળવી શકાય.

એકકોષીય પ્રોટીનનો ઉપયોગ સૌપ્રથમ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કર્યો હતો. આજે તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, રશિયા, જાપાન, તાઇવાન તેમજ અખાતના દેશો પણ ઉદ્યોગીકરણથી એકકોષીય પ્રોટીનનું ઉત્પાદન કરી રહ્યા છે. પરિણામે ખનિજતેલ જેવા પદાર્થોમાંથી એકકોષીય પ્રોટીનનું ઉત્પાદન કરીને તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં વડોદરા ખાતે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કંપની લિમિટેડે (IPCL) પેટ્રોલિયમ પેદાશમાંથી નીકળતા કચરામાંથી ફૂગ(yeast)ના સંવર્ધન દ્વારા એકકોષીય પ્રોટીન બનાવવાના આરંભિક સંયંત્ર(pilot plant)ની સ્થાપના કરી છે.

કોઈ પણ આહારને માનવના ઉપયોગ માટે સલામતી પ્રમાણપત્ર આપતા પહેલાં તેની ચકાસણી તબીબી, પોષકીય, વિષકીય ઇત્યાદિ ર્દષ્ટિએ કરવી પડે છે; પરંતુ આજ સુધી એકકોષીય પ્રોટીનનો માનવના આહાર તરીકે સ્વીકાર થયો નથી. તેનો ઉપયોગ મુખ્યત્વે પશુ-આહાર તરીકે કરવામાં આવે છે.

નટવરસિંહ કેસરીસિંહ યાદવ