ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય

January, 2004

ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય, ઇજિપ્ત : પ્રાચીન વિશ્વનાં ગ્રંથાલયોમાં સૌથી જાણીતું થયેલું ઇજિપ્તના ઍલેક્ઝાંડ્રિયા બંદરનું ગ્રંથાલય. ઈ. પૂ. ત્રીજી સદીમાં તેની ભવ્ય પરંપરાનો આરંભ થયો. ઇજિપ્તના ગ્રીક રાજાઓના ટૉલેમી વંશે તેની સ્થાપના કરી અને દીર્ઘ કાળ સુધી તેની જાળવણી કરી. પ્રારંભિક આયોજન ડિમિટ્રિયસ ફેલેરિયસે કર્યું. તેનો ઍથેન્સના ગ્રંથાલયનો અનુભવ તેને કામ આવ્યો. ગ્રંથાલય અને સંગ્રહાલય બંને વિદ્યાશાખા પ્રમાણે વિભક્ત કરી દરેકના મુખ્ય સંચાલકપદે આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી. કર્મચારીઓનું વેતન રાજા ચૂકવતા. મુખ્ય ગ્રંથાલય-સંગ્રહાલય રાજાના મહેલના સંકુલમાં હતાં. પ્રદેશ બ્રુખાઇયમ નામે ઓળખાતો. સારાપિસ મંદિરમાં રાજા ટૉલેમી તૃતીયે ઈ. પૂ. 235 આશરે એક નાના ‘પુત્રી’ ગ્રંથાલયની સ્થાપના કરી હતી. રાજાની ઇચ્છા ગ્રંથાલયને વિશ્વગ્રંથાલય બનાવવાની હતી. વિશ્વના દરેક દેશના ઉત્તમ ગ્રંથો ઉપલબ્ધ થાય તેવી યોજના હતી. ત્યારે સામાન્ય વિશ્વભાષા પ્રચારમાં નહિ હોવાથી બીજી ભાષાના ગ્રંથોનું ગ્રીકમાં ભાષાંતર કરાવવાની વ્યવસ્થા પણ હતી. છેક ભારત સુધી તપાસ કરાવી ભારતીય ગ્રંથો મેળવવા પ્રયાસ થયા હતા. જોકે આ કાર્ય ધાર્યા જેટલું સફળ થયું જણાતું નથી; કારણ કે ભાષાંતર કરાયેલા ગ્રંથોમાં ‘સેપ્ત્યુઅજિન્ટ’ જેવા નોંધપાત્ર ગ્રંથો રડ્યાખડ્યા જ હતા. ગ્રીસના યહૂદીઓએ ‘જૂના કરાર’નાં હિબ્રૂમાંથી ગ્રીકમાં કરેલાં ભાષાંતરોમાં આ સૌથી પ્રાચીન હતું. તે ઍલેક્ઝાંડ્રિયામાં જ ઈ. પૂ. 250માં થયેલું.

ગ્રંથાલયની પ્રવૃત્તિઓમાં એક તે ગ્રીક કવિઓની ઍલેક્ઝાંડ્રિયા શાખાની રચનાની હતી. તેમાં કૃતિઓને તેમનાં નાનાંમોટાં માપ અનુસાર વર્ગીકૃત કરવામાં આવેલી. તે પછી વિરામચિહ્નો તથા ઉચ્ચારચિહનો લાગુ પાડવામાં આવ્યા હતાં. રાષ્ટ્રીય ગ્રંથસૂચિ તૈયાર કરવાનું કામ કેલિમેકસને સોંપવામાં આવેલું. બાયઝેન્ટાઇન યુગ સુધી તે ગ્રીક સાહિત્યનો ઉપયોગી સંદર્ભગ્રંથ રહ્યો; પણ, તે પછી નષ્ટ થયો. સંગ્રહાલય અને ગ્રંથાલય સદીઓ સુધી ટક્યાં. ત્રીજી સદીમાં રોમન સમ્રાટ ઓરેલિથનના સમયમાં આંતરવિગ્રહોમાં બંનેનો ધ્વંસ થયો. લઘુ ગ્રંથાલયનો ખ્રિસ્તીઓએ 391માં ધ્વંસ કર્યો. ઇતોલિયાના ગ્રીક કવિ ઍલેક્ઝાંડર ઇતોલસ ઈ. પૂ. 275ના અરસામાં ગ્રંથપાલ હતા. રાજા ટૉલેમીએ તેને કરુણાંત ગ્રંથોને જુદા તારવી તેમની સૂચિ બનાવવાનું વિશેષ કામ સોંપેલું. જોકે ઇતોલસની રચનાઓમાં અત્યારે તેના ‘પાસાના ખેલાડીઓ’ (Astra-galistae) નાટક સિવાય કશું ઉપલબ્ધ નથી. એની પછી ઈ. પૂ. 260માં રોડ્સનો એપોલોનિયસ મુખ્ય ગ્રંથપાલ હતા. નવા રાજા ટૉલેમી યુઅર્જેટિસ જોડે નહિ ફાવતાં 247 આસપાસ તે નિવૃત્ત થઈ રોડ્સ પાછા ગયા. ઈ. પૂ. 195માં બાયઝેન્ટિયમનો ઍરિસ્ટોફેનિસ મુખ્ય ગ્રંથપાલ નિમાયા. એ વિવેચક અને વૈયાકરણી હતા. સમૃદ્ધ ગ્રંથાલયની સગવડ મળતાં તેણે હોમર સહિત મોટા સર્જકોની કૃતિઓનું સંપાદન-વિવેચન કર્યું. તેણે ગ્રીક સુખાંત કૃતિઓનું વિવેચન લખ્યું; વિશિષ્ટ શબ્દો, પ્રાવૈધિક શબ્દો અને કહેવતોનું સંપાદન કર્યું; તેણે વ્યાકરણ વિશે લખ્યું; ભિન્ન ભિન્ન કાળમાં ઉત્તમ ઠરેલી સાહિત્યકૃતિઓની તેણે પ્રકારવાર તૈયાર કરેલી સૂચિઓ ‘ઍલેક્ઝાંડ્રિયાઈ કેનન’ નામે જાણીતી થઈ. ઈ. પૂ. ત્રીજી સદીમાં સાયરિનતો કેલિમેકસ રાજા ટૉલેમી ફિલાડેલ્ફિસ દ્વારા ગ્રંથાલયના સૂચિકાર નિમાયા. કોલિમેકસ (Callimachus)એ ઢગલાબંધ સૂચિઓ બનાવી. દુર્ભાગ્યે, તેમાંનું કશું બચ્યું નહિ. છેક વીસમી સદીમાં તેના અંશો મળ્યા. તેની સૂચિપદ્ધતિ અનુકરણીય લેખાઈ. ઍથેન્સનો રાજપુરુષ ડેમૉસ્થિનિસ ઈ. પૂ. 322માં અવસાન પામ્યા. તે પછીની સદીમાં ઍલેક્ઝાંડ્રિયા ગ્રંથાલયમાં ત્યારના ગ્રીક વિશ્વના વિદ્વાનો ટોળે વળ્યા. તેમનો ઉદ્દેશ હતો ડેમૉસ્થિનિસનાં ભાષણોનું સંપાદન. ડેમૉસ્થિનિસ તેના યુગના પ્રખર વક્તા હતા. તેનાં ભાષણો રોમના અભ્યાસક્રમનો ભાગ હતાં. ગ્રીક વૈદકવિદ્યાના પ્રણેતા હિપોક્રેટિસે તેના અભ્યાસકાળમાં વિશાળ ગ્રંથસંચય કરેલો. તેમાંથી તેના વિદ્યાલયનું ગ્રંથાલય ઊભું થયું. ઈ. પૂ. ત્રીજી કે બીજી સદીમાં આ સંગ્રહ ઍલેક્ઝાંડ્રિયા ગ્રંથાલયમાં ભેળવી દેવાયો. અહીં તેનું વર્ગીકરણ, સૂચિ, સંપાદન આદિ કાર્ય સંપન્ન થયું. તેમાં આટલા વિષયો છે : શરીરરચના, ચિકિત્સાશાસ્ત્ર, સ્ત્રીઓ તથા બાળકોના રોગો, પૂર્વનિદાન, આહારોપચાર, ઔષધોપચાર, શલ્યચિકિત્સા અને આચારસંહિતા. ઈ. પૂ. ત્રીજી સદીમાં ટૉલેમી દ્વિતીય ફિલાડેલ્ફિસે ગ્રંથાલયના વિસ્તાર પાછળ ઉદારતાથી નાણાં ખર્ચ્યાં. તેણે વિદ્વાનોને તેડાવી વિવિધ સંશોધનકાર્યો કરાવ્યાં. એ માટે વિશેષ કેન્દ્રની સ્થાપના કરી.

