ઍસ્ક્લેપિયેડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (bicarpellatae), ગોત્ર – જેન્શિયાનેલ્સ, કુળ – ઍસ્ક્લેપિયેડેસી. આ કુળમાં લગભગ 280 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળભૂત રીતે તે ઉષ્ણકટિબંધીય કુળ છે, છતાં બહુ ઓછી પ્રજાતિઓ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં પણ થાય છે. દક્ષિણ આફ્રિકામાં તેની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની જાણીતી જાતિઓમાં આકડો (calotropis procera અને C. gigantea), રબરવેલ (cryptostegia grandiflora), અનંત મૂળ (hemidermus), ડોડી (leptadenia), ચમારદૂધેલી (pergularia), Ascdepias curassavica અને Hoya carnosa છે.
આ કુળની જાતિઓ ક્ષીરરસયુક્ત શાકીય, વળવેલ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિ રસાળ (fleshy) ‘કૅક્ટસ’ જેવી હોય છે. વૃક્ષો ક્વચિત જ જોવા મળે છે. ક્ષીરરસ કડવો અથવા ઝેરી હોય છે. Dischidia rafflesiana નામની પરરોહી જાતિ અસ્થાનિક મૂળો દ્વારા આરોહણ કરે છે. પ્રકાંડ નીચેની તરફનું કાષ્ઠમય અને ઉપરની તરફનું શાકીય હોય છે. Hoyaમાં પ્રકાંડ રસાળ હોય છે. પર્ણો સાદાં, અખંડિત, મોટાભાગની જાતિઓમાં સંમુખ કે ચક્રિલ (whorled), ભાગ્યે જ એકાંતરિક અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. Dischidiaમાં પર્ણો કળશમાં રૂપાંતર પામે છે, જેમાં પાણી એકત્રિત થાય છે અને તેના શોષણ માટે અસ્થાનિક મૂળતંત્ર વૃદ્ધિ પામે છે. Hoyaમાં પર્ણો રસાળ હોય છે. Stapelia(દક્ષિણ આફ્રિકીય મરુદભિદ્ પ્રજાતિ)નાં પર્ણો કંટ(spines)માં કે શલ્કમાં ફેરવાય છે.
પુષ્પવિન્યાસ બે પ્રકારના હોય છે : (1) પરિમિત દ્વિશાખી કે એકશાખી, અથવા (2) અપરિમિત કે છત્રક. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી અને સ્ત્રીકેસરચક્ર સિવાય પંચાવયવી હોય છે. વજ્ર 5 મુક્ત કે તલસ્થ ભાગેથી યુક્ત વજ્રપત્રોનું બનેલું હોય છે. તેનો પુષ્પદલવિન્યાસ (aestivation) પંચકી (quincuncial) પ્રકારનો હોય છે. દલપુંજ 5 યુક્ત દલપત્રોનો બનેલો હોય છે. તેઓ વ્યાવૃત (contorted) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. પુષ્પમુકુટ (corona) 5 સાદા શલ્કો કે ઉપાંગોમાં ફેરવાય છે; જેઓ કાં તો દલપુંજનલિકા (દા. ત., રબરવેલ) અથવા પુંકેસરીય નલિકા (આકડો અને ઍસ્ક્લેપિયાસ) અથવા બંને સાથે જોડાય છે અને તેમને અનુક્રમે દલમુકુટ કે પુંકેસરીય મુકુટ કહે છે. પુંકેસરચક્ર 5 પુંકેસરોનું બનેલું હોય છે. મોટેભાગે દલપુંજના તલસ્થ ભાગે જોડાયેલા અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. રબરવેલમાં પુંકેસરો મુક્ત હોય છે. પુંકેસરોના તંતુઓ ચપટા બની પરસ્પર જોડાઈ બીજાશયની ફરતે પુંકેસરીય નલિકા બનાવે છે. આ નલિકાની ટોચ પંચકોણીય પરાગાસન સાથે જોડાઈને પુંજાયાંગક (gynostegium) બનાવે છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને પરાગાસનની ફરતે સંસક્ત (coherent) હોય છે. પરાગાશયના પ્રત્યેક ખંડમાં પરાગચતુષ્કો (pollen tetrads) કણિકામય જથ્થાઓમાં પરિવર્તન પામ્યા હોય છે (દા. ત., રબરવેલ) અથવા આકડાની જેમ પરાગપિંડ(pollinia)માં પરિણમ્યા હોય છે. પાસપાસેના પરાગાશયના ખંડોના પરાગપિંડો દંડ (caudicles) અને ગ્રંથિ (corpusculum) દ્વારા યુગ્મમાં જોડાય છે. ગ્રંથિ પરાગાસનના ખૂણા સાથે જોડાય છે. પરાગપિંડમાં અસંખ્ય પરાગરજ એકબીજા સાથે ચોંટેલી હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિમુક્તસ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ અને પુંકેસરીય નલિકા દ્વારા ઘેરાયેલું હોય છે. અંડકો અસંખ્ય અને જરાયુવિન્યાસ ધારાવર્તી (marginal) હોય છે. પરાગવાહિનીઓ 2 અને મુક્ત હોય છે. પરાગાસન પંચકોણીય બિંબ જેવું હોય છે. તેની સાથે પરાગાશયો જોડાઈ પુંજાયાંગકની રચના કરે છે. સમૂહ ફળ પ્રકારનું ફળ બે ફલિકાઓનું બનેલું હોય છે. પ્રત્યેક ફલિકા એકસ્ફોટી (follicle) હોય છે. કેટલીક વાર એક ફલિકા વંધ્ય હોય છે. બીજ અસંખ્ય હોય છે અને ફૂમતાદાર બહિરુદભેદો ધરાવે છે, જેઓ બીજવિકિરણમાં મદદરૂપ થાય છે.
આ કુળ ઍપોસાયનેસી સાથે ગાઢ સંબંધ ધરાવે છે; પરંતુ ધારાસ્પર્શી દલપુંજ, પરાગપિંડોની હાજરી, પુંજાયાંગક વગેરે લક્ષણો દ્વારા ઍપોસાયનેસીથી જુદું પાડી શકાય છે.
Asclepias, Hoya, Stapelia, Huernia, Periploca, Ceropegia અને Cryptostegia જેવી પ્રજાતિઓ ઉદ્યાનમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. રબરવેલ(cryptostegia grandiflora)માંથી નૈસર્ગિક રબર મેળવવામાં આવે છે. આકડાની બંને જાતિઓ(c. procera અને C. gigentia)નાં મૂળનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. તેનો કડવો રસ મનુષ્ય માટે ઝેરી હોવા છતાં બકરાં તેનાં પર્ણો ખાય છે. Mateleaનો રસ તીરને ઝેર ચઢાવવામાં ઉપયોગમાં લેવાય છે. મધુનાશિનીની એક જાતિ(Gymnema lactiferum, શ્રીલંકા મિલ્ક પ્લાન્ટ)નો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થાય છે.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