એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને વજ્રદેહી અને શસ્ત્રથી સુરક્ષિત બનાવવા માત્ર એક પગની એડીથી પકડીને સ્ટિક્સ નદીમાં ઝબકોળેલો ઉપરાંત ગુપ્તવાસ માટે સાઇક્રિસના રાજા લિકોમિડસને ત્યાં છોકરીનાં કપડાં પહેરાવીને રાખેલો. ત્યાં લિકોમિડસની પુત્રી ડેડામિયાથી નિઓપ્ટોલેમસ નામે પુત્ર થયેલો. ઓડિસિયસે તેને ઓળખી ખુલ્લો પાડેલો, ત્યારપછી એકિલીઝ પાસે બે જ વિકલ્પ હતા કીર્તિમંત ટૂંકું જીવન અથવા નિસ્તેજ દીર્ઘાયુ. પ્રથમ વિકલ્પ સ્વીકારી તે ટ્રોજન યુદ્ધમાં જોડાયો. ત્યાં એની વીરતાની પરાકાષ્ઠા જોવા મળે છે. એકિલીઝમાં ક્રોધ અને અહંકાર બંને છે, પરિણામે તેના જીવનમાં કરુણ સ્ખલન (tragic flaw) જોવા મળે છે. વીર નાયકના જીવનમાં જોવા મળતું કરુણ સ્ખલન સૌપ્રથમ હોમરે એકિલીઝના જીવનમાં પ્રમાણ્યું અને તેની પડછે તેણે એકિલીઝના મહાન ચરિત્રનું નિરૂપણ કર્યું.
ટ્રોયના પ્રાયમ દેશના રાજાઓ અને અકાયનો એટલે ગ્રીક રાજાઓ વચ્ચે સ્વર્ગીય સૌંદર્ય ધરાવતી હેલન માટે થયેલું યુદ્ધ મહાન ઐતિહાસિક ઘટના ગણાય છે. હેલન સ્પાર્ટાના રાજા અને ઍગેમેમ્નોનના ભાઈ મેનિલેયસની પત્ની હતી. ઓલિમ્પસ પર્વત ઉપરના સર્વ દેવોના અધિપતિ ક્રોનોસનો પુત્ર ઝયૂઝ અને તેની પુત્રીએ એફ્રોડાયટીની ટ્રોયના રાજકુમાર પૅરિસ ઉપર કૃપા હોવાથી હેલન તેના ઉપર મોહી પડેલી. પૅરિસે તેનું અપહરણ કરેલું.
ગ્રીકોએ દશ વર્ષથી ટ્રોયને ઘેરો ઘાલેલો. આર્ગોસનો રાજા ઍગેમેમ્નોન લશ્કરનો સરસેનાપતિ હતો અને એકિલીઝ શૂરવીર અધિપતિ હતો. યુદ્ધમાં નવ વર્ષ સુધી એકિલીઝે શત્રુઓને હંફાવ્યા અને બાર નગરો કબજે કર્યાં. દશમા વર્ષે છાવણીમાં એકાએક મરકી ફાટી નીકળી તેનું કારણ એપોલોનો ક્રોધ છે એવું જાહેર થયું. એકિલીઝે ઍગેમેમ્નોનને સમજાવ્યું કે તેણે એપોલોના ક્રોધને શાંત કરવા પૂજારીની પુત્રીને પાછી સોંપી દેવી જોઈએ. પરંતુ ઍગેમેમ્નોન માન્યો નહિ અને ઊલટું એકિલીઝની પ્રિય ગુલામ છોકરીને લઈ ગયો. ગ્રીક સૈન્યમાં ભંગાણ પડ્યું. અહંકાર અને ક્રોધની મૂર્તિ એકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાનું બંધ કર્યું અને તંબૂમાં પડી રહ્યો.
