ઍસિસ્ટેસિયા : વનસ્પતિઓના ઍકેન્થેસી કુળમાં આવેલી એક શોભન પ્રજાતિ. તે શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠ જેટલી જાતિઓ થાય છે અને તેમાં Asystasia bella Benth. & Hook. f. નામની એક દક્ષિણ આફ્રિકાની જાતિનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
A. gangetica (Linn.) T. Anders. syn. A. coromandeliana Wight ex. Nees (મલ. ઉપ્પુથલી, ત. મેડ્ડેકીરાઈ). ટટ્ટાર કે ભૂસર્પી (procumbent) શાકીય જાતિ છે અને દ્વીપકલ્પીય (peninsular) ભારત, ઓરિસા અને પશ્ચિમ બંગાળમાં ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેનું પ્રકાંડ બહુશાખી, ચતુષ્કોણી અને અરોમિલ (glabrous) હોય છે. પર્ણો ઉપરની બાજુએ ઘેરાં લીલાં અને નીચેની બાજુએ આછા લીલા રંગનાં, અંડાકાર અને રેખાંકિત (lineolate) હોય છે. પુષ્પો લાંબી શૂકી-સમ કલગી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન થાય છે. પુષ્પદંડોની નીચે નિપત્રો અને નિપત્રિકાઓની હાજરી હોય છે. પુષ્પો સફેદ કે જાંબલી રંગનાં હોય છે. દલપુંજનલિકા પીળી હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, રોમિલ અને 4-બીજમય હોય છે.
આ જાતિને છાંયો અનુકૂળ છે. તે ઉદ્યાનોમાં ક્યારીઓમાં અને લોનની કિનારીઓ ઉપર શોભે છે. તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થાય છે અને તેનાં કુમળાં પર્ણો થાયેમિનનો સારો સ્રોત ગણાય છે. એક રાસાયણિક વિશ્લેષણ પ્રમાણે તે પાણી 78.1 %, પ્રોટીન 3.35 %, મેદ 0.9 %, અશુદ્ધ રેસો 0.8 %, ભસ્મ 1.93 %, કૅલ્શિયમ 216.5 મિગ્રા., ફૉસ્ફરસ 26.6 મિગ્રા., લોહ 1.3 મિગ્રા., કૅરોટિન 5.7 મિગ્રા., થાયેમિન 0.16 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.18 મિગ્રા., નાયેસિન 1.0 મિગ્રા. અને ઍસ્કોર્બિક ઍસિડ 26.2 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. પુષ્પોમાં લ્યુટિયોલીન, લ્યુટિયોલીન-7-ગ્લુકોસાઇડ અને આઇસોસેલીપર્પોસાઇડ હોય છે. બીજમાંથી 16 % જેટલું તેલ પ્રાપ્ત થાય છે.
વનસ્પતિ ખંજવાળરોધી (antipruritic) તરીકે લગાડવામાં આવે છે. તે સ્તન્યવર્ધક (galactogogue) છે. વનસ્પતિનો રસ સોજા ઉપર, કૃમિ અને સંધિવામાં આપવામાં આવે છે. પર્ણો અને પુષ્પો આંત્રીય સંકોચક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. પર્ણોનો ઘેટાઓના ચારા તરીકે ઉપયોગ થાય છે.
A. travancorica Bedd. મોટો શોભન-ક્ષુપ છે. તેનાં પર્ણો સાંકડાં હોય છે અને તામિલનાડુની તિરુનેલ્વેલી અને અનાઇમાલાઈના પહાડી પ્રદેશોમાં અને કેરળમાં 900 મી.થી 1,000 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેની વિવિધ જાતો સફેદ, આછા પીળાં, ગુલાબી કે વાદળી રંગનાં પુષ્પો ધરાવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