ઍસ્કસ્કોલ્ઝિયા : દ્વિદળી વર્ગના પેપાવરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય નાનકડી પ્રજાતિ. તે ઉત્તર અમેરિકાની મૂલનિવાસી છે અને ઉદ્યાનોમાં તેનાં સુંદર પુષ્પો માટે ઉગાડાય છે. દારૂડી અને અફીણ તેની સહસભ્ય વનસ્પતિઓ છે.

કૅલિફૉર્નિયન પૉપી (Eschscholzia californica cham.) ભારતીય ઉદ્યાનોમાં ઉગાડાતી ટટ્ટાર કે ભૂપ્રસારી બહુવર્ષાયુ 30 સેમી.થી 45 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેનાં પર્ણો એકાંતરિક, લાંબા પર્ણદંડવાળાં (horry), શ્વેત રોમિલ અને વિભાજિત હોય છે. તેનાં પુષ્પો 10 સેમી.થી 15 સેમી. વ્યાસવાળાં, પીળાં, કેસરી-પીળાં, બદામી કે આછા પીળા રંગનાં અને રકાબી આકારનાં હોય છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂરા તડકામાં લૉનની કિનારી પર ખીલતાં પુષ્પો રમણીય લાગે છે. પુષ્પો લાંબા સમય સુધી અને પુષ્કળ પ્રમાણમાં બેસે છે. તેઓ બે વજ્રપત્રો, ચાર દલપત્રો, અસંખ્ય પુંકેસરો અને પરિજાય (perigynous) સ્ત્રીકેસરચક્ર ધરાવે છે. આ વનસ્પતિને ધરુ તૈયાર કરીને વાવવાનું માફક આવતું નથી. તેથી ઉદ્યાનની સામાન્ય ભૂમિમાં બી રોપીને છોડ સીધેસીધો એકવર્ષાયુ તરીકે ઉછેરાય છે. આ જાતિની ઘણી ઉદ્યાન-જાતો વિકસાવવામાં આવી છે.

તેના મૂળમાં કૅલરીથ્રિન , α અને β-ઍલોક્રીપ્ટોપિન (C21H23O5N), પ્રોટોપિન (C20H19O5N), સૅન્ગુનરિન  જેવાં આલ્કેલૉઇડો હોય છે. બ્રિટનથી પ્રાપ્ત મૂળ માત્ર આયોનિડિન (C19H25O4N4) ધરાવે છે. મૂળમાં શર્કરાઓ, રાળમય પદાર્થો અને રંગદ્રવ્ય ઉપરાંત એક ગ્લાયકોસાઇડ અને સક્સિનિક ઍસિડ હોવાનું જણાયું છે. સમગ્ર છોડમાં હાઇડ્રૉઆયેનિક ઍસિડ હોય છે. તેની પુષ્પકલિકાઓમાં રુટિન (C27H30O16) અને જાંબલી રંજકદ્રાવ્ય ઍસ્કસ્કોલ્ટ્ઝ-ઝેન્થિન (C40H34 ± 2O2) હોય છે. મૂળમાં રહેલાં આલ્કેલૉઇડોની મંદ સ્વાપક (narcotic) અને શ્વસનસંબંધી અસરો હોય છે; તેથી તેનું ચિકિત્સીય (therapeutic) મહત્વ નથી.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