ઍસ્કોર્બિક ઍસિડ : વિટામિન ‘સી’ તરીકે ઓળખાતું અગત્યનું કાર્બનિક સંયોજન. અણુસૂત્ર C6H8O6. ખલાસીઓને લાંબી સફર દરમિયાન લીલાં શાકભાજી કે ફળો નહિ મળવાને કારણે સ્કર્વી નામનો રોગ થતો. આના ઉપચાર તરીકે નારંગી અને લીંબુ અસરકારક છે તેમ 1953માં હોકિન્સે શોધી કાઢ્યું. 1911માં ફુંકે સ્કર્વી અટકાવનાર તરીકે ખોરાકના એક ઘટકની કલ્પના કરી. 1928માં કોબીજ-મરચાં વગેરેમાંથી સ્કર્વીરોધી (antiscurvy) પદાર્થ શોધી કાઢ્યો, જેને પાછળથી વિટામિન ‘સી’ તરીકે ઓળખવામાં આવ્યો તે કાર્બોહાઇડ્રેટનું વ્યુત્પન્ન છે અને તેનું શાસ્ત્રીય નામ 3-ઑક્સો-L-ગ્યુલોફ્યૂરેનોલૅક્ટોન છે. ગ.બિં. 1900-1920 સે., પાણીમાં દ્રાવ્ય, સ્વાદ ખાટો, શુદ્ધ સ્થિતિમાં પ્રમાણમાં સ્થાયી, આલ્કલી દ્રાવણમાં અસ્થાયી, હવા અને તાંબાની હાજરીમાં ઉપચયન થતાં વિઘટન પામે છે. તે ગરમીથી પણ નાશ પામે છે.

હાવર્થ અને રાઇકસ્ટાઇને એકબીજાથી સ્વતંત્રપણે તેનું સંશ્લેષણ કર્યું હતું. વેપારી ધોરણે તે ગ્લુકોઝમાંથી સંશ્લેષિત રીતે મેળવાય છે. આમાં ગ્લુકોઝનો C6 વિટામિન ‘સી’નો C1 બને છે. કુદરત પણ ગ્લુકોઝમાંથી આ વિટામિન બીજી પદ્ધતિથી બનાવે છે, જેમાં ગ્લુકોઝનો C1 વિટામિન Cનો C1 બને છે.

વિટામિન ‘સી’નું શરીરમાંનું કાર્ય સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી. તે શરીરની ઘણી ચયાપચયી (metabolic) પ્રક્રિયાઓમાં જરૂરી છે. ખાસ કરીને કોલાજેન (એક પ્રોટીન), જે તંદુરસ્ત ચામડી, સ્નાયુબંધ (tendons), હાડકાં અને આલંબન-પેશીઓમાં હાજર હોય છે અને ઘા રૂઝવવામાં અગત્યનું છે. તેના સંશ્લેષણમાં વિટામિન ‘સી’ અગત્યનો ભાગ ભજવે છે.

મનુષ્ય, ડુક્કર અને કેટલાંક આદિમ પ્રાણીઓ આ વિટામિન શરીરમાં પેદા કરી શકતાં નથી તેથી દૈનિક ખોરાકમાં તે જરૂરી બને છે. મનુષ્યની રોજની જરૂરિયાત 70 મિગ્રા. છે. ખાટાં ફળો, યકૃત, દૂધ અને લીલાં શાકભાજીમાંથી તે મેળવી શકાય. સ્કર્વી (પેઢાં પોચાં પડી લોહી નીકળવું), પાંડુતા, નબળાઈ, સાંધાનો દુખાવો અને અન્નનળીના રક્તસ્રાવમાં, વાઢકાપ પછી ઘાને ઝડપથી રૂઝવવા, ચેપ સામે અને દાઝવાની ઈજામાં તે વપરાય છે. અતિ મોટી માત્રા(1,000 મિગ્રા. ઉપર)માં આ વિટામિન લેવાથી સામાન્ય શરદી અને વિષાણુના હુમલા સામે પ્રતિકાર મળે છે તથા શારીરિક અને માનસિક શ્રમ કે દાબ(stress)ની સ્થિતિમાં શરીરને મદદરૂપ બને છે તેવો એક મત છે.

જ. પો. ત્રિવેદી