એકાંગી વનસ્પતિઓ (thallophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં અંગો વિનાની વાહકપેશીવિહીન વનસ્પતિઓ. આ વનસ્પતિસમૂહમાં પેશીય આયોજન હોતું નથી. તેઓ એકકોષી પ્રજનનાંગો ધરાવે છે અને ફલન બાદ તેઓમાં યુગ્મનજ(zygote)માંથી ભ્રૂણજનન (embryogenesis) થતું નથી. આવી વનસ્પતિઓના દેહને સુકાય (thallus) કહે છે. એકાંગી વનસ્પતિઓમાં જીવાણુઓ (bacteria), લીલ (algae), ફૂગ (fungi) અને લાઇકેન(lichens)નો સમાવેશ થાય છે.
જીવાણુઓ સૂક્ષ્મ કે અતિસૂક્ષ્મ એકકોષી આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવો છે. તેમની કોષદીવાલ એમિનો-શર્કરા કે અન્ય જટિલ પદાર્થોની બનેલી હોય છે. તેઓ ક્લોરોફિલરહિત હોય છે. ખોરાકસંગ્રહ તૈલી બિંદુઓ અને ગ્લાયકોજન-સ્વરૂપે થાય છે. તેથી તેમની પોષણપદ્ધતિ પરાવલંબી (heterotrophic) પ્રકારની હોય છે. કોષકેન્દ્રની રચનામાં કોષકેન્દ્રપટલ (nuclear membrane), રંગસૂત્રદ્રવ્ય (chromatin material) અને કોષકેન્દ્રિકા (nucleolus) હોતાં નથી. જનીનસંકુલ (genome) કોષરસમાં અંશત: પ્રસરેલું હોય છે. કોષરસમાં કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીસંકુલ અને અંત:રસજાલ જેવી પટલમય (membrane-bound) અંગિકાઓનો અભાવ હોય છે. તેઓ દ્વિભાજન (fission), અંત:બીજાણુ (endospore) નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન અને સંયુગ્મન (conjugation) દ્વારા લિંગી પ્રજનન કરે છે.

આકૃતિ 1 : વિવિધ પ્રકારના જીવાણુઓ
લાભદાયી જીવાણુઓ ઍસેટિક ઍસિડ, દહીં, માખણ, પનીર, બ્યુટાઇલ આલ્કોહૉલ અને ઍસિટોન બનાવવામાં; રેસા કાઢવા માટેની છાલમાં સડો કરવા માટે; ચા અને તમાકુ કમાવવા માટે; ચર્મઉદ્યોગમાં ગંદવાડના નિકાલ માટે; જમીનમાં નાઇટ્રોજન-સ્થાપન માટે; પ્રતિજૈવિક ઔષધોના અને પ્રજીવક ‘બી’ના નિર્માણમાં અત્યંત ઉપયોગી છે. હાનિકારક જીવાણુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગોત્પાદનનાં કારકો તરીકે તે કાર્ય કરે છે. તેઓ ખોરાકને ઝેરી બનાવે છે. Spirochaeta Cytophaga જેવા કેટલાક જીવાણુઓ જમીનમાં રહેલા નત્રલ પદાર્થોને હવામાં ભેળવે છે અને કપાસનો નાશ કરે છે.
લીલ મુખ્યત્વે મીઠા કે ખારા પાણીમાં કે વધુ પડતી ભેજવાળી સપાટી ઉપર જોવા મળે છે. તેનો સુકાય એકકોષી કે બહુકોષી, વસાહત કે તંતુમય-અશાખિત કે શાખિત, નીલાકાર, પટ્ટીરૂપ કે તકતીમય અથવા ક્વચિત્ જટિલ પણ હોય છે. તેની કોષદીવાલ સૅલ્યુલોસની બનેલી હોય છે. કોષરસમાં હરિતકણો હોવાથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનિક પોષક દ્રવ્યોનું નિર્માણ કરે છે. ખોરાક-સંગ્રહ મુખ્યત્વે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. કોષકેન્દ્ર સુકોષકેન્દ્રી (eukaryotic) હોય છે અને તે કોષકેન્દ્રપટલ, રંગસૂત્રદ્રવ્ય અને કોષકેન્દ્રિકા ધરાવે છે. તે વાનસ્પતિક પ્રજનન દ્વિભાજન કે અપખંડન (fragmentation) દ્વારા; અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓ દ્વારા અને લિંગી પ્રજનન સમયુગ્મન (isogamy), વિષમયુગ્મન (anisogamy) કે અંડયુગ્મન (oogamy) દ્વારા કરે છે. સૌરાષ્ટ્રમાં ઓખાથી દ્વારકાના દરિયાકિનારે આશરે 350 પ્રકારની લીલ મળે છે. ભાવનગરમાં સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લીલના જીવનચક્રનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ થાય છે.

