ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના નામથી ઓળખવામાં આવે છે. તનનસામર્થ્ય (tensile strength) તથા ઘણાં રસાયણો સામે અને ઊંચા તાપમાને (7000થી 8000 સે.) ટકી રહેવાની તેની ક્ષમતાને કારણે તેના 1,000થી વધુ ઉપયોગ છે. જોકે તેનો 70 %થી વધુ ઉપયોગ ઍસ્બેસ્ટૉસ સિમેન્ટનાં પતરાં બનાવવામાં થાય છે.
સૌપ્રથમ મૉન્ટેગ્યુ મુરે (1890) આ રોગનું વર્ણન કર્યું અને કૂકે (1927) તેનું અંગ્રેજીમાં નામકરણ કર્યું. ઍસ્બેસ્ટૉસના 3 માઇક્રૉનથી નાના વ્યાસના અને 5 માઇક્રૉનથી લાંબા તંતુઓ શ્વાસનળી, શ્વસનનલિકાઓ (bronchii) અને શ્વસનિકાઓ (bronchites) દ્વારા ફેફસાંના વાયુપોટા(alveoli)માં પ્રવેશે છે, ત્યારે શારીરિક પ્રતિભાવ રૂપે ત્યાં તંતુઓ બને છે. તેથી વાયુપોટાની દીવાલ જાડી થાય છે. તેને ફેફસીતંતુતા (pulmonary fibrosis) કહે છે. વાયુપોટાની જાડી દીવાલને કારણે તેમાં રહેલી હવા અને તેની આસપાસની કેશવાહિનીઓમાં રહેલા લોહીની વચ્ચે પ્રાણવાયુ અને અંગારવાયુની આપલે ઘટે છે. ફેફસાંમાં વાયુઓના પ્રસરણ (diffusion) માટેની ક્ષેત્રસપાટી ઘટે છે અને તેથી તેનાથી ઉદભવતા વિકારને ક્ષેત્રમર્યાદાજન્ય (restrictive) વિકાર કહે છે. ફેફસાંમાં ઉદભવતી અંતરાલીય (interstitial) તંતુતાને કારણે ફેફસાં વાદળી (sponge) જેવી સ્થિતિસ્થાપકતા પણ ગુમાવે છે. ઉપરાંત વાયુપોટોની આસપાસ પેરિફેફસીકલા(pleura)માં પણ તંતુતા વધે છે, તંતુચકતીઓ (plaques) બને છે અને ક્યારેક તેમાં મધ્યત્વકીયઅર્બુદ (mesothelioma) નામનું કૅન્સર પણ વિકસે છે. તેવી જ રીતે ફેફસાંમાં પણ ક્યારેક કૅન્સર થાય છે.
અન્ય ફેફસીતંતુતા કરતાં રોગોની માફક ઍસ્બેસ્ટૉસ-તંતુતાનો દર્દી સૌપ્રથમ ધીમે ધીમે વધતી હાંફની ફરિયાદ કરે છે. ઘણી વખત છાતીમાં દુખાવો થાય છે. શરૂઆતના તબક્કામાં ખાંસી થતી નથી, પરંતુ ધૂમ્રપાન કરતા કે દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ(chronic broncitis)વાળા દર્દીને ગળફા પડે છે. તંતુના ફેફસાંના નીચેના ભાગમાં શરૂ થતી હોવાને કારણે ત્યાં સ્ટેથોસ્કોપ વડે ‘ખરખર’ (crepitation) અવાજ સાંભળી શકાય છે. દીર્ઘકાલી શ્વસનનલિકાશોથના દર્દીમાં શ્ર્વસનિકાઓના ઉચ્છ્વાસ-સમયે થતા સંકોચનને કારણે ‘સિસકાર’ (rhonchi) અથવા ‘હાંફધ્વનિ’ (wheezing) પણ સંભળાય છે. દર્દીની આંગળીઓનાં ટેરવાં અને નખ ઊપસી આવીને ગદાકાર (clubbing) થાય છે. પ્રાણવાયુની ઊણપ થાય તો નખ ભૂરા થાય છે અને તેને નીલિમા (cyanosis) કહે છે. હૃદયના કાર્યની નિષ્ફળતા ઉદભવે તો મૃત્યુ થાય છે.
નિદાન માટે છાતીનું ઍક્સ-રે ચિત્રણ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા(International Labour Organisation, ILO)એ ધૂલિજન્ય ફેફસીશોથ(pneumoconiosis)નું 1980માં વર્ગીકરણ કર્યું છે. તેની સૂચના પ્રમાણે 3 નિષ્ણાત તબીબો અલગ અલગ રીતે છાતીનાં ઍક્સ-રે ચિત્રણ જોઈને તેને ઓછામાં ઓછું 1/0 વર્ગમાં મૂકે તો તે નિદાનસૂચક ગણાય છે. ઍક્સ-રે ચિત્રણમાં સૌપ્રથમ ફેફસાના નીચલા ભાગમાં અનિયમિત રેખાઓ જોવા મળે છે. રોગનું પ્રમાણ વધતાં રૈખિક ડાઘાઓ વધે છે તથા પેરિફેફસીકલામાં ઝડપથી કે ધીમે ધીમે તંતુચકતીઓ થાય છે અને પેરિફેફસીકલા જાડી થતી જાય છે. ફેફસાંનો નીચેનો ભાગ ઘસેલા કાચ (ground glass) જેવો દેખાય છે.
