ઍલાપ્પુઝા (ઍલેપ્પી) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9o 30’ ઉ. અ. અને 76o 20’ પૂ. રે. આજુબાજુનો 1,414 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે થીરુવનંથપુરમથી વાયવ્યમાં 130 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તરે એર્નાકુલમ્ જિલ્લો, પૂર્વમાં કોટ્ટાયમ્ અને પત્તનમથિતા જિલ્લા, દક્ષિણે કોલ્લમ્ જિલ્લો તથા પશ્ચિમે લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. 1990 સુધી આ જિલ્લો ‘ઍલેપ્પી’ નામથી ઓળખાતો હતો. તેની રચના 1957ના ઑગસ્ટની 17મી તારીખે તત્કાલીન કોટ્ટાયમ્ અને ક્વિલોન જિલ્લાઓમાંથી કેટલોક ભાગ અલગ કરીને કરાયેલી, પરંતુ અંગ્રેજી ઉચ્ચાર ધરાવતું ‘ઍલેપ્પી’ નામ બદલીને 1990માં ‘ઍલાપ્પુઝા’ રાખવામાં આવેલું છે. એવું ધારવામાં આવે છે કે ‘ઍલાપ્પુઝા’ નામ આ સ્થળની ભૌગોલિક સ્થિતિ અને પ્રાકૃતિક લક્ષણો (અર્થાત્ સમુદ્ર અને તેમાં ઠલવાતી નદીઓ વચ્ચેની ભૂમિ) પરથી પાડવામાં આવ્યું છે. વર્તમાન ઍલાપ્પુઝા જિલ્લામાં છ તાલુકાઓ છે. જિલ્લામથક ઍલાપ્પુઝા.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ખાડી-સરોવરો, નદીઓ તથા નહેરોથી છેદાયેલી રેતાળ ભૂમિપટ્ટીથી બનેલું છે. પૂર્વ તરફ આવેલા થોડાક ટેકરાઓને બાદ કરતાં જિલ્લામાં પર્વતો કે ટેકરીઓ જોવા મળતાં નથી. શેરથાલા, અંબાલપ્પુઝા, કુટ્ટનાડ અને કાર્તિકપલ્લી જેવાં સ્થળો નીચાણવાળા વિસ્તારમાં આવેલાં છે. જિલ્લામાં જંગલવિસ્તાર નથી. જિલ્લાની જમીનો રેતાળ, કાળી, પીટયુક્ત, કાંપવાળી કે પડખાઉ પ્રકારની છે. કાચરેતી તેમજ ભઠ્ઠી બનાવવાની રેતી અહીં પુષ્કળ પ્રમાણમાં મળે છે. ચૂનેદાર છીપલાં વ્યાપારી ધોરણે મેળવાય છે.
જિલ્લામાં નહેરો, નદીઓ અને પાછાં પડતાં પાણીની જાળ-ગૂંથણી મોટા પાયા પર જોવા મળે છે. મણિમાલા, પાંબા અને અચેનકોવિલ અહીંની મહત્વની નદીઓ છે. વેમ્બનાડ અને કયામકુલમમાં પાછાં પડતાં પાણીને કારણે જળભરાવો થાય છે. પશ્ર્ચિમ કાંઠા પરની નહેરરચનાથી ઍલાપ્પુઝાથી કોચી સુધી વિસ્તરેલું 84 કિમી. લાંબું અને 3 કિમી. પહોળું વેમ્બનાડ સરોવર રચાયેલું છે. પાનમના અને કાર્તિકપલ્લી વચ્ચે 30.5 કિમી. લાંબું અને 2.4 કિમી. પહોળું, 59.57 ચોકિમી. વિસ્તાર ધરાવતું, છીછરું, કયામકુલમ્ સરોવર આવેલું છે. કયામકુલમના આડબંધ ખાતેના નિર્ગમમાર્ગ દ્વારા તેનાં જળ દરિયામાં પડે છે. આ સરોવર ચાવરા-પાનમની નહેર મારફતે અષ્ટમુડી સરોવર સાથે જોડાયેલું છે. આખોય જિલ્લો ઘણીબધી નહેરોથી ગૂંથાયેલો છે; આ નહેરો દ્વારા મુસાફરો તેમજ માલસામાનની અવરજવર થાય છે.
આ જિલ્લાને 82 કિમી. જેટલો સમતળ અને અખંડિત, લાંબો દરિયાકિનારો (રાજ્યને મળેલો કુલ દરિયાકિનારાનો 14 % કિનારો) મળેલો છે. નૈર્ઋત્યના મોસમી પવનો ફૂંકાતા હોય ત્યારે, વિશેષે કરીને જૂન માસમાં અહીંનો 25 કિમી. જેટલો પંકિલ કાંઠો જળબંબાકાર બની રહે છે.