દરમિયાન પૅરિસ અને મેનિલેયસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ થયું તેમાં મેનિલેયસ વિજેતા થયો. પરંતુ પેન્ડારસે વચનભંગ કરીને મેનિલેયસને માર્યો. ત્યારપછી ટ્રોયના વીર યોદ્ધા હેક્ટર અને ઐયસ વચ્ચે યુદ્ધ થયું ત્યારે એકિલીઝને મનાવવા ઍગેમેમ્નોને માફી માગી અને તેને જમાઈ બનાવવાની તૈયારી બતાવી. આમ છતાં તે એકનો બે ન થયો. વૃદ્ધ નેસ્ટર ફરી એકિલીઝ પાસે ગયો. સાથે એકિલીઝનો પિતરાઈ ભાઈ અને મિત્ર પેટ્રોકેલસ પણ હતો. નેસ્ટરની આંખમાં આવેલાં આંસુથી પેટ્રોકેલસ દ્રવી ઊઠ્યો, છતાં એકિલીઝના અભિમાન અને ક્રોધનું શમન ન થયું. માત્ર પેટ્રોકેલસને પોતાનો રથ અને બખ્તર આપ્યાં. પ્રાયમના જ્યેષ્ઠ પુત્ર હેક્ટરે પેટ્રોકેલસનો વધ કર્યો ત્યારે શોકથી ઉન્મત્ત બનીને મિત્રનું તર્પણ હેક્ટરના લોહીથી કરવા પ્રતિજ્ઞા લીધી. તેનું દૈવી બખ્તર તો પેટ્રોકેલસ મરાતાં હેક્ટર પાસે ગયેલું એટલે તેની માતા થેટિસે દેવોના વિશ્વકર્મા હેફાયસ્ટસ પાસે નવું દિવ્ય બખ્તર બનાવડાવ્યું. એકિલીઝે હેક્ટર ઉપર વિજય મેળવ્યો. હેક્ટરના મૃતદેહને રથ પાછળ બાંધી કોટ ફરતે ત્રણ ચક્કર માર્યા. વેરની વસૂલાત માટેની પ્રતિજ્ઞા પાળી. હેક્ટરના શબ ઉપર જીવતા ટ્રોજન સૈનિકોને અને અશ્વોને હણ્યા.
એકિલીઝની કીર્તિ દિગંતમાં વ્યાપી. માતાએ વેરવૃત્તિ શાંત કરવા સમજાવ્યો. હેક્ટરનો વૃદ્ધ પિતા પ્રાયમ ઝવેરાત ભરેલો રથ લઈને આવ્યો. પુત્રના ઘાતક એકિલીઝનો હાથ ચૂમ્યો. વૃદ્ધનાં આંસુથી તે દ્રવી ઊઠ્યો. હેક્ટરના શબને તેના પિતાને સુપરત કર્યું. અહીં એકિલીઝના ક્રોધ અને વેરનું શમન થાય છે. ભીષણ વિગ્રહના અંતે વિનિપાતના અંતિમ બિંદુએ પણ મનુષ્ય મનુષ્યની વેદનાને ઓળખી શક્યો તે વાત હોમરે ઉપસાવી છે. કાવ્યસમાપનની ક્ષણે ફરકી જતી એકિલીઝની ઉદાત્ત જીવનર્દષ્ટિનું મૂલ્ય મોટું છે.
‘ઇલિયડ’ પછીની ગ્રીક કૃતિઓમાં પૅરિસના હાથે એકિલીઝનું મૃત્યુ થતું બતાવ્યું છે. એપોલોની પ્રેરણાથી તેની એડીમાં પૅરિસ શસ્ત્ર મારે છે. પછી ટ્રોયનું પતન થાય છે અને એકિલીઝનું પ્રેત વિજયના હિસ્સારૂપે પોલિક સેનાની માગણી કરે છે. તેથી તેની કબર ઉપર તેનો વધ કરવામાં આવે છે.
ગ્રીકોમાં સૌંદર્ય અને શૌર્યમાં અનન્ય, અજેય, નીડર એવો આ યોદ્ધો માતા અને મિત્ર પ્રત્યે ઉત્કટ પ્રેમ ધરાવતો. કીર્તિની તીવ્ર ઝંખના સાથે ક્રોધ અને વેરની અસીમ વૃત્તિ છતાં એકિલીઝ દૈવની ઇચ્છાને નમ્રતાપૂર્વક સ્વીકારતો. સ્પાર્ટા, સિગમ, એલિસ જેવાં સ્થળોએ તે પૂજાપાત્ર બની ગયેલો.
નલિન રાવળ
રમણિકભાઈ જાની