એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ

January, 2004

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.; અ. 25 જૂન 1916 ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો. સપ્ટેમ્બર 1866માં તે કલાના વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા અને ત્યાં લિયો જેરોમના માર્ગદર્શનથી માનવશરીરનું ચીવટભર્યું ચિત્રણ કરતાં શીખ્યા. 1869માં સ્પેન ગયા અને મૅડ્રિડના પ્રદો મ્યુઝિયમમાં ચિત્રોનું અવલોકન કર્યું. સેવિલમાં તેમણે ‘એ સ્ટ્રીટ સીન ઇન સેવિલ’નું ચિત્ર આલેખવા સેંકડો આકૃતિઓ દોરી. ચોથી જુલાઈ 1870ના રોજ તે અમેરિકા પાછા ફર્યા. તેમને કલા ઉપરાંત વિજ્ઞાનમાં પણ ખૂબ રસ હતો અને તેથી માનવઆકૃતિઓ સાથે પ્રાણીઓના હલનચલનનું પણ તેમનાં ચિત્રોમાં આલેખન થતું. એકત્રીસમે વર્ષે, તેમણે સૌથી મહત્વના ચિત્ર ‘ધ ગ્રોસ ક્લિનિક’(1875)માં ડૉક્ટર સેમ્યુઅલ ગ્રોસને ઑપરેશન કરતા અને આજુબાજુ મદદનીશો અને વિદ્યાર્થીઓને બેઠેલા દર્શાવતું વાસ્તવદર્શી ચિત્ર દોર્યું. રૂપાળાં, મધુર, મૃદુ વિષયોનાં ચિત્રોથી મનોરંજન માણતા લોકોને આ ચિત્રે આઘાત પહોંચાડ્યો. ન્યૂયૉર્કની ‘સોસાયટી ઑવ્ અમેરિકન આર્ટિસ્ટ્સ’ પર આ ચિત્ર મોકલવામાં આવ્યું ત્યારે કલાકૃતિ તરીકે તેનો અસ્વીકાર થયો. પેન્સિલવેનિયા એકૅડેમીએ તે ચિત્ર ખરીદ્યું, પણ એક અંધારા ખૂણે તેને ટાંગી રાખ્યું. ત્રણ વર્ષ બાદ એકિન્સે જ્યાં શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે કૉલેજે એકૅડેમી પાસેથી તે ખરીદ્યું. તે સંસ્થાએ પણ વર્ષો સુધી તે દેખાય નહિ એવા સ્થળે લટકાવી રાખ્યું.

1876માં પેન્સિલવેનિયામાં એક કલાશાળા ખૂલી અને 1879માં એકિન્સ તેમાં ચિત્રકલાના અધ્યાપક નિમાયા. તે વિદ્યાર્થીઓને જીવંત નગ્ન માનવ પરથી આકૃતિમાં ચીવટપૂર્વકની સચોટતા લાવવા આગ્રહ કરતા. 1882માં જ્યારે તેમને ચિત્રશાળાના નિયામક તરીકે નીમવામાં આવ્યા ત્યારે સંસ્થાના સંચાલક મંડળે તેમની આ શિક્ષણપદ્ધતિનો વિરોધ કર્યો. ચિત્રશાળાની વિદ્યાર્થિનીઓ સમક્ષ એક નગ્ન પુરુષને આકૃતિ માટે ઊભો રાખ્યો ત્યારે સંચાલકોએ તેમને આ પદ્ધતિ છોડવા અથવા સંસ્થા છોડવા જણાવ્યું અને એકિન્સે સંસ્થા છોડવાનું પસંદ કર્યું. 1884માં એકિન્સ પાસે ચિત્રકલા શીખેલી સુસાન મેકડોવેલ સાથે એકિન્સ લગ્નસંબંધથી જોડાયા. એકિન્સે ચિત્રશાળા છોડી તેથી ઘણા વિદ્યાર્થીઓ પણ તે શાળા છોડી ગયા અને ‘આર્ટ સ્ટુડન્ટ્સ લીગ ઑવ ફિલાડેલ્ફિયા’ની સ્થાપના કરી. આ સંસ્થામાં એકિન્સ વિના વેતને ચિત્રશિક્ષણ આપતા. એકિન્સની આર્થિક સ્થિતિ નબળી હતી. છતાં છ વર્ષ સુધી તેમણે આ સંસ્થા ચલાવી.

40 વર્ષની વય પછી એકિન્સે શિક્ષણ છોડીને વ્યક્તિચિત્રો (portraits) ચીતરવાનું શરૂ કર્યું. અનેક મિત્રો અને સંબંધીઓનાં સુંદર ચિત્રો આલેખ્યાં. એમાં કવિ વોલ્ટ વ્હિટમેનનું એમણે દોરેલું ચિત્ર શ્રેષ્ઠ કલાકૃતિ હતી. પરિણામે કવિ અને ચિત્રકાર મિત્રો બન્યા. વોલ્ટ વ્હિટમેને કહ્યું હતું, ‘એકિન્સ કેવળ એક ચિત્રકાર નથી, એ તો એક મહાશક્તિ છે.’ એકિન્સે 1880માં ડૉક્ટર ઍગન્યુ વિશે ‘ધ ગ્રોસ ક્લિનિક’ કરતાં પણ વધુ સારું ચિત્ર આલેખ્યું. આ ‘ધ ઍગન્યુ ક્લિનિક’ ચિત્રમાં ડૉક્ટરના હાથ ઑપરેશન કરતાં લોહીથી ખરડાયેલા હતા. આ ચિત્રે પણ ધ સોસાયટી ઑવ્ અમેરિકન આર્ટિસ્ટ્સને ભડકાવી અને તે ચિત્ર સ્વીકારાયું નહિ. એકિન્સે તેમને જણાવ્યું : ‘તમારી દીવાલો પર લટકાવેલાં ચિત્રો કરતાં આ વધુ મહત્વનું છે.’

ઓગણીસમી સદીના અંતે વાસ્તવવાદી કલાનો ઉદય થતાં એકિન્સનાં ચિત્રો તેમના નગર સિવાયની અન્ય સંસ્થાઓમાં સ્વીકારાવા લાગ્યાં. 60 વર્ષની ઉંમર બાદ તેમને પેન્સિલવેનિયા એકૅડેમીએ પારિતોષિક અર્પણ કર્યું. તેની હાંસી ઉડાવવા માટે એકિન્સે તે પદક બીજે દિવસે પંચોતેર ડૉલરમાં વેચી દીધું. તે પછી મળેલાં સન્માનોની પણ એકિન્સે પરવા કરી નહોતી. 1916ના ઉનાળામાં બીમારીને કારણે તે પથારી પણ છોડી શકતા નહિ. બોંતેર વર્ષની વયે તે અવસાન પામ્યા. તેમના મૃત્યુ બાદ વર્ષો પછી ન્યૂયૉર્કના ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ’માં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું. પેન્સિલવેનિયા એકૅડેમીએ પણ તે પછી તેમનાં ચિત્રોનું મોટું પ્રદર્શન યોજ્યું હતું.

કૃષ્ણવદન જેટલી