એપોસાયનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ અનુસાર તેને ઉપવર્ગ-યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae) અને ગોત્ર – જેન્શિયાનેલિસમાં મૂકવામાં આવે છે. આ કુળમાં લગભગ 300 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. 46 પ્રજાતિઓ અને 203 જેટલી જાતિઓ ઉત્તર અમેરિકામાં પ્રાકૃતિક બની છે. આ કુળની જાણીતી જાતિઓમાં લાલ કરેણ (Nerium odorum), બારમાસી (Catheranthus roseus), પીળી કરેણ (Thevetia peruviana), સપ્તપર્ણી (Alstonia scholaris), કડવો ઇન્દ્રજવ (Holarrhena antidysentrica), ખડચંપો (Plumeria acutifolia), સર્પગંધા (Rauwolfia serpentina) અને ટગર કે ચાંદની(Ervatamia divericata)નો સમાવેશ થાય છે.

આ કુળની વનસ્પતિઓ સામાન્યત: શાકીય, ક્ષુપ કે વૃક્ષસ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ વળવેલ (twiner) અને કઠલતા (liana) તરીકે જોવા મળે છે. વનસ્પતિનાં અંગો ક્ષીરરસ (latex) ધરાવે છે. પ્રકાંડમાં ઘણી વાર અંત:સ્થ અન્નવાહક (internal phloem) જોવા મળે છે. પર્ણો સાદાં, સંમુખ ચતુષ્ક  (opposite decussate) અથવા ભ્રમિરૂપ (whorled) કે એકાંતરિક (દા. ત. Thevetia peruviana) અને અનુપપર્ણીય (estipulate) હોય છે.

પુષ્પવિન્યાસ એકાકી (solitary) અથવા અપરિમિત-(racemose)થી માંડી પરિમિત (cymose) પ્રકારના હોય છે. કેટલાકમાં તોરો (corymbose) કે છત્રક-સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાય અને ચતુર્ કે પંચાવયવી હોય છે અને નિપત્રો (bracts), નિપત્રિકાઓ (bractioles) અને પુષ્પમુકુટ (corona) ધરાવે છે.

વજ્ર મુક્ત કે યુક્ત, પાંચ અથવા ક્વચિત્ ચાર (વજ્ર)પત્રોનું બનેલું હોય છે. તેનો કલિકાન્તરવિન્યાસ (aestivation) કોરછાદી (imbricate) કે પંચકી (quincuncial) પ્રકારનો હોય છે. ઘણી વાર તે અંદરની તરફ ગ્રંથિઓ ધરાવે છે. દલપુંજ પાંચ કે ભાગ્યે જ ચાર યુક્ત દલપત્રોનો બનેલો અને દીપકાકાર (salverform), નિવાપાકાર (funnel-shaped), નલિકાકાર (tubular) કે ઘંટાકાર (campanulate) હોય છે. કલિકામાં તે વ્યાવૃત (contorted) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ-નલિકા લાંબી હોય છે. આ નલિકાના કંઠપ્રદેશે રોમિલ શલ્કો કે બહિરુદભેદો આવેલા હોય છે. આ રચનાને પુષ્પમુકુટ કહે છે. પુંકેસરચક્ર પાંચ પુંકેસરોનું બનેલું હોય છે. આ પુંકેસરો દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. પુંકેસરતંતુઓ ખૂબ ટૂંકા હોય છે. પરાગાશયો બાણાકાર, દ્વિખંડી અને અંતર્ભૂત (introse) હોય છે. આ પરાગાશયો સામાન્યત: પરાગાસનની ફરતે જોડાયેલાં હોય છે અથવા પરાગાસન સાથે ઘટ્ટ સ્રાવ દ્વારા તેઓ સંલગ્ન (adherent) હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. લાલ કરેણમાં યોજી પરાગાશયની આરપાર વૃદ્ધિ પામી પીંછાકાર રચના બનાવે છે, જેને પુંકેસરીય મુકુટ (staminal corona) કહે છે. સ્ત્રીકેસરચક્ર દ્વિમુક્ત કે યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તે વલયાકાર કે ગ્રંથિમય બિંબ (disc) ઉપર આવેલું હોય છે. મુક્ત સ્ત્રીકેસરચક્રનાં બીજાશયો જુદાં જુદાં, છતાં પરાગવાહિનીઓ જોડાયેલી, પરાગાસન દ્વિમુંડાકાર (dumbel shaped) કે ગોળ હોય છે. પ્રત્યેક મુક્ત બીજાશય ઊર્ધ્વસ્થ કે અંશત: અધ:સ્થ (દા.ત., ખડચંપો) હોય છે અને ચર્મવર્તી (parietal) જરાયુ ઉપર અધોમુખી (anatropous) કે વક્રમુખી (campylotropus) અંડકો ધરાવે છે. યુક્ત બીજાશયમાં દ્વિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ હોય છે. પ્રત્યેક કોટરમાં બેથી માંડી અસંખ્ય અંડકો આવેલાં હોય છે. ફળ મોટે ભાગે એકસ્ફોટી (follicle) યુગ્મ અથવા અષ્ઠિલ (drupe), અનષ્ઠિલ (berry) કે સપક્ષ (samara) પ્રકારનું હોય છે. બીજ રોમિલ કે સપક્ષ અને ભ્રૂણપોષી હોય છે : તેનું પુષ્પસૂત્ર છે :

આકૃતિ 1 : લાલ કરેણ (Nerium odorum) : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) વજ્ર, (ઉ) દલપત્ર, (ઊ) પુંકેસર, (ઋ) સ્ત્રીકેસરચક્ર, (એ) પુષ્પારેખ.

આ કુળની મોટાભાગની જાતિઓ શોભન-જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે; જેમાં લાલ કરેણ, બારમાસી, પીળી કરેણ, ચાંદની, ખડચંપો, સપ્તપર્ણી, અલકનંદા (Allamanda cathartica) વગેરેનો સમાવેશ થાય છે. Landolphia અને Carpodinusની કેટલીક જાતિઓમાંથી કૂચુક (caoutchouc) તૈયાર કરવામાં આવે છે. Acokantheraનો ક્ષીરરસ ઝેરી હોય છે અને તીરને ઝેર પાવામાં તેનો ઉપયોગ થાય છે. Strophanthusના બીજમાંથી સ્ટ્રોફેન્થિન અને સર્પગંધાના મૂળમાંથી સર્પેન્ટિન નામનું આલ્કેલૉઇડ પ્રાપ્ત થાય છે, જે રક્તદાબના ઔષધ તરીકે વપરાય છે. કડવો ઇન્દ્રજવ અમીબીય મરડામાં અને ખડચંપાનો તાવમાં ઉપયોગ થાય છે. કરમદાં(Carissa congesta)નાં ફળ ખાદ્ય છે.

આ કુળ ઍસ્ક્લેપિયેડેસી સાથે સામ્ય ધરાવે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