ઍસ્કોમાયસિટ્સ (Ascomycetes) : માનવ સહિત જુદાં જુદાં પ્રાણી તેમજ વનસ્પતિઓમાં મૃતોપજીવી (saprophytic) અથવા પરોપજીવી (parasitic) જીવન પસાર કરનાર, માયકોટા વિભાગના એક વર્ગની ફૂગ. એકકોષીય અથવા તંતુમય દેહરચના. તંતુઓ વિકસિત, શાખીય અને ખંડીય. કોષદીવાલ કાઇટિનયુક્ત. જાતીય પ્રજનનમાં ધાની (ascus), 4થી 1,024 જેટલાં ધાની બીજાણુઓ(ascopores)નું નિર્માણ, દ્વિભાજ (fission), કલિકા (budding), વિખંડન (fragmentation) અથવા કણ્યવસ્થ (oidium), કંચુકબીજાણુ (chlamydospore) કે કણબીજો (conidia) દ્વારા અજાતીય પ્રજનન. કેટલીક ફૂગ ખોરાક કે આથવણક્રિયામાં ઉપયોગી હોય છે. અન્ય કેટલીક ફૂગ રોગકારક હોય છે. ઍસ્કોમાયસિટ્સ ફૂગના કેટલાક દાખલા : ન્યૂરોસ્પોરા, પેનિસિલિયમ, ઍસ્પર્જિલસ, પવાલા-ફૂગ (cup-fungus), ટ્રફલ્સ વગેરે.

હરિવદન હીરાલાલ પટેલ