ઍમ્ફિઑક્સસ : મુખ્યત્વે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશના દરિયાકિનારે, સહેજ જાડી રેતી આવેલી હોય તેવા પ્રદેશમાં વાસ કરનારું, તીરના આકારનું મેરુદંડી પ્રાણી. મેરુદંડી (chordata) સમુદાયના, શીર્ષમેરુ (cephalochordata) ઉપસમુદાયના branchiostomiidae કુળના branchiostoma lanceolatum તરીકે ઓળખવામાં આવે છે. તે આંખ વગરનું અને માથું છૂટું દેખાતું ન હોય તેવું માછલી જેવું પ્રાણી છે. તેના શરીરનો માત્ર આગળનો છેડો રેતીની બહાર દેખાય છે, જ્યારે શેષભાગ રેતીની અંદર ઢંકાયેલો રહે છે.

પુખ્ત પ્રાણી આશરે 8.0 સેમી. જેટલું લાંબું હોય છે. તેનું શરીર અર્ધપારદર્શક અને બંને છેડે અણીદાર હોય છે. તેના શીર્ષરૂપ અગ્રભાગને તુણ્ડ (snout) કહે છે. આ પ્રાણીને પૃષ્ઠ અને વક્ષ એમ બે મીનપક્ષો આવેલી હોય છે. તેની ત્વચાની પાર્શ્વ બાજુએથી અનેક ગડીઓ જોવા મળે છે. તેના શરીર-દીવાલના સ્નાયુઓ 50થી 85 જેટલા ખંડોમાં વહેંચાયેલા હોય છે. તુણ્ડના અગ્ર છેડે એક ખાંચ હોય છે જેની વક્ષ બાજુએ મુખછિદ્ર આવેલું છે. આ છિદ્ર ઉપરની બાજુએથી મુખછદ (oral hood) વડે ઘેરાયેલું હોય છે. મુખછદ પરથી 11 જોડ લાંબા મુખગુહીય તંતુઓ (oral cirri) નીકળે છે. તંતુઓની સપાટી કેશતંતુઓ (cilia) વડે આચ્છાદિત હોય છે. ખાંચના તલસ્થ પ્રદેશમાં પડદો હોય છે તેને વેલમ (velum) કહે છે અને તે પડદા ઉપર સૂત્રાંગો (tentacles) હોય છે. સૂત્રાંગોનું હલન ચક્રાકારે થતું હોવાથી આ ભાગને ચક્રાંગ (wheel organ) કહે છે.

ઍમ્ફિઑક્સસ, બાહ્ય કંકાલતંત્ર વગરનું હોય છે. મુખ્ય અંત:સ્થ કંકાલ તરીકે મેરુદંડ (notochord) હોય છે. લાંબા દંડ જેવું આ અંગ શરીરના પૃષ્ઠભાગમાં અગ્ર પ્રદેશથી પૂંછડી સુધી પ્રસરેલું હોય છે. ઉપરાંત મુખછદને આધાર આપનાર કંઠનાલીય કંકાલતંત્ર અને મીનપક્ષને આધાર આપનાર પક્ષકિરણો (finrays) પણ ઍમ્ફિઑક્સસમાં હોય છે. તે શરીરની પાર્શ્વ બાજુએ આવેલા સ્નાયુઓની મદદથી પ્રચલન કરે છે. પાચનતંત્રનો અડધા જેટલો ભાગ માત્ર કંઠનળીથી બનેલો હોય છે. કંઠનળીની સપાટી કેશતંતુઓથી છવાયેલી હોય છે, જ્યારે સપાટી પર અનેક ખાંચો આવેલી હોય છે. વક્ષસપાટી પરના કેશતંતુઓનો પ્રદેશ અધોગ્રસની (Endostyle) તરીકે ઓળખાય છે. સપાટીનો અન્ય ભાગ શ્લેષ્મસ્રાવી કોષોથી વ્યાપેલો હોય છે. ખોરાક તરીકે તે મુખ્યત્વે સૂક્ષ્મજીવોને પકડે છે. દરિયાનું પાણી કંઠનળીમાંથી પસાર થતાં તેમાં રહેલા સૂક્ષ્મજીવો અધોગ્રસનીના કેશતંતુના હલનને લીધે શ્લેષ્મમાં ફસાય છે. કંઠનળીની પાર્શ્વ બાજુએ આવેલી ઝાલરફાંટો વાટે દરિયાનું પાણી બહાર નીકળી જાય છે, જ્યારે ખોરાક મધ્યાંત્રમાં દાખલ થાય છે. આ ભાગમાં યકૃત હોય છે, જે પાચકરસોનો સ્રાવ કરે છે. પચેલો ખોરાક અધિશોષણથી રુધિરમાં ભળે છે. નહીં પચેલો ખોરાક મળદ્વાર વાટે બહાર નીકળી જાય છે.

રુધિરાભિસરણ બંધ પ્રકારનું હોય છે, જોકે અભિસરણતંત્ર, હૃદય, ધમની કે શિરા જેવા ભાગોમાં વિભાજિત નથી હોતું. અન્ય મેરુદંડી પ્રાણીઓની જેમ રુધિર વક્ષ બાજુએ પુચ્છથી મુખ તરફ અને પૃષ્ઠ બાજુએ મુખથી પુચ્છ તરફ વહે છે. રુધિર રંગહીન, કોષવિહીન અને રંજક દ્રવ્યકણવિહીન હોય છે. રુધિર મુખ્યત્વે પચેલા પદાર્થોનું વિતરણ કરવાનું કાર્ય કરે છે.

શ્વસન : ત્વચા વાટે જલાવરણમાં ઓગળેલા ઑક્સિજનનો સ્વીકાર કરવામાં આવે છે અને કાર્બન ડાયૉક્સાઇડનો ત્યાગ પાણીમાં થાય છે.

ઉત્સર્જન : પૃથુક્રમિઓમાં જોવા મળતા જ્યોતકોષો (flame cells) જેવા મલોત્સર્ગકોશિકા (solenocytes) કોષોની બનેલી લગભગ 100 જોડ ઉત્સર્ગિકાઓ કંઠનળીની પૃષ્ઠ-પાર્શ્વ બાજુએ આવેલી હોય છે. આ કોષોની અંદરની સપાટીએ લાંબા કેશતંતુઓ હોય છે અને બહારની સપાટી રુધિરવાહિનીઓના સીધા સંપર્કમાં હોવાથી દ્રાવ્ય પ્રોટીનયુક્ત ઉત્સર્ગપદાર્થોનો ત્યાગ સરળતાથી થઈ શકે છે. ઉપરાંત, આંત્રીય પ્રદેશમાં જોડમાં આવેલા ભૂખરાં અંગો (Brown bodies) પણ ઉત્સર્જનકાર્યમાં મદદ કરતા હોવાનું મનાય છે.

ચેતાતંત્રો અને સંવેદાંગો : ચેતાતંત્રનું વિભાજન મધ્યસ્થ અને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાતા બે ભાગમાં થયેલું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્રના ભાગ રૂપે મેરુદંડની પૃષ્ઠ બાજુએથી શરૂ થઈને શરીરના બીજા છેડા સુધી લંબાયેલો ચેતારજ્જુ હોય છે. તે આગળના છેડે સહેજ ફૂલેલો હોય છે. તેને મસ્તિષ્કપુટિકા (cerebral vesicle) કહે છે. ચેતારજ્જુમાં સામાન્ય ચેતાકોષો ઉપરાંત મહાકાય કોષો પણ હોય છે, જે પ્રચલન વખતે તરવાની ક્રિયાનું સહનિયમન કરે છે.

પરિઘવર્તી (peripheral) ચેતાતંત્ર, મસ્તિષ્ક તેમજ કરોડરજ્જુ ચેતાઓનાં બનેલાં હોય છે. સ્વયંવર્તી (autonomous) ચેતાતંત્રના ભાગ રૂપે પાચનમાર્ગની ઉપર બે ચેતાજાલિકાની રચના થયેલી હોય છે જે સ્વયંવર્તી સ્નાયુઓનું નિયમન કરે છે.

મોટે ભાગે સાદાં અને છૂટાંછવાયાં કે સમૂહમાં ત્વચા પર સંવેદાંગો પ્રસરેલાં હોય છે. ર્દષ્ટિની સંવેદના ગ્રહણ કરતાં ર્દષ્ટિબિંદુ (eye spot) કહેવાતાં અંગો ચેતારજ્જુ પર આવેલાં હોય છે. રાસાયણિક સંવેદના ગ્રહણ કરતો કૉલિકરનો ગર્ત (Kolliker’s pit) મસ્તિષ્કપુટિકાની પૃષ્ઠ બાજુએ હોય છે. વેલર સૂત્રાંગો પણ રાસાયણિક અને સ્પર્શગ્રાહી સંવેદનાઓનું ગ્રહણ કરે છે. મુખગુહીય તંતુઓ પણ સ્પર્શગ્રાહી અંગો તરીકે કાર્ય કરે છે. આ પ્રાણીમાં શ્રવણગ્રાહી અંગો હોતાં નથી.

પ્રજનનતંત્ર : પ્રાણી એકલિંગી હોય છે. જનનવાહિનીઓ ન હોવાને કારણે જનનાંગોમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો અને અંડકોષો શરીરગુહામાં ભેગા થઈને પરિકોષ્ઠ (atriopore) દ્વારા શરીરની બહાર નીકળે છે. બાહ્યફલનથી નિર્માણ થયેલાં ફલિતાંડ પાણીમાં તરે છે અને ડિમ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. લગભગ 3 માસ બાદ તે પુખ્તાવસ્થા પામે છે.

દક્ષિણ ચીનના ફુકેઇન પ્રાન્તના એમોટા બંદર નજીક ઍમ્ફિઑક્સસ લાખ્ખોની સંખ્યામાં પકડવામાં આવે છે. તાજા અથવા સુકવણીના સ્વરૂપે તે માનવખોરાક તરીકે વપરાય છે.

ઍમ્ફિઑક્સસ નામથી સામાન્યપણે ઓળખાતા બ્રેન્કીઓસ્ટોમાંની કેટલીક જાતો ફ્લોરિડાના અને સાનડિયેગોના દરિયાકાંઠે મળી આવે છે. આ ઉપરાંત હિંદી મહાસાગર, નેપલ્સ, ઉત્તર કેરોલિના, કૅલિફૉર્નિયા, હવાયા, પેરુ, ફિલિપાઇન્સ અને ચીનના દરિયાકાંઠે પણ મળી આવે છે. ભારતમાં કચ્છ અખાતના ઓખા પ્રદેશના દરિયાકિનારે આવેલા રેતાળ પ્રદેશમાં પણ તે જોવા મળે છે.

નટુભાઈ પટેલ