આકૃતિ 2 : વિવિધ પ્રકારની લીલ : (અ) ક્લૅડોફોરા; (આ) ઍસિટાબ્યુલેરિયા, (ઇ) કાઉલેર્પા
ફૂગ એકકોષી કે બહુકોષી હરિતકણવિહીન વનસ્પતિ-સમૂહ છે. તેના દેહને મિસિતંતુ (mycelium) કહે છે. આ મિસિતંતુ કવકજાલ(hyphae)ના સમૂહો વડે બને છે. તેના પ્રત્યેક તંતુને કવકતંતુ (hypha) કહે છે. તેની કોષદીવાલમાં કાઇટિનમિશ્રિત ફૂગ-કાષ્ટક (fungus cellulose) હોય છે. હરિતકણોનો અભાવ હોવાથી તે પરાવલંબી પોષણ-પદ્ધતિ દર્શાવે છે. ખોરાક-સંગ્રહ તૈલી બિંદુઓ અને ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. વાનસ્પતિક પ્રજનન દ્વિભાજન, કલિકાસર્જન (budding) કે અપખંડન દ્વારા; અલિંગી પ્રજનન વિવિધ પ્રકારનાં બીજાણુઓ દ્વારા અને લિંગી પ્રજનન સમયુગ્મન, વિષમયુગ્મન કે અંડયુગ્મન દ્વારા કરે છે. ઉચ્ચ કક્ષાની ફૂગમાં લિંગી પ્રજનનાંગો અવશિષ્ટ (reduced) બને છે.
શ્લેષીય ફૂગ(myxomycetes)માં કોષદીવાલનો અભાવ હોય છે. તે અમીબીય પદ્ધતિથી જીવભક્ષીકરણ (phagocytosis) કરે છે; દા.ત., સ્ટેમોનાઇટિસ.
યીસ્ટ, ગેરુ અને બિલાડીના ટોપ (mushrooms) યુમાયકોટા વિભાગની ફૂગ છે. યીસ્ટ એકકોષી, સૂક્ષ્મ અને ગોળ કે અંડાકાર હોય છે. તે શર્કરાયુક્ત દ્રાવણમાં મૃતોપજીવન ગુજારે છે. આ સ્થિતિમાં અજારક શ્વસન (anaerobic respiration) કરી ઇથાઇલ આલ્કોહૉલ ઉત્પન્ન કરે છે. તે કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.

આકૃતિ 3 : વિવિધ પ્રકારની ફૂગ : (અ) સ્કલેરોડર્માનું
પ્રકણીફળ (basidiocarp), (આ) લાયકોપડૉન, (ઇ) જિયાસ્ટર
ધાન્ય વનસ્પતિઓને ગેરુનો રોગ Puccinia નામની રોગજન્ય (pathogenic) ફૂગ દ્વારા લાગુ પડે છે. તે યજમાનના પ્રકાંડ કે પર્ણો ઉપર કથ્થાઈ, કાળા કે નારંગી રંગના બીજાણુઓ ઉત્પન્ન કરે છે.
Agaricus બિલાડીના ટોપના વર્ગની ફૂગ છે. છત્રી જેવો દેખાતો ભાગ પ્રકણીફળ નામનું પ્રજનન અંગ છે. તે અસંખ્ય, સૂક્ષ્મ પ્રકણી બીજાણુઓ (basidiospores) ઉત્પન્ન કરે છે. બિલાડીના ટોપની કેટલીક જાતિઓ ખાદ્ય તો કેટલીક અત્યંત ઝેરી પણ હોય છે.
લાઇકેન બે જુદી જુદી વનસ્પતિઓ દ્વારા બનતો એક સંયોજિત (combined) સુકાય બનાવે છે. તે પૈકી એક લીલ અને બીજી ફૂગ હોય છે. ફૂગની કવકજાલ વચ્ચે લીલ નિવાસ કરે છે. ફૂગ લીલને આધારતલમાંથી પાણી અને અકાર્બનિક દ્રવ્યો પૂરાં પાડે છે. લીલ પ્રકાશસંશ્લેષણ દ્વારા ફૂગને કાર્બનિક પોષણ આપે છે. આમ લાઇકેન સહકારાત્મક સહજીવનનું ઉત્તમ ઉદાહરણ છે. તે પથ્થર, જમીન કે અન્ય વનસ્પતિઓ પર જીવન ગુજારે છે.
દગડફૂલ(Usnea)નો સુકાય ક્ષુપિલ (fruticose) પ્રકારનો હોય છે અને તે સુગંધિત હોય છે. તે દાળશાકમાં મસાલા તરીકે વપરાય છે. તે અન્ય વનસ્પતિના પ્રકાંડ પર લટકે છે અને બહુશાખિત રોમમય હોય છે. શાખાના અગ્રભાગે રકાબી જેવા ગોળ ધાની ફળો (ascocarp) આવેલાં હોય છે.
સરોજા કોલાપ્પન