એકાન્ત સેવા

January, 2004

એકાન્ત સેવા (વીસમી સદીનો ત્રીજો દશકો) : તેલુગુ કાવ્યસંગ્રહ. તેલુગુ ભક્તકવિ વ્યંકટ પરવતીશ્વર ક્વુલુ (1881–1974) તથા વોલેતાં પર્વતીસમ(1882–1955)ના સંયુક્ત કર્તૃત્વનાં આ ઊર્મિકાવ્યોમાં મહદંશે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. બાહ્ય ર્દષ્ટિએ માનવપ્રણયનાં વિરહકાવ્યો લાગે, પણ એમાં જીવાત્માની પરમાત્માના મિલન માટેની વ્યાકુળતા તથા વિરહની અસહ્ય વેદનાનું આલેખન થયું છે. આ સંગ્રહનાં 62 ગીતોમાં ભાવ એક જ હોવા છતાં, એમાં એકસુરીલાપણું લાગતું નથી. એનું કારણ એ છે કે કલ્પનો અને પ્રતીકો બદલાતાં રહે છે, કથનરીતિ બદલાતી રહે છે. કાવ્યોમાં પૂર્ણ શરણાગતિનો ભાવ છે. પ્રકૃતિના પ્રત્યેક અંગની સુંદરતાનું દર્શન એને પરમાત્માનું સ્મરણ કરાવે છે. વિવિધ પ્રકૃતિનાં રૂપોને તે એના પ્રાણાધાર પાસે લઈ જવા વિનવણી કરે છે. એમનાં પ્રતીકોમાં મોર, કોયલ, કમળ, ગુલાબ, ઝરણું, સાગર, ચાંદની જેવાં પારંપરિક પ્રતીકોનો ઉપયોગ છે. એ લોકસાહિત્યના દ્વિપદ છંદનો ઉપયોગ કરે છે. કવિ બ્રહ્મોસમાજથી પ્રભાવિત થયા હતા, એટલે એમનાં કાવ્યોમાં એનો પણ પ્રભાવ વરતાય છે.

પાંડુરંગ રાવ

અનુ. ચન્દ્રકાન્ત મહેતા