એકાવલી (ચૌદમી સદી)

January, 2004

એકાવલી (ચૌદમી સદી) : કવિ વિદ્યાધરકૃત સાહિત્યશાસ્ત્ર અંગેનો સંસ્કૃત ગ્રંથ; તેનું પ્રકાશન મુંબઈ સંસ્કૃત સીરીઝમાં કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદી દ્વારા કરાયું છે.

‘એકાવલી’ના આઠ ઉન્મેષોમાં સાહિત્યશાસ્ત્ર અંગેના વિભિન્ન વિષયોનું નિરૂપણ થયેલું છે. તે પૈકી પ્રથમમાં કાવ્યહેતુ ને કાવ્યલક્ષણ, દ્વિતીયમાં શબ્દ અને શબ્દશક્તિ, તૃતીયમાં ધ્વનિ અને તેના ભેદપ્રભેદો, ચતુર્થમાં ગુણીભૂતવ્યંગ્ય, પાંચમામાં ગુણ અને રીતિ, છઠ્ઠામાં દોષ, સાતમામાં શબ્દાલંકાર અને આઠમામાં અર્થાલંકાર પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે કાવ્યપ્રકાશનું અનુસરણ જણાય છે, પરંતુ અલંકારનિરૂપણ રુય્યક અનુસાર છે. કાવ્યપ્રકાશની વિગતો જ વિદ્યાધરે સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ આપીને નિરૂપી છે તેથી એક રીતે જોતાં, તેમાં ખાસ નાવીન્ય નથી. અલબત્ત, ઉદાહરણ તરીકે આવતાં પદ્યો કવિનાં પોતાનાં છે, જેમાં તેમણે સંભવત: પોતાના આશ્રયદાતા નરસિંહદેવની સ્તુતિ કરી છે.

તપસ્વી નાન્દી