ખેતી–પશુપાલન : ડાંગર, નાળિયેર, શેરડી અને ટેપિયોકા અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત મરી, સોપારી, કાજુ, તલ અને રબર પણ થાય છે. નદીઓ અને નહેરો મારફતે સિંચાઈ થાય છે. દરિયાનાં ખારાં પાણીને નદીઓમાં પાછાં પડતાં રોકવાની જરૂર છે ત્યાં આડબંધ બાંધવામાં આવેલા છે. આ ઉપરાંત તળાવો અને કૂવાઓ દ્વારા પણ સિંચાઈ થાય છે.
જિલ્લામાં ઢોર તેમજ મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે. જિલ્લામાં સ્થપાયેલા મુખ્ય પશુપાલન મથક સાથે પશુદવાખાનાં, પશુચિકિત્સાકેન્દ્રો, પૉલિક્લિનિક અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો સંકળાયેલાં છે. આ સાથે દૂધ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે. મરઘાં-બતકાં માટે સંવર્ધન-કેન્દ્રો પણ સ્થપાયાં છે. દરિયાકિનારા પરથી તથા નદીઓ, નહેરો અને તળાવોમાંથી મોટા પાયા પર વિવિધ પ્રકારની માછલીઓ અને લૉબ્સ્ટર મેળવવામાં આવે છે.
ઉદ્યોગો : આ જિલ્લાનું અર્થતંત્ર ખેતી અને દરિયાઈ પેદાશો પર આધારિત છે. કાથી અને તેની પેદાશોના, હાથસાળના અને હસ્તકારીગરીના એકમો પરંપરાગત રીતે ચાલુ છે. નાળિયેરીનાં પાંદડાંમાંથી તેમજ કાથીમાંથી સાદડીઓ અને પગલૂછણિયાંનું ઉત્પાદન લેવાય છે. કાથી ઉદ્યોગ બૉર્ડ, કાથી સંશોધન સંસ્થા તેમજ કાથી તાલીમી શિક્ષણની સંસ્થા ઍલાપ્પુઝા ખાતે કાર્યરત છે.
અગાઉના સમયમાં ઍલેપ્પી ‘પૂર્વનું વૅનિસ’ ગણાતું હતું; પરંતુ ‘અરબી સમુદ્રની રાણી’ કોચીનું મહત્વ વધવાથી ઍલેપ્પીનું મહત્વ ઘટતું ગયું છે; પરંતુ હવે એર્નાકુલમ્ નવા રેલમાર્ગ સાથે સંકળાવાથી ફરીથી આ જિલ્લાનું ઔદ્યોગિક મહત્વ વધતું જવાની સંભાવના છે. અહીંના કાથી-ઉદ્યોગ ઉપરાંત હવે છીપલાં, પ્લાયવુડ, પોટૅશિયમ ક્લોરાઇડ, નાળિયેર અને કોપરાં-કોપરેલ, ઘાસની સાદડીઓ, દરિયાઈ ખાદ્યસામગ્રી તેમજ દીવાસળીના એકમો વિકસ્યા છે.
વેપાર : ઘણા જૂના સમયથી ઍલેપ્પુઝા (ઍલેપ્પી) વેપાર-વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે. આરબો અહીંથી કાથીની પેદાશો અને મરી લઈ જતા. ઍલેપ્પુઝામાંથી આજે ડાંગર, નાળિયેર, કોપરાં, કોપરેલ, મરી, મસાલા, સાદડીઓ, પગ-લૂછણિયાં, સોપારી, એલચી અને ખાંડની નિકાસ થાય છે. અહીંનાં બજારોમાં આ બધી પેદાશોની લે-વેચ થતી રહે છે. ઍલેપ્પુઝા-એર્નાકુલમ્ રેલમાર્ગ થવાથી વેપાર વધ્યો છે. ઈંટો, નળિયાં, કાપડ, પેટ્રોલ પેદાશોની આયાત થાય છે.
વેપારની વૃદ્ધિ અને રક્ષણ, ખેતી તેમજ ઉદ્યોગો માટે ઍલેપ્પુઝા ખાતે ત્રાવણકોર ચેમ્બર ઑવ્ કૉમર્સની સ્થાપના કરવામાં આવેલી છે. તેની સાથે સાથે અહીં વેપારીઓ અને ઉત્પાદકોનું ઍસોસિયેશન પણ સ્થપાયું છે. વેપારીઓ અને ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળી રહે તે માટે વાણિજ્ય બૅંકો ઊભી કરવામાં આવી છે. ઍલેપ્પુઝા આજે ચોખા, કોપરાં, કોપરેલ, મરી, આદું-સૂંઠ અને સોપારીનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે.
પરિવહન : દીવાન સર ટી. માધવરાવના વહીવટકાળ દરમિયાન કેરળ રાજ્યે પરિવહન-ક્ષેત્રે, વિશેષે કરીને માર્ગ-બાંધકામમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરેલી. 1949માં ક્વિલોન-કોચીનનો રાષ્ટ્રીય ધોરી માર્ગ બનાવાયો. 1958માં ઍલેપ્પી-ચંગનસેરીનો માર્ગ ખુલ્લો મુકાયો. આજે આ જિલ્લામાં પરિવહનક્ષેત્રે છ એકમો કાર્યરત છે. કેરળ રાજ્ય પરિવહન નિગમ હેઠળ નિયમિત બસ-ટ્રક સેવા ચાલે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 97 કિમી તથા જાહેર બાંધકામ ખાતા દ્વારા ચાલતા રાજ્ય અને જિલ્લામાર્ગોની લંબાઈ 968 કિમી. જેટલી છે.
એર્નાકુલમ્-કોલ્લમ્ રેલમાર્ગ અને એર્નાકુલમ્-ઍલેપ્પુઝા રેલમાર્ગ અનુક્રમે 1958 અને 1989માં ખુલ્લા મુકાયા છે. ઍલેપ્પુઝાથી ક્યામકુલમ્ વચ્ચેનો 43 કિમી. લાંબો આંતરિક રેલમાર્ગ 1992માં શરૂ થયો છે. આ માર્ગો પરનાં જિલ્લાનાં મહત્વનાં મથકોને સાંકળી લેવાયાં છે. રેલમાર્ગની સુવિધાને પરિણામે વેપાર-ઉદ્યોગનું સંકલન વધુ પ્રમાણમાં સધાયું છે.
વેમ્બનાડ સરોવરને નહેરોથી સાંકળી લેવાતાં જિલ્લાનાં ઘણાં સ્થળોએ લોકોની અને માલસામાનની અવરજવર માટે સગવડ ઉપલબ્ધ થઈ છે. ઍલેપ્પુઝા બંદર જિલ્લાને મહત્વની સેવા પૂરી પાડે છે; એટલું જ નહિ, ત્રાવણકોરના દેશી રજવાડાના જમાનામાં મહત્વના બંદર તરીકે ખ્યાતિ પામેલું આ બંદર હવે ભારતનાં નાનાં બંદરોની હરોળમાં મુકાયું છે. આ જિલ્લાને પોતાનું હવાઈ મથક નથી, તેથી 70 કિમી. અંતરે આવેલું કોચી હવાઈ મથક ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં તાર-ટપાલ-ટેલિફોનની સેવા ઉપલબ્ધ છે.
પ્રવાસન : અહીંનાં બે સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. પુન્નામડા કયાલ ખાતે નહેરુ ટ્રૉફી નૌકાસ્પર્ધા દર વર્ષે યોજાય છે. વેમ્બનાડ સરોવરમાં આવેલો પથિરામનાલ ટાપુ અવરજવર માટે રમણીય સ્થળ બની રહેલો છે. વિદેશી પ્રવાસીઓ આ બંને માટે અહીં આવે છે. ડિસ્ટ્રિક્ટ ટૂરિઝમ પ્રમોશન કાઉન્સિલ ઍલેપ્પુઝાની બોટ-જેટી ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર ચલાવે છે. દુનિયાભરમાંથી ઘણા લોકો આ જિલ્લા માટે ગૌરવ ગણાતી અહીંની નૌકાસ્પર્ધા નિહાળવા આવે છે. લોકનૃત્ય, લોકસંગીત અને મેળા આ જિલ્લામાં અવારનવાર યોજાતાં રહે છે. ઓણમ્ અહીંના લોકોનો મહત્વનો તહેવાર છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 21,21,943 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે 49 % અને 51 % જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 70 % અને 30 % જેટલું છે. મલયાળમ અને તમિલ અહીંની મુખ્ય ભાષાઓ છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ 94 % જેટલું છે. જિલ્લામાં મેડિકલ કૉલેજ સહિત 13 કૉલેજો, 63 હાઇસ્કૂલો, 92 માધ્યમિક શાળાઓ અને 175 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જિલ્લાનાં લગભગ બધાં જ શહેરોમાં દવાખાનાંની સેવા ઉપલબ્ધ છે. ઍલેપ્પુઝામાંથી મલયાળમ ભાષામાં ‘કેરળ કૌમુદી’ વર્તમાનપત્ર બહાર પડે છે, આ ઉપરાંત અહીં