ઍમ્ફિબોલ વર્ગ : સામાન્ય સૂત્ર X7–8(Si4O4)2(OH)2 ધરાવતો સિલિકેટ ખનિજવર્ગ. આમાં X = Ca, Na, Mg, Fe+2, Fe+3 Al. કેટલીક વખત Na (જવલ્લે જ K), અલ્પ પ્રમાણમાં Mn હોય છે. Al બીજાં, ધનાયનો (cation) સાથે હોય છે. અથવા સંપૂર્ણપણે ગેરહાજર હોય છે.
ઍમ્ફિબોલ ખનિજો મેટાસિલિકેટ છે. પરમાણુરચનાની ર્દષ્ટિએ એમ્ફિબોલ ખનિજો આઇનોસિલિકેટ છે, તેમાં એકબીજા સાથે જોડાયેલાં SiO4 ટેટ્રાહેડ્રનના પટ્ટા હોય છે. દરેક પટ્ટામાં ઉપર દર્શાવેલા લક્ષણવાળા ટેટ્રાહેડ્રનની બે શૃંખલા હોય છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઑક્સિજન દ્વારા જોડાયેલી ટેટ્રાહેડ્રનની બે શૃંખલાઓ છે. આવા એકમને પાયરૉક્સિન શૃંખલાઓ તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારની પાયરોક્સિન શૃંખલાઓ કેટાયન દ્વારા ઉપરની આકૃતિમાં તીરથી દર્શાવેલા મુક્ત ઑક્સિજનથી જોડાયેલી હોય છે. SiO4 ટેટ્રાહેડ્રનની શૃંખલાઓ ઊર્ધ્વ સ્ફટિક અક્ષને સમાંતર ગોઠવાયેલી હોય છે.
ઍમ્ફિબોલ ખનિજોને સ્ફટિકવિદ્યાનાં લક્ષણો અને રાસાયણિક બંધારણના આધારે નીચે પ્રમાણે વર્ગીકૃત કરેલા છે :
(1) ઑર્થોરહોમ્બિક : એન્થોફાયલાઇટ Mg7Si8O22(OH)2
પ્રાપ્તિ : શિસ્ટ અને નાઇસ પ્રકારના વિકૃત ખડકોમાં
(2) મૉનોક્લિનિક :
(ક) કમિંગ્ટોનાઇટ – ગ્રુનેરાઇટ શ્રેણી :
કમિંગ્ટોનાઇટ : (MgFe)7Si8O22(OH)22
ગ્રુનેરાઇટ : (FeMg)7Si8O22(OH)22
પ્રાપ્તિ : વિકૃત ખડકોમાં
(ખ) ટ્રેમોલાઇટ – એક્ટિનોલાઇટ શ્રેણી :
ટ્રેમોલાઇટ : Ca2Mg5Si8O22(OH)2
ઍક્ટિનોલાઇટ : Ca2(MgFe)5Si8O22(OH)2
પ્રાપ્તિ : ટ્રેમોલાઇટ – ઍક્ટિનોલાઇટ શિસ્ટ અને કેલ્ક સિલિકેટ, હૉર્નફેલ્સ પ્રકારના વિકૃત ખડકોમાં.
(ગ) હૉર્નબ્લેન્ડ શ્રેણી :
હૉર્નબ્લેન્ડ : (Ca, Na, Mg, Fe, Al)7–8(AlSi)8O22(OH)2
કેટાયન(દા. ત. Fe+2 Al+2)ના સ્થળાંતરને કારણે જુદા જુદા પ્રકારો જેવા કે હૉર્નબ્લેન્ડ, પરગેસાઇટ અને લેમ્પ્રોબ્લેલાઇટ (ઑક્સીહૉર્નબ્લેન્ડ) છે.
પ્રાપ્તિ : ગ્રૅનાઇટ, સાયનાઇટ, ડાયૉરાઇટ જેવા અગ્નિકૃત અને હૉર્નબ્લેન્ડ શિસ્ટ, હૉર્નબ્લેન્ડ નાઇસ, ઍમ્ફિબોલાઇટ, હૉર્નબ્લેન્ડાઇટ જેવા વિકૃત ખડકોમાં.
(ઘ) આલ્કલી ઍમ્ફિબોલ શ્રેણી :
(i) આર્ફેવેડસોનાઇટ : Na3Mg4AlSi8O22(OH)2
પ્રાપ્તિ : નેફેલિન સાયનાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં.
(ii) ગ્લોકોફેન : Na2(MgFe)3(AlFe)2+3Si8O22(OH)2
પ્રાપ્તિ : ગ્લોકોફેન શિષ્ટ વિકૃત ખડકમાં.
(iii) રિબેકાઇટ : Na2Fe3+2Fe2+3Si8O22(OH)2
પ્રાપ્તિ : Naની વિપુલતાવાળા રિબેકાઇટ ગ્રૅનાઇટ, રિબેકાઇટ ગ્રેનોફાયર જેવા ઍસિડ અગ્નિકૃત ખડકોમાં.
(iv) કેટાફોરાઇટ : Na2Ca(Fe+3Al)5(AlSi7)O22(OH)2
પ્રાપ્તિ : થેરાલાઇટ અને શોન્કિનાઇટ બેઝિક આલ્કલી અગ્નિકૃત ખડકોમાં.
(v) બારકેવિકાઇટ : આર્ફેવેડ સોનાઇટ જેવા રાસાયણિક બંધારણવાળી વધુ બેઝિક ખનિજ.
પ્રાપ્તિ : કૅમ્પ્ટોનાઇટ અને મૉન્ચીકાઇટ જેવા લેમ્પ્રોફાયર ખડકોમાં.
(vi) હેસ્ટિંગ સાઇટ : આલ્કલીની વિપુલતાવાળી ઍલ્યુમિનિયમ ઍમ્ફિબોલ ખનિજ.
પ્રાપ્તિ : નેફેલીન સાયનાઇટ, થેરાલાઇટ અગ્નિકૃત ખડકોમાં.
(3) ટ્રાઇક્લિનિક : કોસીરાઇટ : NaFe અને Ti ઍલ્યુમિનિયમ સિલિકેટ
પ્રાપ્તિ : લિપેરાઇટ લાવામાં સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપે.
ટ્રેમોલાઇટ સિવાયનાં ઍમ્ફિબોલ ખનિજો રંગવિકારનો વિશિષ્ટ પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે. વિવિધ ઍમ્ફિબોલ ખનિજો ક્લાઇનોપિનેકોઇડ છેદમાં જોવા મળતા જુદા જુદા ત્રાંસા વિલોપકોણના પ્રકાશીય ગુણધર્મની મદદથી જુદાં પાડી શકાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે