ઍપ્ટર, ડૅવિડ(જ. 18 ડિસેમ્બર 1924, બ્રુકલિન, ન્યૂયોર્ક, યુ. એસ.; અ. 4 મે 2010 કનેક્ટિકટ, યુ. એસ.) : તુલનાત્મક રાજકારણના નિષ્ણાત તથા અગ્રગણ્ય અમેરિકી રાજ્યશાસ્ત્રી. બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશથી તુલનાત્મક રાજકારણનો વ્યાપ વિસ્તૃત બન્યો અને એક નવો યુગ શરૂ થયો; એથી જુદા જુદા દેશોનાં વિવિધ રાજકીય સ્વરૂપો, પ્રણાલીઓ અને પરંપરાઓને પૂરો ન્યાય આપવા રચનાત્મક અભિગમની તેમજ નવી વિભાવનાઓની જરૂર ઊભી થઈ. આ પ્રકારનું પ્રદાન કરવામાં ગૅબ્રિયલ આલમન્ડ, ડેવિડ ઈસ્ટન તથા ડેવિડ ટ્રુમેનની સાથે ઍપ્ટરની પણ ગણના થાય છે.
ઍપ્ટરે ઘાના, નાઇજિરિયાનાં બંધારણ અને રાજ્ય-વ્યવસ્થાઓનો અભ્યાસ કર્યો. તે જ પ્રમાણે ઈરાનના રાજકારણ ઉપર પણ તેમણે પ્રકાશ ફેંક્યો.
આ વર્ષો દરમિયાન જે વર્તનલક્ષી (behavioural) અભિગમ અસ્તિત્વમાં આવ્યો તેના તે પુરસ્કર્તા હતા; પરંતુ માત્ર વર્તનને અગત્ય મળતાં, મૂલ્યો તરફ દુર્લક્ષ અપાય તે તેમને બરાબર લાગ્યું ન હતું. આ કારણથી તેમનાં લખાણોમાં મૂલ્યોને પણ તે જરૂરી અગત્ય આપતા રહ્યા છે.
પ્રવીણ ન. શેઠ