ઑલ ઇન્ડિયા રેડિયો હાઇપાવર ટ્રાન્સમિટર મથક પણ આવેલું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓમાં અને 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 14 શહેરો અને 75 ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : આ જિલ્લાના પુરાપાષાણિક યુગના ઇતિહાસની જાણકારી ઉપલબ્ધ નથી. એવું ધારવામાં આવે છે કે કાંઠાનો પ્રદેશ કદાચ પાણી હેઠળ હતો; ક્રમે ક્રમે મોજાંની નિક્ષેપક્રિયાથી કંઠારભાગ નવસાધ્ય બનતો ગયેલો. જિલ્લાના કુટ્ટનાડ તાલુકાની જૂની માહિતી મળે છે. ત્યાં ચેરા જાતિના લોકો આવીને વસેલા; તેઓ કુટ્ટવનો કહેવાયા. ઈ. સ.ની પહેલી સદીથી અહીં ખ્રિસ્તીઓની પકડ શરૂ થયેલી. ઈશુ ખ્રિસ્તના બાર શિષ્યો પૈકીના એક શિષ્ય સંત થૉમસે આ વિસ્તારમાં જે સાત દેવળ સ્થાપેલાં તે પૈકીનું એક દેવળ શેરથલ તાલુકાના કોકોમંગલ ખાતે હતું. સંત થૉમસ ઈ. સ. 52માં ક્રેન્ગનોર (કોડુંગલુર) ખાતે ઊતરેલા અને તેમણે દક્ષિણ ભારતમાં ખ્રિસ્તીધર્મનો પ્રચાર કરેલો. નવમીથી બારમી સદી દરમિયાન આ વિસ્તાર દ્વિતીય ચેરા સામ્રાજ્યના શાસન હેઠળ ધર્મ અને સંસ્કૃતિને ક્ષેત્રે વિકાસ પામેલો. 16 સદી દરમિયાન મુથીદત્ત અને ઇલીદત્ત નામની બે જાગીરોની સત્તા જામી. આ જ ગાળામાં આ જિલ્લામાં પૉર્ટુગીઝો આવ્યા, ખ્રિસ્તી ધર્મનો અહીં વિકાસ થયો, તેમણે અહીં ઘણાં દેવળો બાંધ્યાં. તે પૈકીનાં પુરક્કડ (પોરકાડ) અને અર્યુંગલનાં દેવળો આજે પણ જાણીતાં છે. 17મી સદીમાં પૉર્ટુગીઝોની સત્તા ક્ષીણ થતી ગઈ, તેમને સ્થાને ડચ લોકોનું વર્ચસ્ જામ્યું. ડચ અને પુરક્કડના ક્યામકુલમ્ અને કરપ્પુરમના રાજવીઓ વચ્ચે થયેલી અનેક સંધિઓને પરિણામે ડચ લોકોએ મરીમસાલા વગેરેનો સંગ્રહ કરવા માટે કારખાનાં અને કોઠારો બાંધ્યાં. સમય વીતવા સાથે અહીંના રાજકારણ અને સંસ્કૃતિમાં તેમની દખલો વધવા માંડી. ડચ લોકોનું વ્યાપારી પ્રભુત્વ નાબૂદ કરવા માટે 18મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજોએ ઍલેપ્પી બંદર વિકસાવેલું. આ જ સમયગાળામાં, આજના તિરુવનંતપુરમ્(ત્રાવણકોર)ના નિર્માણકાર મહારાજા માર્તંડવર્માએ અહીંની જાગીરો માટે માથું ઊંચક્યું. તેમણે ઘણી જાગીરોને ત્રાવણકોરમાં ભેળવી દીધી અને ડચ લોકોને રાજકારણમાંથી પીછેહઠ કરવાની ફરજ પાડી. તેમણે જિલ્લાની એકહથ્થુ સત્તા કબજે કરી અને જિલ્લાનો વહીવટી તથા વ્યાપારી ક્ષેત્રે વિકાસ કર્યો. રાજ્ય પુરાતત્વ ખાતા હેઠળ આરક્ષિત સ્મારક તરીકે આજે જાળવી રખાયેલ જૂનો કૃષ્ણપુરમ્ મહેલ તેમના શાસનકાળ દરમિયાન બંધાયેલો છે.
ભારત સ્વતંત્ર થયા બાદ, 1948ના માર્ચની 24મી તારીખે ત્રાવણકોરનું મંત્રીમંડળ રચાયું. 1949ના જુલાઈની પહેલી તારીખે તત્કાલીન ત્રાવણકોર અને કોચીનનાં રાજ્યો એકમેકમાં ભળ્યાં. 1956ના નવેમ્બરની પહેલી તારીખે કેરળ રાજ્યની રચના થઈ. 1957ના ઑગસ્ટની પહેલી તારીખે ઍલેપ્પીના અલગ જિલ્લાની રચના કરવામાં આવી. 1990થી ઍલેપ્પી જિલ્લાનું નામ બદલીને ‘ઍલેપ્પુઝા’ કરવામાં આવ્યું છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
ગિરીશભાઈ પંડ્યા