એબીનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી ઊર્ધ્વસ્ત્રીકેસરી (superae), ગોત્ર – એબીનેલીસ, કુળ – એબીનેસી. આ કુળમાં 5 પ્રજાતિઓ અને લગભગ 325 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ વિશ્વના ઘણાખરા વિસ્તારોમાં થયેલું છે. Diospyros (240 જાતિઓ) આ કુળની મોટી પ્રજાતિ છે. ગુજરાતમાં તેની ચાર જાતિઓ થાય છે : D. chloroxylon Roxb., D. cordifolia Roxb. (ઢેકી), D. melanoxylon Roxb. (ટીમરુ, ટિંબરવા) અને D. montana Roxb.

આ કુળની વનસ્પતિઓ દ્વિગૃહી (dioecious) ક્ષુપ કે વૃક્ષસ્વરૂપે જોવા મળે છે. તેનું અંત:કાષ્ઠ (heartwood) ઘણી વાર કાળું, લાલ કે લીલું હોય છે. તેઓમાં ક્ષીરરસનો અભાવ હોય છે. પર્ણો સાદાં, અખંડિત, એકાંતરિક, ચર્મિલ (coriaceous) અને અનુપપર્ણી (estipulate) હોય છે. પુષ્પવિન્યાસ એકાકી કક્ષીય અથવા પરિમિત (cymose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પો નિયમિત, સામાન્યત: એકલિંગી, અધોજાયી (hypogymous), એકગૃહી (monoecious)  કે દ્વિગૃહી અને 3-7 અવયવી હોય છે. માદા પુષ્પો કરતાં નરપુષ્પો વધારે પ્રમાણમાં હોય છે. વજ્ર યુક્તવજ્રપત્રી (gamosepalous) અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. દલપુંજ 3-7 દલપત્રોનો બનેલો, યુક્ત અને કુંભાકાર (urceolate) હોય છે અને તેમનો કલિકાન્તર-વિન્યાસ (aestivation) વ્યાવૃત (contorted) કે કોરછાદી (imbricate) પ્રકારનો હોય છે. પુંકેસરો દલપત્રોની સંખ્યા જેટલા કે બેથી ત્રણ ગણા જોવા મળે છે. તેઓ દલલગ્ન, અધોજાયી, એકબીજાથી મુક્ત કે યુગ્મમાં જોડાયેલા હોય છે. પરાગાશય દ્વિખંડી અને અંતર્ભૂત (introse) હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. માદા પુષ્પમાં વંધ્ય પુંકેસરો આવેલા હોય છે. સ્ત્રીકેસરચક્ર બેથી સોળ યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને 2થી 16 કોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે બે લટકતાં અધોમુખી (anatropous) અંડકો આવેલાં હોય છે. અંડકો દ્વિઆવરણીય (bitegmic) હોય છે. પરાગવાહિનીઓ એકબીજાથી મુક્ત કે તલભાગેથી જોડાયેલી હોય છે. ફળ અનષ્ઠિલ પ્રકારનું હોય છે. બીજમાં ભ્રૂણ સીધો અને ભ્રૂણપોષ સખત અને પુષ્કળ પ્રમાણમાં હોય છે.

આકૃતિ 1 : એબીનેસી. Diospyros virginiana : (અ) માદા વનસ્પતિની પુષ્પીય શાખા, (આ) માદા પુષ્પ, (ઇ) માદા પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) નરપુષ્પ, (ઊ) નરપુષ્પનો ઊભો છેદ

સેપોટેસીથી આ કુળ ક્ષીરરસનો અભાવ, એકલિંગી પુષ્પો, પ્રત્યેક કોટરમાં બે દ્વિઆવરણીય અંડકો જેવાં લક્ષણો દ્વારા જુદું પડે છે.

આ કુળ ઇમારતી લાકડાં માટેનો સ્રોત છે. Diospyros ebnum(અબનૂસ)માંથી કૅબિનેટ બનાવવામાં આવે છે. ટીમરુનાં પર્ણો (D. melanoxylon) બીડીપત્તી બનાવવામાં ઉપયોગી છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