ઍક્સ-રે ચિત્રણ ઉપરાંત શ્વસનમાપક(spirometer)ની મદદથી ફેફસાંની કાર્યક્ષમતાની કસોટીઓ (pulmonary function tests) પણ કરાય છે. ઊંડો શ્વાસ લીધા પછી પૂરા જોરથી જેટલો ઉચ્છવાસ કાઢી શકાય તેને કાર્યશીલ શ્વસનક્ષમતા (functional vital capacity – FVC) કહે છે. ઉચ્છવાસની પ્રથમ સેકન્ડમાં જેટલો વાયુ નીકળે તેને કાર્યશીલ ઉચ્છવાસી વાયુકદ-1 (functional expiratory volume-1, FEV1) કહે છે. FEV1 અને FVCના ગુણોત્તર પ્રમાણના ટકાને FEV1 % વડે દર્શાવાય છે. ઍસ્બેસ્ટૉસતંતુતાના દર્દીને ક્ષેત્રમર્યાદાજન્ય ફેફસીવિકાર થયો હોવાથી તેની FVC ઓછી હોય છે, પરંતુ FEV1 % સામાન્ય હોય છે. જો દર્દીને સાથે સાથે અવરોધજન્ય ફેફસીવિકાર હોય તો બંને વિકારોની સંયુક્ત અસર રૂપે FVC અને FEV1 % બંને ઘટે છે. (જુઓ આકૃતિ 2). પાછલાં 10 વર્ષમાં ઓછાંમાં ઓછાં 10 વર્ષ માટેનો ઍસ્બેસ્ટૉસનો સંસર્ગ (exposure) અને ઍક્સ-રે ચિત્રણમાં દેખાતી વિકૃતિઓ નિદાન માટે આવશ્યક છે, જ્યારે છાતીમાં સ્ટેથોસ્કોપથી સંભળાતો ખરખર અવાજ અને વિકારસૂચક ફેફસીકાર્યક્ષમતા કસોટીઓ ફક્ત રોગની શક્યતા સૂચવે છે.
સારવાર, વળતર અને પ્રતિરોધ : આ રોગની કોઈ વિશિષ્ટ સારવાર નથી. માટે વળતર અને પ્રતિરોધ (prevention) મહત્વનાં ગણાય છે. દર્દીને તકલીફોથી રાહત રહે તેવી સારવાર અપાય છે. તેને તેનું કાર્યક્ષેત્ર બદલવા સૂચવાય છે. કામદાર રાજ્ય વીમા યોજના (ESIS) અને કારખાનાનો માલિક યોગ્ય વળતર ચૂકવે એવી કાયદાકીય જોગવાઈઓ છે. (જુઓ : અપંગતા અને વળતર.) આ રોગને અટકાવવા વિવિધ પગલાં સૂચવાયાં છે (જુઓ આરોગ્ય અને રોગપ્રતિરોધ.) યંત્રશાસ્ત્રીય (engineering) પગલાં રૂપે ઍસ્બેસ્ટૉસને બદલે ઓછા હાનિકારક ગ્લાસવુલ કે રૉકવુલનો ઉપયોગ, કારખાનાનું ભેજવાળું વાતાવરણ અને ઍસ્બેસ્ટૉસના તંતુઓવાળી હવાને બહાર ધકેલવા માટે બહિર્માર્ગી વાતાયન(exhaust-ventilation)ની યોજના રાખવાનું સૂચવાય છે. તેને કારણે હવામાંની તેની તંતુતા 2 તંતુ/ઘન સેમી.થી ઓછી રહે છે. તબીબી પગલાં રૂપે, નોકરીએ રાખતાં પહેલાં અને નોકરીએ રાખ્યા પછી દર બે વર્ષે નિયમિત તપાસ કરવાથી રોગવશ્ય (susceptible) દર્દીમાં તેને શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે. આવા દર્દીને અન્યત્ર નોકરી કરવા સૂચવાય છે. આ ઉપરાંત આરોગ્યવિષયક યોગ્ય શિક્ષણ દ્વારા ધૂમ્રપાનનો નિષેધ સૂચવી શકાય છે તથા રોગનો ખોટો ભય કે ચિંતા પણ ઘટાડી શકાય છે.
શિલીન નં. શુક્લ
સુધીર કે. દવે