ગ્રંથાલયના પ્રથમ ગ્રંથપાલ ઈ. પૂ. 284માં ઇફેસસનો ઝેનોડૉટસ થયા. તે ગ્રીક કવિઓની કૃતિઓનાં – વિશેષત: હોમરની રચનાનાં વિવેચન-સંપાદન માટે જાણીતા હતા. તેમણે પ્રક્ષિપ્ત અને શંકાસ્પદ લીટીઓ કાઢી નાખી. આડીઅવળી લીટીઓ સવળી ગોઠવી. આમ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ – દરેકના 24 ખંડ કર્યા. જોકે તેમના સાથી ગ્રંથપાલ ઍરિસ્ટાર્કસે તેના સંપાદનની આકરી ટીકા કરી અને અવસર મળતાં પોતે તેમાં સુધારા કર્યા. ઝેનોડૉટસે સૂચિ પણ બનાવી. ગ્રંથાલયમાં પાંચ લાખ ગ્રંથો હતા, ત્યારે એ ગ્રંથો પેપિરસના વીંટા જેવી બાંધણી ધરાવતા હતા. ઈ. પૂ. 300થી ઈસુના જન્મ સુધીની ત્રણ સદીઓમાં પશ્ચિમમાં જીવશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસનું કેન્દ્ર આ ગ્રંથાલય હતું. હિરોફિલસ નામના શરીરશાસ્ત્રીએ મૃતદેહોને ચીરીને અંદરનાં અંગોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેની નોંધો કરી. ઇરાસિસ્ટ્રેપ્સ નામના બીજા વિજ્ઞાનીએ હૃદયનો અભ્યાસ કર્યો.

ગ્રંથાલયનો પ્રમુખ ગ્રંથપાલ પાટવીકુંવરના શિક્ષક તેમજ તે સમયનો મૂર્ધન્ય કવિ હતો. ગ્રંથાલયના સંશોધકોના પ્રયત્નથી મહામૂલી કૃતિઓની જાળવણી શક્ય બની. ઈ. પૂ. ત્રીજી અને બીજી સદીમાં ગ્રંથાલયના વિદ્વાનોએ ગ્રંથોને ભાષાની ર્દષ્ટિએ સુધાર્યા. તેમણે વિગતોની ભૂલો પણ સુધારી. ખૂટતી વિગતો ઉમેરી.

સાહિત્યનો અભ્યાસ કરવા જેવો છે એ વાત જ આ ગ્રંથાલયની સ્થાપના પછી સ્વીકાર પામી. આ પૂર્વે તે નહિ જેવો હતો અને તે પણ મૌખિક રૂપે ચાલતો હતો. આ સંજોગોમાં ઘણા પાઠોને ગંભીર હાનિ પહોંચી હતી. ગ્રંથપાલોનું એક ધ્યેય ગ્રીક ભાષાની દરેક કૃતિનો સંગ્રહ કરવાનું તથા તેની સૂચિ બનાવવાનું હતું. બીજું ધ્યેય નોંધપાત્ર રચનાઓનાં સંશોધિત સંસ્કરણો પ્રગટ કરવાનું હતું. આ ક્ષેત્રે ઍલેક્ઝાંડ્રિયાની પ્રતિષ્ઠા ઊંચી હતી. સંપાદન માટે જૂનામાં જૂની સુવાચ્ય કૃતિ પસંદ કરાતી. ટિપ્પણ તથા સુધારા ભિન્ન ગ્રંથ રૂપે લખાતા. સાહિત્યિક સંકેતચિહનો વપરાતાં. પાછળથી રોમના વિદ્વાનો આ પદ્ધતિને અનુસર્યા. શક્ય તેટલી ભિન્ન નકલો મેળવીને, સરખાવીને સંભવિત મૂળ કે સાચું લખાણ તારવવામાં આવતું. ત્રીજી સદીમાં આંતરવિગ્રહોમાં ગ્રંથાલય નાશ પામ્યું. લઘુ ગ્રંથાલયનો ખ્રિસ્તીઓએ ઈ. સ. 391માં ધ્વંસ કર્યો. તે પછી વર્તમાન ઇજિપ્તની સરકારે 2002માં તેને નવસંસ્કાર આપી વિદ્વાનોને અર્પણ કર્યું.

