એકેડિયન ભાષા

January, 2004

એકેડિયન ભાષા : એકેડિયન લોકોની ભાષા. સેન્ટ લૉરેન્સ નદીના દૂરના પ્રદેશથી ન્યૂ ફ્રાંસના દરિયાકિનારાના પ્રદેશને જુદો પાડવા માટે ફ્રેંચોએ તેને ‘એકેડી’ નામ આપ્યું. ‘એકેડિયા’ શબ્દના ઉદભવ અંગે ભિન્ન ભિન્ન મત છે. એક અભિપ્રાય અનુસાર તેનો સંબંધ મિકમેક ઇન્ડિયન શબ્દ ‘ઍલ્ગેટિક’ (algatic) સાથે છે, જેનો અર્થ થાય છે છાવણી કે વસાહત. બીજા અભિપ્રાય અનુસાર તેનો સંબંધ મિકમેક ‘એકેડ’ સાથે છે, જેનો અર્થ થાય છે વસ્તુઓની વિપુલતા હોય તેવું સ્થાન. ત્રીજો અભિપ્રાય, તેનો સંબંધ પ્રશિષ્ટ ગ્રીક શબ્દ ‘આર્કેડિયા’ (Arcadia) સાથે જોડે છે, જે દક્ષિણ ગ્રીસનો લાંબા સમયથી પ્રસિદ્ધ પ્રદેશ છે. એકેડિયન કૅનેડાના નૉવા સ્કોશિયા, ન્યૂ બ્રન્સવિક અને પ્રિન્સ એડ્વર્ડ આઇલૅન્ડ એ ત્રણ પ્રદેશોમાં કાયમી નિવાસ કરનાર ફ્રેન્ચ વસાહતીઓ(પણ અંગ્રેજો નહિ)ને આપવામાં આવેલું નામ હતું અને તેમની ભાષા તે એકેડિયન ભાષા.

અઢારમી સદીમાં અંગ્રેજોએ આક્રમણ કરીને એકેડિયાની ફ્રેન્ચ વસાહતમાંથી ફ્રેન્ચ, કૅનેડિયનોને હાંકી કાઢેલા. તેથી તેમને લુશિયાનાના દક્ષિણ ભાગમાં જઈને વસવું પડ્યું. આ લોકો કજુન (Cajun) કહેવાય છે. આ લોકો અત્યારે તેમની પોતાની ગ્રામીણ બોલી બોલે છે. આ ભાષામાં જૂનાં ફ્રેન્ચ રૂપોની સાથે અંગ્રેજી, સ્પૅનિશ, જર્મન ભાષા ઉપરાંત અમેરિકન ઇન્ડિયન અને પડોશના અશ્વેત લોકોની ભાષાઓના રૂઢિપ્રયોગો જોવા મળે છે. આ લોકો અન્ય લોકથી જુદા જ રહેવાનું પસંદ કરે છે. તેનાં બે કારણો છે : પહેલું કારણ એ કે તેમની પોતાની જ બીજા સાથે ભળવાની ઇચ્છા નથી અને બીજું કારણ એ કે અન્ય લોકોના મનમાં તેમના પ્રત્યે તિરસ્કાર છે. આનું એક પરિણામ એ આવેલું છે કે તેમની બોલાતી ભાષામાં પ્રગતિ થતી નથી.

વાસુદેવ યાજ્ઞિક