એ.સી.ટી.એચ. : અગ્ર પીયૂષિકા (pituitary) ગ્રંથિનો અધિવૃક્કબાહ્યક(adrenal cortex) માટેનો ઉત્તેજક અંત:સ્રાવ (adreno-corticotrophichormone, ACTH). 39 ઍમિનો ઍસિડપેપ્ટાઇડવાળો અને 45,000 અણુભારવાળો તેનો અણુ પ્રોએપિયોમિલેનોકોર્ટિન નામના એક મોટા અણુમાંથી બને છે. તેના ઍમિનો-ટર્મિનલ દ્વારા તે અધિવૃક્ક-બાહ્યકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજેનિક સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવોનો લોહીમાં પ્રવેશ વધારે છે. તે નિશ્ચિત સ્વીકારો (receptors) સાથે જોડાઈને 3’-5’ ચક્રીય એ. એમ. પી. દ્વારા તેમનું ઉત્પાદન પણ વધારે છે. તેની અધિકતાથી ચામડીની વર્ણકતા (pigmentation) વધે છે.

દા.ત., એડિસનનો રોગ, નેલ્સનનો રોગ લોહીમાંના તેના ઓછા પ્રમાણને કારણે, તેની રાસાયણિક અસ્થિરતાને કારણે તથા તેની રચનાને મળતા આવતા અન્ય પેપ્ટાઇડની હાજરીને કારણે લોહીમાંના તેના પ્રમાણનું વિકિરણ-પ્રતિરક્ષાલક્ષી આમાપન (radioimm-unoassay, RIA) નામની કસોટી વડે માપ કઢાય છે. તે પદ્ધતિ કઠિન હોય છે. સવારના સમયનું પાયાનું પ્રમાણ 10થી 20 પાઇકો ગ્રા./મિ.લી.થી 100 પાઇકો ગ્રા./મિ.લી. જેટલું હોય છે. તેના પ્રમાણમાં ઘણી વધઘટ થાય છે. તેથી તેના આમાપન માટે લોહીને અતિશીત (chilled) હિપેરીનવાળી કસનળીમાં લઈને તેમાંનું પ્લાઝ્મા તરત છૂટું પાડવામાં આવે છે. પ્લાઝ્માને પણ તરત થીજવી દેવામાં આવે છે. વિવિધ સંવેદનાઓ અધશ્ર્ચેતક(hypothalamus)ના કોર્ટિકો-ટ્રોફિન વિમોચક અંત:સ્રાવ(CRH અથવા ACTH-RH)ની મદદથી લોહીમાંનું ACTHનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે સવારમાં વ્યક્તિ જમે તે પહેલાં આમ બને છે. સાંજના સમયે તેનું પ્રમાણ ઘટે છે. શારીરિક, માનસિક, ભૌતિક અને રાસાયણિક ત્રસ્તતા (stress) પણ CRH દ્વારા ACTHનું પ્રમાણ વધારે છે. પીડા, ઈજા, લોહીમાં ગ્લુકોઝનું ઘટેલું પ્રમાણ, ઠંડી, શસ્ત્રક્રિયા, ખિન્નતા, જ્વરજનક પદાર્થો (pyrogeus), વાસોપ્રોસિનનું ઇન્જેક્શન વગેરે ACTH અને કોર્ટિકોસ્ટીરૉઇડના સ્રાવનો વધારો કરે છે. ખૂબ મોટી માત્રામાં લેવાતાં કોર્ટિકોસ્ટીરૉઇડ ઔષધો ACTHનું પ્રમાણ ઘટાડે છે. તેવી જ રીતે લોહીમાંનું કોર્ટિસોનનું પ્રમાણ પણ ACTH અને CRH પ્રમાણને ઘટાડે છે (જુઓ આકૃતિ.) આ પ્રકારનું પ્રતિપોષી (feed back) નિયમન ઝડપી અને ધીમું – એમ બે પ્રકારનું છે. કોર્ટિસોનના પ્રમાણમાં થતો વધારો ઝડપી પ્રતિપોષી નિગ્રહણ (inhibition) કરે છે, જ્યારે કોર્ટિસોનનું કુલ પ્રમાણ ધીમું એમ બે પ્રકારનું છે. કોર્ટિસોનના પ્રમાણમાં થતો વધારો ઝડપી પ્રતિપોષી નિગ્રહણ કરે છે. અગ્રપીયૂષિકાગ્રંથિ દ્વારા અથવા ફેફસાં, વક્ષસ્થ ગ્રંથિ (thymus), સ્વાદુપિંડ(pancreas)ના દ્વીપકોષો (islet cells), ગર્ભાશયગ્રીવા(cervix)ના કૅન્સરની ગાંઠોમાં કે ધૂલીરંજકકોષાર્બુદ-(pheochromocytoma)માં અન્યસ્થાની (ectopic) રૂપે ACTHનું વધુ ઉત્પાદન થાય તો કુશિંગ(Cushing)ના સંલક્ષણ નામનો રોગ થાય છે. (જુઓ : અંત:સ્રાવી ગ્રંથિતંત્ર અને કુશિંગનો રોગ.)

શિલીન નં. શુક્લ

ભરત ત્રિવેદી