નવું ગ્રંથાલય : ઇજિપ્તની રાજધાની કૅરોથી 225 કિમી. અંતરે સાગરતટે આવેલું ઍલેક્ઝાંડ્રિયા ફરી એક વાર તેના ‘બિબ્લિયૉથેકા ઍલેક્ઝાંડ્રિયા’ના કારણે જગપ્રસિદ્ધ બન્યું છે. પ્રાચીન ભવ્ય ગ્રંથાલયનો તે નવો અવતાર છે.

ગ્રંથાલયનું આયોજન નવેસરથી કરાયું છે. તેમાં વિવિધ વિભાગો સમાવાયા છે. નૅશનલ સેન્ટર ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ વિશ્વભરમાંથી હસ્તપ્રતો એકઠી કરે છે; તેમનું વર્ગીકરણ અને સંપાદન કરે છે અને તેમને સુપેરે જાળવે છે. નોબલ વિભાગમાં નોબલવિજેતાઓની કૃતિઓ તથા તેમાં અભ્યાસ-સંશોધનની સગવડો ઉપલબ્ધ છે. ત્યાં એક વિશાળ સભાખંડ તથા લાઉન્જની વ્યવસ્થા છે. ગ્રંથો અંગ્રેજી, ફ્રેન્ચ અને અરબી ભાષામાં ઉપલબ્ધ છે. આ વિભાગનું ખર્ચ સ્વીડિશ દાતા તરફથી મળેલું. નોબલ પારિતોષિકનો આરંભ 1901માં થયો. ત્યારથી દરેક સાહિત્યવિજેતાની માહિતી ઉપલબ્ધ છે.

મુલાકાતીને બધે અથવા તેની ઇચ્છા પ્રમાણે ફરી શકે અને જોઈતી માહિતી મેળવી શકે તે માટે પ્રવેશદ્વારે જ ગાઇડની સહાય પૂરી પડાય છે. અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પૅનિશ તથા જર્મન ભાષાના જાણકાર ગાઇડ પરદેશી પ્રવાસીઓને જોઈતી માહિતી પૂરી પાડે છે. ગ્રંથાલયને છ માળ છે. બાંધણી નવીનતાવાળી છે. ઉપર તાપરોધક કાચની છત છે. ઢાળવાળા છાપરા જેવી છતમાંથી અભ્યાસીઓ ભૂમધ્યસાગરનાં દર્શન કરી શકે છે. પ્રકાશ-આયોજન એવું છે કે સર્વત્ર પ્રાકૃતિક પ્રકાશ ફરી વળે છે. પુસ્તકોનું વર્ગીકરણ કરી તેમને ભિન્ન ભિન્ન માળે રાખવામાં આવ્યાં છે. ચોરી અટકાવવા અધોરક્ત પ્રકાશ વડે પ્રવાસીને ખબર ના પડે તે રીતે તપાસની વ્યવસ્થા છે. આગ સામે રક્ષણની આધુનિક વ્યવસ્થા છે. વાતાનુકૂલન તથા લિફ્ટની સગવડ છેલ્લામાં છેલ્લી ઢબની છે. તેનો સભાખંડ આંતરરાષ્ટ્રીય પરિષદો માટે ઉપયોગી બને તેવી સુવિધાઓ ધરાવે છે.

ગ્રંથાલય વિભાગ પુસ્તકો આપે છે. અભ્યાસ-વિભાગમાં અભ્યાસીને જોઈતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બાળકો માટે વિશેષ વિભાગ છે. અંધજનો માટે બ્રેઇલ ગ્રંથોનો વિભાગ પણ છે. ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ થાય છે. છેલ્લામાં છેલ્લા પ્રસિદ્ધ થયેલા પુસ્તકની માહિતી સુધીની સઘળી માહિતી ઉપલબ્ધ કરાય છે. આજે આ ગ્રંથાલયમાં બે લાખ પચાસ હજારથી વધારે ગ્રંથો છે. તેમાં ઝડપથી નવાં ઉમેરાતાં જાય છે. પ્રતિદિન દસ હજાર જેટલા માણસો ગ્રંથાલયની મુલાકાત લે છે. એમાં પરદેશીઓ પણ હોય છે. ઍલેક્ઝાંડ્રિયાનાં જ નહિ, ઇજિપ્તનાં જોવાલાયક સ્થળોમાં ‘બિબ્લિયૉથેકા ઍલેક્ઝાંડ્રિયા’નું નામ પણ હોય જ. આમ આ સ્થળ કેવળ ગ્રંથાલય નથી; તેથી વિશેષ તે વિશ્વજ્ઞાનનું મંદિર છે.

જયનારાયણ વ્યાસ

બંસીધર શુક્લ