એકાંગી મૅગ્મા

January, 2004

એકાંગી મૅગ્મા : એક જ ઘટકનો બનેલ મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં ઉદભવતા ખડકોના પીગળેલા રસને મૅગ્મા કહે છે. તે ઠંડો પડતાં અંત:કૃત અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. આ ખડકો મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન સ્ફટિકીકરણથી ઉત્પન્ન થતા ખનિજ કે ખનિજસમૂહોના બનેલા હોય છે. અગ્નિકૃત ખડકોના અવલોકન ઉપરથી મૂળ મૅગ્મા એક જ ઘટકનો (એકાંગી મૅગ્મા) બનેલો છે કે ઓછીવત્તી માત્રામાં રહેલ અનેક ઘટકોનો બનેલો છે તે નક્કી કરી શકાય છે. એકાંગી મૅગ્મામાંથી બનેલા અગ્નિકૃત ખડકો જૂજ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે બે ઘટકોથી બનેલા અગ્નિકૃત ખડકો અસામાન્ય હોય છે. એકાંગી મૅગ્માની સ્ફટિકીકરણની ક્રિયા અગ્નિકૃત ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોના કદનો તફાવત સમજવામાં ઉપયોગી થઈ પડે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે