ઍબી થિયેટર : આયર્લૅન્ડમાં ડબલિનની ખૂબ જાણીતી રંગભૂમિ અને આયરિશ નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર. આઇરિશ નૅશનલ થિયેટર સોસાયટી લિ. લોકોમાં ઍબી થિયેટર તરીકે જાણીતી છે.
સુપ્રસિદ્ધ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ઑગસ્ટા ગ્રેગરીએ 1899માં એની સ્થાપના કરી હતી. જાનપદી નાટ્યવસ્તુને કાવ્યાત્મક રીતે રજૂ કરવાના ઉદ્દેશથી સ્થાનિક નટો માટે એની સ્થાપના કરવામાં આવી હતી. આ નટમંડળીએ અવેતન પ્રવૃત્તિથી આરંભ કરી ઉચ્ચ ગુણવત્તાવાળાં અનેક નાટકોની ઉત્તમ રજૂઆતો કરી દેશ-વિદેશમાં ધન, કીર્તિ પ્રાપ્ત કર્યાં હતાં. યેટ્સ, ગ્રેગરી, સિન્જ, માર્ટિન, શૉ અને ઓ’કેસી વગેરેએ આ નટમંડળીને નિમિત્તે જ નાટ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. આયરિશ સાહિત્યિક થિયેટર તરીકે પ્રારંભ કરનાર આ નટમંડળીને ફે બંધુઓ જેવા દિગ્દર્શકો મળતાં પદ્યનાટકોમાંથી વાસ્તવદર્શી નાટકોની ભજવણી તરફ એ વળી. સિન્જ અને ઓ’કેસીનાં નાટકોએ આયરિશ જીવનનું વાસ્તવ દર્શાવીને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિના આદર્શોથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા. નાટ્યભાષા પરનું આ નાટ્યકેન્દ્રનું કામ પણ મહત્વનું ગણાય છે. ધી ઍબી સ્ટ્રીટ થિયેટર મૂળ મડદા-ઘરની જગ્યાએ નવેસરથી બાંધવામાં આવ્યું હતું. યેટ્સના ચાહક કુ. ઍની હૉર્નિમૅને 1904માં પોતાને ખર્ચે તે બનાવરાવ્યું હતું.
1951માં આગમાં ભસ્મીભૂત થયેલું આ થિયેટર 1966માં ફરીથી બંધાયું હતું. તત્કાલીન આયરિશ થિયેટરમાંના પડદા અને તખ્તાસજાવટનો આ નટમંડળીએ સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. એના મુખ્ય સ્થાપક યેટ્સ એને લોકરંગભૂમિ બનાવવાનું સ્વપ્ન સેવતા હતા. તેઓ કહેતા કે ‘અમારા આ થિયેટરમાં બહુસંખ્ય અપરિચિત પ્રેક્ષકો નહિ આવે તો ચાલશે; પણ નટમંડળી અને એમની વચ્ચે સંવાદ સ્થાપી શકાય એટલા પરિચિત પચાસેક પ્રેક્ષકો આવે તો બસ છે.’ એ માટે એ ટિકિટ ખરીદવા આવનાર પ્રેક્ષકોની જીવનરેખાની વિગતોની પણ અપેક્ષા રાખતા.
જૂના થિયેટરના કર્મચારીઓ અને કલાકારો 15 વર્ષ સુધી જરાજીર્ણ ક્વીન્સ થિયેટરમાં ચાલ્યા ગયા. જોકે જૂની જગ્યાએ બંધાવાયેલું થિયેટર 628 પ્રેક્ષકોને સમાવતું આધુનિક થિયેટર બન્યું છે. તેમાં પ્રકાશ-ધ્વનિ માટે આધુનિક સગવડો ઊભી કરાઈ છે. વળી ટૉમસ મૅકેના, ઍલન સિમ્પસન, જૉ ડાઉલિંગ જેવા દિગ્દર્શકો અને શક્તિશાળી કલાકાર નટસમૂહ મળતાં એ થિયેટરની નામના વધતી ગઈ અને તે નવા નાટ્યકારો માટેનું થિયેટર પણ બની રહ્યું. 1960 પછી નાટકની પુન:પ્રતિષ્ઠા માટે તે નિમિત્ત બન્યું છે. નાટ્યમંડળીઓ અહીંથી યુરોપ અને અમેરિકા જઈને નાટકો ભજવે છે. વળી મૉસ્કો આર્ટસ થિયેટરના દિગ્દર્શક મારિયા નેબેલે 1968માં ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ ભજવેલું. શેક્સપિયર, ચેહફ અને બ્રેખ્તનાં નાટકો આ થિયેટરમાં કલાત્મક રીતે રજૂ થયેલ છે. વળી, આયર્લૅન્ડના બ્રાયન ફ્રીલ, ટૉમ મર્ફી, ટૉમ ક્લિરૉય, હ્યુ લિયૉનાર્ડ, ટૉમ મેકિંગટાયર અને ગ્રેહામ રીડ જેવા આધુનિક નાટ્યકારોનાં નાટકો અહીં ભજવાયાં છે. વીસમી સદીના નવમા, દશમા દશકમાં આ થિયેટરે તેનો ભવ્ય વારસો જાળવી રાખેલો.
હસમુખ બારાડી
વિ. પ્ર. ત્રિવેદી